SURAT

સુરત: ઘસઘસાટ ઊંઘતી મહિલાને જગાડવા ફાયર બ્રિગેડ બોલાવવું પડ્યું

સુરત: શહેરના વેસુ વિસ્તારમાં સોમવારે મધરાત્રે ફાયરના જવાનોએ દિલધડક ઓપરેશન કર્યું હતું. હાઈરાઈઝ બિલ્ડિંગના ફ્લેટમાં નિંદ્રાધીન મહિલાને જગાડવા માટે વેસુ ફાયર સ્ટેશનના જવાનોએ પાંચમાં માળેથી ચોથા માળ પર ઉતરી મહિલાને ઊંઘમાંથી જગાડી દરવાજો ખોલાવડાવ્યો હતો.

પ્રાપ્ત જાણકારી મુજબ શહેરના વેસુ વિસ્તારના છેવાડે ગેલ કોલોની નજીક સ્પર્શ રેસિડેન્સી નામની હાઈરાઈઝ બિલ્ડિંગમાં ત્રિપાઠી પરિવાર રહે છે. સોમવારે રાત્રે ચોથા માળ ઉપર રહેતા 50 વર્ષીય અનામિકા ત્રિપાઠી તેમનો ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરીને ઊંઘી રહ્યાં હતાં. તેમના પતિ કૂતરાને ફેરવવા માટે બહાર નીકળ્યા હતાં અને તેઓ ઘરે પાછા આવ્યા ત્યારે પત્નીને ઉઠાડવા માટે ડોરબેલ વગાડ્યો હતો.

તેમ છતાં પત્નીએ દરવાજો નહીં ખોલતા તેમણે ડોર બેલ વગાડવાનું શરૂ કર્યું હતું છતાં પણ પત્નીએ દરવાજો ખોલ્યો ન હતો. જેથી તેમણે પત્નીને ફોન કરવાનું શરૂ કર્યું હતું તો પત્નીએ ફોન પણ રિસિવ કર્યો હતો. આટલું કરવામાં રાત્રે એક વાગી ગયો હતો. કંઇ અજુગતું બન્યું હોવાના ડરથી તેમણે રાત્રે એક વાગ્યે ફાયર કંટ્રોલને જાણ કરી હતી. જેથી વેસુ ફાયર બ્રિગેડની ટીમ સ્પર્શ રેસિડેન્સી પર પહોંચી હતી.

ફાયર સબ ઓફિસિર મારૂતિ સોનવણેએ જણાવ્યું હતું કે, તેમની પાસે ફ્લેટનો દરવાજો તોડવાનો વિકલ્પ હતો પરંતુ એક ફાયર જવાન કમર પર દોરડું બાંધીને પાંચમાં માળેથી ચોથા માળની ગેલેરીમાં ઉતર્યો હતો અને અને મહિલાને જગાડી ઘરનો દરવાજો ખોલ્યો હતો.

Most Popular

To Top