SURAT

સુરત: ચાની લારી ચલાવતા યુવકના અંગદાનથી 5 લોકોને નવું જીવન મળ્યું

સુરત: ‘અંગદાન મહાદાન’ના સુત્રને સાર્થક કરતા સુરત (Surat) શહેરમાં ફરીવાર સફળ અંગદાન થયું છે. પદ્મશાળી તેલુગુ (Telugu) સમાજના જયેશ રમેશભાઈ ચેરીપલના પરિવારે જયેશના કિડની (Kidney), લિવર (Liver) અને ચક્ષુઓનું (Eyes) દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન દાન આપી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

મળતી માહિતી મુજબ સચીનના કનકપુર કનસાડ ખાતે રવીદર્શન રો હાઉસમાં રહેતા જયેશ ચેરીપલ સચીનમાં તુલસી હોટલની સામે ચાની લારી ચલાવતા હતા. જયેશભાઇ તા. 22 ઓક્ટોબરના રોજ પોતાની ચાની લારી પર સાંજે 4 વાગે કામ કરી રહ્યા હતા, ત્યારે તેમને ચક્કર આવતા નીચે પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક ધોરણે નજીકમાં આવેલ સમર્પણ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. ત્યાં સારવાર માટે MRI કરાવતા પેરાલીસીસની અસર જણાઇ હતી. જેથી ડુંગરીની વૈધ હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે પરિવારજનોએ તેમને સુરતની કિરણ હોસ્પિટલમાં તા. 25 ઓક્ટોબરના રોજ દાખલ કર્યા હતા.

જયેશભાઇના પરિવારજનોએ જણાવ્યું કે, જયેશ બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે, શરીર તો રાખ જ થઈ જવાનું છે. ત્યારે તેમના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને ઓર્ગનથી નિષ્ફળ દર્દીઓને નવજીવન આપવા માટે આગળ વધવાની ભાવના વ્યક્તવ કરી હતી. જણાવી દઇયે કે જયેશભાઇના પરિવારમાં તેમની પત્ની એક દીકરી અને એક દીકરો છે.

વધુમાં જાણકારી મળી હતી કે,પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા બંને કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને દાન કરવામાં આવ્યા હતા. દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના 16 વર્ષીય યુવકમાં કરવામાં આવ્યુ હતું તો બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 28 વર્ષીય યુવાનમાં કરવામાં અઠાવ્યુ હતું. લિવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના 49 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું. દાનમાં મેળવવામાં આવેલા ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલમાં બે જરૂરિયાતમંદ દર્દીમાં કરવામાં આવશે.

Most Popular

To Top