SURAT

સુરતમાં સફરજન કરતાં ડુંગળી મોંઘી: અઠવાડિયામાં જ ડુંગળીનાં ભાવ ડબલ થઈ આટલે પહોંચી ગયા

સુરત: (Surat) ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીએ કાયમ તહેવારની સિઝનમાં જ ગરીબ,મધ્યમવર્ગના લોકોને રડાવ્યા છે. સુરતનાં બજારમાં સફરજન (Apple) કરતાં ડુંગળી (Onion) મોંઘી વેચાઈ રહી છે. કિલો સફરજનનો ભાવ 60થી 70 રૂપિયે કિલો ચાલી રહ્યો છે. એની સામે ડુંગળી 80 રૂપિયે કિલોએ પહોંચી છે. એક જ અઠવાડિયામાં ડુંગળીનાં ભાવ ડબલ થઈ ગયા છે. પાછોતરા વરસાદને લીધે મહારાષ્ટ્ર, કર્ણાટક,અને ગુજરાતમાં ડુંગળીનો પાક ખરાબ થતાં શોર્ટ સપ્લાય ઊભી થઈ છે. વેપારીઓ કહે છે કે,તહેવારો અને લગ્નસરામાં ડિમાન્ડ વધતા સારી ગુણવત્તાની ડુંગળીનો એક કિલોનો ભાવ રૂ.100 થઈ જાય એવી શક્યતા છે.

  • સફરજન કરતાં ડુંગળી મોંઘી : અઠવાડિયામાં જ ડુંગળીનાં ભાવ ડબલ થઈ 80 રૂપિયે કિલો
  • પાછોતરા વરસાદને લીધે મહારાષ્ટ્ર, કર્ણાટક,અને ગુજરાતમાં ડુંગળીનો પાક ખરાબ થતાં શોર્ટ સપ્લાય ઊભી થઈ
  • કાયમ તહેવારોની સિઝનમાં ડુંગળીએ ગરીબ અને મધ્યમવર્ગને રડાવ્યા છે

ભાગળ શાક માર્કેટના હોલસેલરે જણાવ્યું હતું કે, સુરત એપીએમસીમાં આજે 20 કિલો ડુંગળીનો ભાવ 1000થી 1200 રૂપિયા બોલાયો છે. જે ગયા મહીને આ જ તારીખે 500થી 600 રૂપિયા 20 કિલો હતો. શાકભાજી માર્કેટમાં એક અઠવાડિયા પહેલાં 35 રૂપિયે કિલો વેંચાતી ડુંગળી હવે 70 થી 80 રૂપિયે કિલોનાં ભાવે વેચાઈ રહી છે. ક્લાઈમેટ ચેઇન્જની અસરને લીધે ડુંગળીનાં પાકને નુકસાન થતાં ડિમાન્ડ સામે આવક ઓછી રહેતાં ભાવો વધ્યા છે. ભારે વરસાદના કારણે મહારાષ્ટ્રમાં ડુંગળીના જૂના સ્ટોકની ક્વોલિટી પર પણ અસર થઈ છે. જેને લઈને ડુંગળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તહેવારો પૂર્વે સંગ્રહખોર વેપારીઓ દ્વારા ડુંગળીનો સંગ્રહ કરવામાં આવતો હોવાને કારણે પણ ભાવમાં વધારો થતો હોવાની ચર્ચા વેપારીઓમાં ચાલી રહી છે.

ભારે વરસાદને લીધે પાક બગડી જતાં 30થી 40% માલ ઓછો આવી રહ્યો છે
સુરત એપીએમસી માર્કેટ યાર્ડના ડિરેક્ટર બાબુભાઈ શેખ કહે છે કે, કર્ણાટક,મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પાછોતરા ભારે વરસાદના કારણે ડુંગળીના પાકને મોટુ નુકસાન થયું છે. ભારે વરસાદને લીધે પાક બગડી જતાં 30 થી 40% માલ ઓછો આવી રહ્યો છે. અત્યારે સુરતમાં નાસિક, પુણે, સતારાથી માલ આવી રહ્યો છે. કર્ણાટકનાં હુબલી બેલ્ટમાં માલ વધુ ખરાબ થતાં માલની સૌથી ઓછી આવક અહીંથી થઈ રહી છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટકથી માલ ઓછો આવતા કેરળ અને આંધ્રપ્રદેશની માર્કેટમાંથી માલ મંગાવવામાં આવી રહ્યો છે. પણ એનું ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડી રહ્યું છે. ડુંગળીની આવક ઓછી થતા સ્વભાવિક રીતે ભાવો વધ્યા છે. ડુંગળીનો નવો શિયાળુ પાક બજારમાં આવશે ત્યારે ભાવો ઘટી જશે. એક મહિના પહેલા સુરત એપીએમસીમાં 20 કિલોનો ભાવ 500 થી 600 રૂપિયા હતો એ 1000 થી 1200 રૂપિયા થઈ ગયો છે.

Most Popular

To Top