SURAT

સુરતના સરથાણામાં ટ્રાવેલ ઓપરેટર અને તેના મિત્રનું સીબીઆઈની ઓળખ આપી અપહરણ

સુરત: (Surat) સરથાણા ખાતે ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સ ઓપરેટર અને તેના મિત્રનું બીટકોઇનના રૂપિયાની લેતીદેતીના વિવાદમાં સાઢુભાઇએ તેના મિત્રો સાથે મળી અપહરણ (Kidnapping) કર્યાની ઘટના સામે આવી હતી. અપહરણ કરનારાઓમાં ચાર અજાણ્યાઓએ સીબીઆઇ અધિકારીના નામે કારમાં અપહરણ કરી ગોંધી રાખી ધાક-ધમકી આપતા સરથાણા પોલીસે (Sarthana Police) ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

નાના વરાછા ખાતે જલદર્શન સોસાયટીમાં રહેતા 38 વર્ષીય દીપકકુમાર દેવજીભાઈ વઘાસીયા મુળ ભાવનગરના વતની છે. તેઓ સરથાણા જકાતનાકા પાસે ગોકુલમ આર્કેડમાં ટ્રેડિંગ તથા ટૂર ટ્રાવેલ્સનું ઓનલાઈન ટીકીટ બુકીંગનું કામ કરે છે. દીપકભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં વિજયભાઇ રામજીભાઇ સભાડીયા (રહે.બી/૩૭, સહકાર નગર, કામરેજ), ગુણવંતભાઇ અરુણભાઇ રાણપરીયા, ભદ્રેશભાઇ રામજીભાઇ સભાડીયા (રહે.બી/૫૫,લક્ષ્મીકાંત સોસાયટી, કામરેજ) તથા સી.બી.આઇ ખાતાના કર્મચારી તરીકે ઓળખ આપનાર ચાર અજાણ્યાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત 10 તારીખે સવારે ઓફિસે તેમનો મિત્ર વિપુલ ગોદાણી, તેમનો ભત્રીજો કેતન વઘાસીયા તથા ભાણેજ કુલદીપ ખડેલા મળવા માટે આવ્યા હતા. ત્યારે બપોરે ચાર અજાણ્યા ઓફિસમાં ધસી આવ્યા હતા. અને સીબીઆઈ માંથી આવ્યા હોવાનું કહ્યું હતું. આવીને મિત્ર વિપુલ વિશે પુછપરછ કરી હતી. બાદમાં અજાણ્યાઓએ બહારથી દીપકકુમારના સાઢુભાઈ વિજય રામજી સભાડીયા અને તેમના મિત્ર ગુણવંતભાઈ રાણપરીયાને બોલાવ્યા હતા. તેમને અંદર આવીને તમામે તમે બીટકોઇનમાં શું ફ્રોડ સ્કીમ ચલાવો છો એમ કહી જબરજસ્તી ભાડાની ઇનોવા કારમાં બેસાડી અપહરણ કરી ડુમ્મસ રોડ એરપોર્ટની સામે રાજહંસ બેલીઝમાં લઇ ગયા હતા.

જયાં પાછળ-પાછળ આઇ ટ્વેન્ટી કારમાં ગુણવંત રાણપરીયા અને ભદ્રેશ રામજી સભાડીયા (રહે. બી/55, લક્ષ્મીકાંત સોસાયટી-2, કામરેજ) આવ્યા હતા. જયાં વિજય અને ગુણવંતે દિપકને તું અમારી પાસેથી બીટકોઇનમાં રોકાણના નામે પૈસા લઇ ગયો છે તેનું શું છે ? અમારા પૈસા આપી દેજે નહીં તો બધાને તકલીફ પડશે. અને કેસ કરી તને અને તારા ભાગીદાર મહેન્દ્ર ચૌધરીને ફીટ કરી દઇશું તેવી ધમકી આપી હતી. જયારે સીબીઆઇ તરીકેની ઓળખ આપનારે તમે અંદર-અંદરના છો, તમારા પૈસાની લેવડ-દેવડ બે દિવસમાં પતાવી દેજો, નહીં તો તમારા પરીવારને તકલીફ પડશે. એવી ધમકી આપી પુનઃ ભાડાની ઇનોવા કારમાં ઓફિસે ઉતારીને ભાગી ગયા હતા. ઘટના અંગે દીપક વઘાસીયાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

અપહરણ કરીને ભાડાની ઇનોવા કારમાં લઈ ગયા હતા
દીપક દેવજી વઘાસીયા પોતાની ઓફિસમાં બેઠા હતા ત્યારે પહેલા સીબીઆઈમાંથી આવ્યા હોવાનું કહીને ચાર અજાણ્યા ધસી આવ્યા હતા. તેમની સાથે દીપકના સાઢુભાઇ વિજય રામજી સભાડીયા અને તેના મિત્ર ગુણવંત અરૂણ રાણપરીયા પણ હતા. આ તમામે તમે બીટકોઇનમાં શું ફ્રોડ સ્કીમ ચલાવો છો એમ કહી જબરજસ્તી ભાડાની ઇનોવા કારમાં બેસાડી અપહરણ કરી ડુમ્મસ રોડ એરપોર્ટની સામે રાજહંસ બેલીઝમાં લઇ ગયા હતા. સીબીઆઇ તરીકેની ઓળખ આપનારે તમે અંદર-અંદરના છો, તમારા પૈસાની લેવડ-દેવડ બે દિવસમાં પતાવી દેજો, નહીં તો તમારા પરીવારને તકલીફ પડશે એવી ધમકી આપી હતી. ત્યારબાદ ફરી ભાડાની ઇનોવા કારમાં ઓફિસે ઉતારીને ભાગી ગયા હતા.

Most Popular

To Top