SURAT

પ્રાથમિક-માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની પરીક્ષા 22 જાન્યુઆરીએ યોજાશે

સુરત: (Surat) ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ આગામી 22 જાન્યુઆરીએ પ્રાથમિકના ધોરણ-6 અને માધ્યમિકના ધોરણ-9ના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તીની (Scholarship) પરીક્ષા લેશે. આ પરીક્ષાના ફોર્મ (Exam Form) ભરવાની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. સુરત શહેર જિલ્લાના 5 હજારથી વધારે વિદ્યાર્થી (Students) પરીક્ષા અપાવી શકે, તેવું જણાય આવે છે. કારણ કે, પરીક્ષા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ સીસીટીવીથી સજ્જ સુરત શહેર જિલ્લાના 40 સેન્ટર પસંદ કર્યા છે. આ વખતે વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં અભ્યાસ કરતા હશે તે તાલુકામાં જ પરીક્ષા લેવાશે. જેથી વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે દૂર દૂર સુધી જવું પડશે નહીં.

  • પ્રાથમિક-માધ્યમિકની શિષ્યવૃત્તિની પરીક્ષા 22 જાન્યુઆરીએ યોજાશે, 1 જ દિવસે 100-100 માર્ક્સના 2 પેપર
  • પરીક્ષા માટે દૂર દૂર સુધી જવું નહીં પડે, વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં અભ્યાસ કરતા હશે તે તાલુકામાં જ પરીક્ષા લેવાશે
  • એક જ દિવસે 100- 100 માર્કસની બે પરીક્ષા લેવાશે

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની બેઠકમાં રાજ્ય પરીક્ષા બોર્ડે લાભાર્થીઓની પસંદ કરવા માટે પરીક્ષાનું આયોજન કરવા માટેનો નિર્ણય કર્યો હતો. જે માટે રાજ્ય પરીક્ષા બોર્ડે ગત 17 ઓગસ્ટે જાહેરનામું બહાર પડાયું હતું. તે પછી 22 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી હતી. પ્રાથમિક શિષ્યવૃત્તિ માટે ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-6માં સરકારી, ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. પણ તે માટે ધોરણ-5ની પરીક્ષામાં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ મેળવેલા હોવા જરૂરી છે. તેવી જ રીતે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપી શકશે. જેના માટે ધોરણ-8માં 50 ટકા કે તે સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જરૂરી છે.

પ્રાથમિક શિષ્યવૃત્તિ માટે ધોરણ-1થી 5નો અભ્યાસક્રમ રહેશે. જ્યારે માધ્યમિક શિષ્યવૃત્તિ માટે ધોરણ-6થી 8નો અભ્યાસક્રમ રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડે પરીક્ષાને લગતી તમામ તૈયારી પૂર્ણ કરી લેવાયા બાદ હવે પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. એક જ દિવસમાં બે પેપર લેવામાં આવશે. જેમાં પેપર-1 ભાષા અને સામાન્ય જ્ઞાન અને પેપર-2 ગણિત અને વિજ્ઞાનની પરીક્ષા 22 જાન્યુઆરીના બપોરે 1થી 4 વાગ્યા દરમિયાન લેવાશે. બંને પેપર 100-100 ગુણના હશે અને પેપર લખવા માટે 90-90 મિનિટનો સમય આપવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જણાવાયું છે કે પ્રાથમિક- માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરેલા હતા તે વિદ્યાર્થીઓની પરીક્ષા જે શાળામાં અભ્યાસ કરતા હોય તે શાળાના તાલુકા મથકે જ લેવાશે. જેથી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દૂર સુધી જવાની જરૂર પડશે નહીં. વહેલી તકે પરિણામ જાહેર થાય તે માટેના પ્રયાસો પણ શરૂ કરવામાં આવશે.

Most Popular

To Top