SURAT

મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિકને નિયંત્રિત કરવા કોટ વિસ્તારના આ રૂટ પર ડાયવર્ઝન, જાણી લો નવા રૂટ

સુરત: (Surat) સુરત શહેર વિસ્તારમાં મેટ્રો રેલનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે શહેરના કેટલાક રસ્તાઓ પર કામગીરીને કારણે મેટ્રો રેલ પ્રોજેક્ટ હવે લગભગ એક વર્ષ સુધી સુરતીઓને બાનમાં લેશે. શહેરના કોટ વિસ્તારના મુખ્યમાર્ગો પર કામગીરી શરૂ થનાર હોવાથી વાહન ચાલકોને વૈકલ્પિક રસ્તાઓ અપનાવવા પડશે. મેટ્રો રેલ (Metro Rail) બનાવવાનું કામકાજ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમીટેડ દ્વારા કરવામાં આવશે. સુરત રેલવે (લંબે હનુમાન) મેટ્રો સ્ટેશન, મસ્કતી હોસ્પિટલ મેટ્રો સ્ટેશન (Metro station) અને ચોક બજાર (Chowk Bazar) મેટ્રો સ્ટેશનના બાંધકામ અનુસંધાને લોકોની અને વાહનોની અવર-જવર થી કામકાજમાં અવરોધ ઉભો ન થાય તેમજ ટ્રાફિકની કોઈ સમસ્યા ઉદભવે નહિ તેવા હેતુ સાથે પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જાહેરનામાનો અમલ તા.03-11-2022 સુધી કરવાનો રહેશે.

જાહેરનામાં મુજબ મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત લંબે હનુમાન રોડની શરૂઆત (જય વિજય રેસ્ટોરન્ટ) થી લંબે હનુમાન પોલીસ ચોકી સુધી, મસ્કતી હોસ્પિટલથી સુરત મહિધરપુરા હેડપોસ્ટ ઓફીસ સુધી, ચોક બજારમાં ક્રાઈમ બ્રાંચ ઓફિસથી એસ.બી.આઈ બેંક ગાંધીબાગ સર્કલ સુધીના રસ્તાઓ બંધ રહેશે તેમજ રાજમાર્ગ તરફથી જે વાહનો કમાલ ગલીનો ઉપયોગ કરી ગાંધીબાગ સર્કલ તરફ આવતા હતા તે આવી શકશે નહિ. આ રસ્તાઓ માટે નીચે જણાવેલ ડાયવર્ઝનનો ઉપયોગ કરવાનો રહેશે.


(૧) લંબે હનુમાન રોડ પર જે. બી. ડાયમંડ સર્કલ તરફથી દિલ્હી ગેટ અને રીંગ રોડ તરફ આવવા માટે લંબે હનુમાન પોલીસ ચોકીથી વરાછા મેઇન રોડ રોડથી, આયુર્વેદિક કોલજ સર્કલથી સ્ટેશન રોડ (One Way) અથવા લાલ દરવાજા રોડનો ઉપયોગ કરી શકાશે અને કતારગામ તરફ જવા વરાછા મેઇન રોડ પરથી લાલ દરવાજા રોડ થઈને જઈ શકાશે. તેમજ દિલ્હી ગેટથી સુરત રેલ્વે સ્ટેશન અથવા વરાછા મેઇન રોડ ઉપર જવા માંગતા વાહનો સુરત રેલ્વે સ્ટેશનના વન વે રોડ અને લાલ દરવાજા રોડ પરથી જઈ શકાશે. સાથે જ GSRTC બસ ડેપો અને ખારવા ચાલના રહેવાસીઓએ અલગથી ૪ મીટર આપવામાં આવેલ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

(૨) સ્ટેશન રોડ પર મોતી ટોકિઝ (પાણીની ટાંકી) તરફથી મહિધરપૂરા તરફ જવા માટે ટ્રાફિકને દારૂખાના રોડથી મહિધરપુરા રોડ પર જઈ શકાશે. રાજમાર્ગથી ભાગળ અને ચોક બજાર તરફ જવા માટેજ દારૂખાના રોડથી મહિધરપુરા મેઈન રોડથી, ઘી કાંટા રોડથી, કાંસકી વાડ રોડ પરથી ભાગળ ચાર રસ્તા પર આવી શકાશે અથવા બેગમપુરા રોડથી, ઝાંપા બજાર રોડ અને બદરી રોડ (One Way) પરથી રાજમાર્ગ પર આવી શકાશે. સાથે જ ચોક બજાર અને ભાગળ ચાર રસ્તાથી સ્ટેશન તરફ જવા પીરછડી રોડ (One Way) અથવા કાસકીવાડ રોડ થી ઘી કાંટા રોડથી, મહિધરપુર! મેઈન રોડથી લક્કડ શેરી અને દારૂખાના રોડનો ઉપયોગ કરીને રાજમાર્ગ પર આવી શકાશે. સાથે જ સ્થાનિક રહેવાસીઓએ બાંધકામના સ્થળે અલગથી આપવામાં આવેલ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

(૩) ચોક બજાર મેટ્રો સ્ટેશન માટે ક્રાઇમ બ્રાન્ચ ઓફિસથી એસ.બી.આઇ. બેંક ગાંધીબાગ સર્કલ સુધીનો રસ્તો બંધ રહશે. પરંતુ રાજમાર્ગથી નેહરૂ બ્રિજ પર જવા અને આવવા નાના વાહનોને ચોક બજાર ચાર રસ્તાથી રસ્તો આપવામાં આવશે. રાજમાર્ગથી ગાંધી બાગ, વિવેકાનંદ સર્કલ જવા માટે અનસુયન રોડ (One Way), ચારા ગલી (One Way) થી જઈ શકાશે, અને વિવેકાનંદ સર્કલથી રાજમાર્ગ જવા માટે રંગ ઉપવન રોડ (One Way), કમાલ ગલી (One Way) રોડનો ઉપયોગ કરી શકાશે. ગાંધી બાગ તરફથી નેહરૂ બ્રિજ આવવા અને જવા માટે એસ.બી.આઇ. બેંક પાછળના રસ્તાથી જઈ શકાશે. સાથે જ મુગલીસરા અથવા SMC મેઈન ઓફિસ તરફ જવા માટે નાણાવટ રોડનો નાના વાહનો એ જ કરવાનો રહશે અને ફોરવ્હીલર જેવા મોટા વાહનોએ ચંદ્રશેખર આઝાદ બ્રિજ (જીલાની બ્રિજ) નો ઉપયોગ કરવાનો રહેશે. ગાંધીબાગ સર્કલથી રાજમાર્ગ જવા માટે કમાલગલીનો ઉપયોગ કરી રાજમાર્ગ તરફ જઇ શકાશે. આ સમગ્ર માર્ગ “નો-પાર્કિંગ ઝોન” રહેશે. આ જાહેરનામુ ફાયરબ્રિગેડ, એબ્યુલન્સ તથા અન્ય ઇમરજન્સી વાહનો જેમ કે પોલીસના વાહનોને કામગીરી દરમિયાન લાગુ પડશે નહિ.

Most Popular

To Top