SURAT

આ ગેંગના ઈશારે ખજોદની સવાસો કરોડની જમીનની ફાઈલના ચાર પાના ફાડી નંખાયા

સુરત (Surat) : ખજોદની રેવન્યુ (Revenue) સરવે નં.182ની જમીનનો (Land) દસ્તાવેજ (Document) રિઝ્યુમ કરવા માટે રજિસ્ટ્રાર કચેરીમાં (Registrar Office) એપ્લિકેશન કરવામાં આવી છે. આમ આ મામલે પાપ છાપરે ચઢીને પોકારી રહ્યું છે. તેમાં જાહેર નોટિસ ગઇ તા.22 એપ્રિલે પ્રસિદ્ધ થયા બાદ આવી અનેક જમીનોના કૌભાંડ નહીં ખૂલે તેવી શક્યતા છે. આ માટે એક ગેંગ કામ કરી રહી હતી. ગેંગના સભ્યોના નામો બહાર આવતાની સાથે જ આવતા દિવસોમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજો સાથે ચેડાં કરવાના અન્ય કિસ્સા બહાર આવવાની શક્યતા જોવાઇ રહી છે.

  • કૌભાંડ બહાર આવતાની સાથે જ ખજોદની જમીનના દસ્તાવેજ રિઝ્યુમ કરવા અરજી કરાઈ હતી
  • દસ્તાવેજ જેના નામ પર થયો છે તે લોકો પણ ભાગતા થઈ ગયા
  • અગાઉ છીબુ પરિવાર અને વકીલ સામે આ મામલે વાપી અને વલસાડમાં ગુના દાખલ

આ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રજિસ્ટ્રાર ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી છે. દરમિયાન 14 વીઘાં જમીનની કિંમત અંદાજે સવાસો કરોડની ઉપર છે, તેમાં કરોડોની જંત્રીની ચોરી કરવામાં આવી હોવાનું ભોપાળું બહાર આવ્યું છે. આ કરોડોની જમીનના કમઠાણમાં વાપી અને વલસાડમાં બે ગુના છીપુના પરિવારજનો પર થઇ ચૂક્યા છે. અલબત્ત, હાલમાં પડદા પાછળ આ ગેંગ કાર્યરત છે.

હવે દસ્તાવેજ રિઝ્યુમ કરવા માટે અરજી
ખજોદની સરવે નં.182ની જમીનનો દસ્તાવેજ રિઝ્યુમ કરવા માટે અરજી આવી છે. તેમાં છીબુ પરિવારના વારસદારોને માલિક બનાવાયા છે. વિનય છીબુ, સંજય છીબુ, હિના છીબુ પાસેથી દસ્તાવેજ ચેતન જગદીશ રાવલ, સંજય જશુ ચૌધરી, ઈશ્વર સના પટેલના નામ પર દસ્તાવેજ કરવામાં આવ્યો છે. અંદાજે સો કરોડની આ જમીનના બે ટુકડા કરવામાં આવ્યા છે. તેમાં બે દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યા છે. પગ તળે રેલો આવતા જ હવે આ દસ્તાવેજ રિઝ્યુમ કરવા દસ્તાવેજ બનાવનાર ટોળકી અને પડદા પાછળના વિલન દ્વારા અરજી કરવામાં આવી છે.

કરોડોની જંત્રીનું પણ કૌભાંડ
આ જમીનની કરોડોની જંત્રી થાય છે, તેમાં પણ હાલમાં તો 45 લાખ રૂપિયા ભરવામાં આવ્યા છે. કરોડોની જંત્રી લેવા પાત્ર હોવા છતાં હાલમાં નેવું લાખ રૂપિયાની જંત્રી ભરવામાં આવી છે. સામાન્ય રકમની જંત્રી ભરી આ દસ્તાવેજની ફાઇલ રેવન્યુ ઓફિસમાં ક્લીયર કરાવવા એટલે કે નવા માલિકોનાં નામની એન્ટ્રી દાખલ કરાવવા તખ્તો ગોઠવાઇ ગયો હતો. આ જ રીતે છીબુ પરિવાર સામે અગાઉ આ જ રીતે છેતરપિંડીની ફરિયાદ દાખલ થઇ છે. રેવન્યુ ઓફિસમાં પણ અધિકારીઓને આ મામલે ફોડવામાં આવ્યા હતા. જમીન ક્લીયર થતાની સાથે જ તેનો મોટો સોદો પણ કરવાનો તખ્તો ગોઠવાઇ ગયો હતો.

સબ રજિસ્ટ્રાર કચેરીના વોલ્યુમ બુકનાં ચાર પાનાં ફાડી નંખાયાં
સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગેંગના ઈશારે ખજોદનાં જે ચાર પાનાં ફાડી નાંખવામાં આવ્યાં તેમાં મૂળ માલિકને બદલે છીબુ પરિવારને માલિક બતાવાયો. આ વોલ્યુમ બુકના પુરાવા આવતા દિવસોમાં પોલીસને હવાલે કરાય તેવી વિગતો જાણવા મળી છે. તેમાં કોઇ પણ ગુનેગાર એક ભૂલ તો કરે જ તે ઉક્તિ આ કેસમાં સાચી ઠરે તેમ છે. આ કેસમાં ગેંગના સભ્યો સામે જડબેસલાક પુરાવા પોલીસને આપવામાં આવનાર હોવાની વિગત જાણવા મળી છે. આ વોલ્યુમ બુકને ફાડ્યા પછી તેને ફરીથી નવું બાઇન્ડિંગ કરી ચાર નવાં પાનાં ચઢાવી દેવાયાં હોવાની વિગત પણ જાણવા મળી છે.

ક્રાઇમ બ્રાન્ચે દસ્તાવેજ કબજામાં લીધા
એસીપી સરવૈયા દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. તેઓએ રજિસ્ટ્રાર ઓફિસમાં તમામ દસ્તાવેજ કબજામાં લીધા છે. આ મામલે આવતા દિવસોમાં આકરી પૂછપરછનો દૌર શરૂ થવાના સંકેત ક્રાઈમ બ્રાન્ચે આપ્યા છે.

અગાઉ છીબુ પરિવાર સામે ગુના દાખલ થયેલા છે
સુરતમાં સિંગણપોર, વેસુ, ખજોદની જમીનોમાં જે રીતે માલિકો બદલવામાં આવ્યા તેવી જ રીતે વાપી અને વલસાડમાં ગુના દાખલ થયા છે તેમાં વાપીમાં 171-2013 173 -2016 તથા 162,163-2016નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમાં આજ ઓપરેન્ડીથી આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે.

Most Popular

To Top