SURAT

સુરતનું આ 20 વર્ષ જૂનું તરણકુંડ ખાનગી એજન્સીને સોંપવા સામે સ્થાનીય લોકોમાં રોષ

સુરત: (Surat) સુરત મનપા (Municipal Corporation) દ્વારા સંચાલિત તરણકુંડો, બાગ-બગીચા, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ વગેરેનું ખાનગીકરણ કરી મનપાનો ખર્ચ ઘટાડવા અને આવક ઊભી કરવાની વર્તમાન શાસકોની નીતિ સામે ધીમે ધીમે નારાજગી બહાર આવી રહી છે. અગાઉ ઉત્રાણ-મોટા વરાછા (Vrachha) વિસ્તારના બગીચાઓ ખાનગી એજન્સીને સોંપી દેવાના નિર્ણયનો વિરોધ થયા બાદ હવે રાંદેર ઝોન સ્થિત જોગાણીનગર તરણકુંડ પ્રાઇવેટ એજન્સીને (Private Agency) પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી સંચાલન માટે સોંપી દેવા માટે તખ્તો ગોઠવાયો હોવાથી આ તરણકુંડમાં (Swimming Pool) આવતા સભ્યો દ્વારા વિરોધ કરાયો છે.

  • 20 વર્ષ જૂનું જોગાણીનગર તરણકુંડ ખાનગી એજન્સીને સોંપવા સામે સ્થાનિય લોકો તેમજ તરણકુંડમાં આવતા લોકોએ વિરોધ જતાવ્યો
  • છેલ્લા બે દાયકાથી આ તરણકુંડનો હજારો શહેરીજનોએ લાભ લીધો છે, કોઈ વિવાદ થયો નથી, છતાં ખાનગીકરણ શા માટે?
  • તેવા સવાલ સાથે અહીંના સભ્યોની આ તરણકુંડ ખાનગી એજન્સીને સોંપવાનો નિર્ણય પડતો મૂકવા રજૂઆત

લેખિતમાં થયેલી રજૂઆતમાં સભ્યોએ જણાવ્યું છે કે, જોગાણીનગર ખાતેનો વીર સાવરકર તરણકુંડ બન્યાને પણ ૨૦ વર્ષ પૂર્ણ થયાં છે. બાળકોથી માંડીને સિનિયર સિટિઝન સુધીની જુદી જુદી પેઢીઓ આ તરણકુંડનો લાભ લઈ શરીરે સ્વસ્થ રહી છે. જેને લઈને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય ક્ષેત્રને પણ પ્રત્યક્ષ ભારણ ઓછું થયું છે તેમ કહેવું ખોટું નથી. ત્યારે આ તરણકુંડનું ખાનગીકરણ યોગ્ય નથી. રજૂઆતમાં જણાવાયું છે કે, છેલ્લાં બે વર્ષથી રાષ્ટ્રથી લઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કાર્યરત ભારતીય જનતા પક્ષના વિચિત્ર નિર્ણયોથી સોશિયલ મીડિયા સહિતનાં માધ્યમોમાં ‘આ લોકો પૂરો દેશ વેચી નાંખશે’ તેવી ચર્ચા સરેઆમ થઈ રહી છે. જેની ગંભીર નોંધ લેવી જોઈએ.

સુરત મહાનગરપાલિકામાં પણ શાસકો આ જ દિશામાં જઈ જોગાણીનગર ખાતેનો વીર સાવરકર તરણકુંડ પી.પી.પી. ધોરણે આપવા જઈ રહ્યા હોવાની ચર્ચા છે. જાહેર જનતાના કરવેરાના કરોડો રૂપિયાથી નિર્માણ પામેલા તરણકુંડ પી.પી.પી. ધોરણે આપવા યોગ્ય જણાતું નથી. તેથી તરણકુંડના સભ્યો તેનો વિરોધ કરે છે. આમ છતાં જો તરણકુંડનું ખાનગીકરણ થશે તો આ મુદ્દે સતત વિરોધ કરાશે અને આગામી વિધાનસભા ચૂંટણી સુધી જીવંત રાખી પ્રચાર-પ્રસાર થશે. જેને લઈને ભારતીય જનતા પક્ષને સુરતના પ્રબુદ્ધ મતદારોના આક્રોશનો સામનો કરવો પડશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

Most Popular

To Top