SURAT

સુરતની ઘટના: મહાલક્ષ્મી માર્કેટમાં શેઠના વફાદારે જ પોણા કરોડની ચોરીને અંજામ આપ્યો

સુરત : મહાલક્ષ્મી માર્કેટમાં (Mahalaxmi Market) શેઠની તિજોરીમાં પડેલા પોણો કરોડની ચોરીને (Stealing) શેઠના અંગત ઇસમે જ અંજામ આપ્યો હોવાની વિગત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રકાશમાં લાવવામાં આવી છે. આ મામલે શેઠનો અંગત વફાદાર સુરજ મિશ્રા નામના ઇસમે ચોરી કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર આરોપીઓને યુપીથી (UP) પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે મુખ્ય આરોપી સુરજ મિશ્રા વોન્ટેડ હોવાની વિગત ક્રાઇમ બ્રાન્ચે જણાવી હતી. પોલીસ દ્વારા રોકડા રૂ. 50 લાખ રિકવર કરવામાં આવ્યા હતા. તેમાં આરોપીઓ દ્વારા આઇફોન અને સેમસંગ ફોનની ખરીદી કરવામાં આવી હોવાની કબૂલાત કરવામાં આવી છે. તમામ આરોપીઓના ઘરમાંથી નાણા રીકવર કરવામાં આવ્યા હતા. મુખ્ય આરોપી સુરજ મિશ્રા પાસેથી 25 લાખ કરતા વધારે રકમ હોવાની વિગત બહાર આવી છે.

મુખ્ય આરોપી સુરજ મિશ્રા (મૂળ રહે યુપી, સાંગીપુર)ને ખબર હતી કે તેના શેઠની તિજોરીમાં લાખ્ખો રૂપિયા પડેલા છે. આ માટે તેણે યુપીથી ચાર ઇસમોને બોલાવ્યા હતા. આ તમામ લોકોને તેણે ચોરી કરતા પહેલા ટ્રેનિંગ આપી હતી. તેમાં એક્શન પ્લાન બનાવ્યો હતો. મહાલક્ષમી માર્કેટમાં ચોરી કેવી રીતે કરવી, તેની રેકી પાંચ વખત કરવામાં આવી હતી. જેથી ચોરીનો પ્લાન નિષ્ફળ નહી જાય. શોપ નંબર 1122-33માં સફળતાપૂર્વક ગત સપ્તાહમાં પોણા કરોડની ચોરી કરવામાં આવી હતી. દરમિયાન આ મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાંગીપુર, ખાતે જઇને તમામ લોકોને પચાસ લાખ રોકડ રકમ સાથે પકડી પાડ્યા હતા.

ચોરી કરતા પહેલા દુકાનનું શટર તોડવા માટે તથા ગોદરેજની તિજોરી તોડવા માટે તમામ સાધનો વસાવવામાં આવ્યા હતા. તે તોડવા માટે પણ આ લોકોએ પ્રેક્ટિસ કરી હતી. દરમિયાન મહાલક્ષ્મી માર્કેટના પાછલા ગેટમાંથી ઘૂસીને આ લોકોએ સફળતા પૂર્વક પોણા કરોડ કરતા વધારેની રકમની ચોરી કરી હતી. જેમાં પકડાયેલા આરોપીઓમાં (1) સોનુ દાનપાલ વર્મા (ઉ. વર્ષ 21, રહે : ઘર નંબર 243, મહાદેવ નગર, વિભાગ-4 જનતા મેડીકલની ગલી પાસે, ડિંડોલી, મૂળ સાંગીપૂર જિલ્લા, પ્રતાપગઢ) (2) અંકુર ઉર્ફે ક્લલ સદાશીવ દૂબે (ઉ. વર્ષ 20, રહે : 307 પટેલ નગર, આસપાસ ત્રણ રસ્તા, ગોડાદરા, ડિંડોલી બ્રિજ નજીક, લિંબાયત (3) અફસરઅલી ઉર્ફે મોહમદ રઝા મોહમદ નિસાર (ઉ. વર્ષ 23 રહે : આસપાસ નગર, લિંબાયત, મૂળ રહેવાસી યુપી, સાંગીપુર) અને (4) આરોપી બાળ કિશોર મૂળ સાંગીપૂરનો સમાવેળ થાય છે.

Most Popular

To Top