SURAT

મોતનો ભેટો ક્યાં, કેવી રીતે થાય કોઈ કહી શકે નહીં!, માછલી ખાતી વખતે સુરતના યુવકનું મૃત્યુ થયું

સુરત : મોતનો ભેંટો ક્યાં, કેવી રીતે થાય કોઈ કહી શકે નહીં. હાલતા ચાલતા લોકોના મોત થઈ જાય છે. છેલ્લાં કેટલાંક દિવસોથી છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ હાર્ટ એટેકના લીધે યુવાન, બાળવયના લોકોના મોત થઈ રહ્યાં છે, ત્યારે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં વિચિત્ર રીતે એક યુવકનું મોત થયું છે. અહીં માછલી ખાતા ખાતા યુવકનું મોત થયું છે.

સચિન જીઆઇડીસી વિસ્તારમાં માછલી ખાધા બાદ કાંટો ગળામાં ફસાઈ જતા યુવકનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. રાત્રે મિત્રો સાથે માછલી ખાવા બેઠેલા યુવકના ગળામાં કાંટા ફસાઈ જતા ઢળી પડ્યો હતો. માછલીનો કાંટો ગળામાં ફસાઇ ગયા બાદ શ્વાસ લેવામાં તકલીફ પડતા સારવાર માટે 35 વર્ષીય મુન્ના યાદવને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યા એનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. યુવકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સચિન જીઆઇડીસી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઉમેશ યાદવ (વતનવાસી) એ જણાવ્યું હતું કે, મુન્ના યાદવ 10 વર્ષથી સુરતમાં રેપીયર મશીન ઓપરેટર તરીકે કામ કરી વતનમાં રહેતા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. સચિન GIDC માં એપ્રિયલ પાર્ક સુડા સેક્ટર-2 માં રહેતા હતા. રવિવારની રાત્રે રૂમ પાટનર સાથે રવ માછલી ખાવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. તમામ મિત્રો એક સાથે જ ભોજનમાં બેઠા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, અચાનક મુન્નાના ગળામાં માછલીનો કાંટો ફસાઈ જતા બોલવામાં તકલીફ ઊભી થતી હતી. કેટલીક મિનિટ સુધી જમીન પર આળોટ્યા બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ જતા રૂમ માલિકને બોલાવી 108માં મુન્ના ને સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં મુન્ના એ સારવાર દરમિયાન ઉલટી કરતા અનેક કાંટા નીકળી ગયા હતા. ત્યારબાદ એના એક્સ-રે સહિત ની કામગીરી કરાઈ હતી. જોકે ટૂંકી સારવાર બાદ મુન્નાનું મોત નિપજયું હતું. ડોક્ટરો અને પરિવારે મોત નું ચોક્કસ કારણ જાણવા પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રવ માછલી સૌથી વધારે કાંટા વાળી માછલી હોય છે. જોકે ઉલ્ટીમાં માછલીના કાંટા નીકળી ગયા હોય તો મુન્નાના મોત કેમ થયું? તે પ્રશ્ન ઉભો થયો છે. હાલ પોલીસે પોસ્ટમોર્ટમ કરાવતા સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. મુન્નાના પરિવારમાં પત્ની, ત્રણ સંતાન અને વિધવા માતા હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top