Dakshin Gujarat

‘તમારા શેઠની જન્મકુંડળી મારી પાસે છે, સોપારી આપી દીધી છે, બે મહિનામાં કામ તમામ થઈ જશે’

ખેરગામ : સુરતના (Surat) હજીરા પટ્ટી પર આવેલા ઈચ્છાપોરના ટેમ્પો ડ્રાઇવર (Tempo Driver) અને તેના મિત્રને રૂમલાથી ધરમપુર જતા રોડ ઉપર જામનપાડા ગામે પોલીસ (Police) હોવાની ઓળખ આપી એક કારચાલકે અટકાવ્યા હતા. બાદ ટેમ્પો ડ્રાઇવરને પેટના ભાગે મુક્કો મારી દીધો હતો. તેની સાથે આવેલા અન્ય એકને પણ તમાચા મારી દીધા હતા. ‘તમારા શેઠની જન્મકુંડળી મારી પાસે છે, સોપારી આપી દીધી છે અને બે મહિનામાં મર્ડર થઈ જશે’ તેમ કહી ધમકી આપતાં મામલો ખેરગામ પોલીસ મથકે પહોંચ્યો હતો.

સુરતના હજીરા વિસ્તારમાં આવેલા ઈચ્છાપોરમાં ચિરાગ ઘનશ્યામ ગોટીની શ્યામ લુબ્રિકેન્ટ કંપની આવેલી છે, જેમાં ટેમ્પો ડ્રાઇવર તરીકે કંપનીની જ રૂમમાં રહેતો શ્યામલાલ શાંતિલાલ ખાતે (ઉંવ.35) ડ્રાઇવર તરીકે કામ કરે છે.‌ ગત 15મી ફેબ્રુઆરીએ બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં રૂમલાથી ધરમપુર રોડ ઉપર પાણીખડક સર્કલથી આગળ જામનપાડા ગામેથી ડ્રાઇવર શ્યામલાલ ખટીક અન્ય એક સાથી રસિકભાઈ સાથે પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક ગ્રે કલરની નંબર પ્લેટ વગરની એક કારના ચાલકે ટેમ્પો આગળ કાર ઊભી રાખી અવરોધ ઊભો કર્યો હતો.

બાદમાં પોલીસ હોવાની ઓળખ આપી વિકાસ યાદવ નામના ઇસમે ટેમ્પો ડ્રાઇવરને સાઈડ આવીને દરવાજો ખોલી શ્યામલાલને પેટમાં મુક્કો મારી ચાવી લઈ લીધી હતી. ઉપરાંત ડ્રાઇવરની બાજુમાં બેઠેલા રસિકભાઈને બે-ત્રણ તમાચા મારી દીધા હતા. એ બાદ વિકાસ યાદવે શ્યામલાલના શેઠ અલ્પેશભાઈને ફોન ઉપર ગાળાગાળી કરી જણાવ્યું હતું કે, ‘તું ક્યાં છે? તારી ગાડી અહીં મેં રોકી છે. તું અહીં આવી જા’. એમ કહી રસિકભાઈને ગાડીમાંથી નીચે ઉતારી પગમાં લાત મારી દીધી હતી અને બંનેને ધમકી આપી હતી કે, ‘તમારા બંને શેઠની જન્મકુંડળી મારી પાસે છે અને સોપારી પણ આપી દીધી છે. બે મહિનામાં જ તારા શેઠ ચિરાગ ગોટીનું મર્ડર થઈ જશે.’ એ પછી શ્યામલાલ અને રસિકભાઈને ફરી માર મારી ધમકી આપતાં શ્યામલાલે ખેરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં ખેરગામ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top