SURAT

વરાછામાં કાપડના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી

સુરત: (Surat) વરાછા વિસ્તારમાં એલ.એચ રોડ (L H Road) પર આવેલા ઘનશ્યામનગરમાં કાપડના એક ગોડાઉનમાં (Godown) આગ લાગતા અફરાતફરી મચી હતી. ઘટના અંગે સ્થાનિકોએ ફાયરમાં (Fire) જાણ કરતા જ ત્રણ ફાયર સ્ટેશનથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો કરી આગને કાબુમાં લીધી હતી. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

બનાવની વિગત એવી છે કે વરાછામાં એલ.એચ.રોડ પર બરોડા પ્રિસ્ટેજ પાસે આવેલ ઘનશ્યામ નગર સોસાયટીમાં કાપડનું ગોડાઉન આવેલું છે. આજે બપોરે પોણા એક વાગ્યાના અરસામાં કાપડના ગોડાઉનમાં અચાનક જ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ગોડાઉનમાં રહેલું પ્લાસ્ટિક આગની ચપેટમાં આવી જતા આગ વધુ વિકરાળ બની હતી અને બાદમાં ગોડાઉનમાં મુકેલા પુઠ્ઠામાં આગ ફેલાતા આગ વધુ વિકરાળ બની હતી. બનાવને પગલે ફાયરબ્રિગ્રેડ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા ઘાંચી શેરી, કાપોદ્રા અને પુણા ફાયર સ્ટેશનથી કુલ છ ગાડીઓનો કાફલો ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યો હતો. ફાયરબ્રિગ્રેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો કરી આગને કાબુમાં લીધી હતી. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

અલથાણના વેપારી સાથે માર્કેટમાં દુકાનો ભાડે રાખી 62.57 લાખનું ગ્રે કાપડ ખરીદી છેતરપિંડી
સુરત: અલથાણ ખાતે રહેતા અને સચીન જીઆઈડીસીમાં ગ્રે કાપડનો વેપાર કરતા વેપારી પાસેથી રિંગરોડ ખાતે મહાવીર માર્કેટમાં દુકાન ધરાવતા વેપારીઓએ દલાલ સાથે મળીને કુલ 62.57 લાખનો માલ ખરીદી પેમેન્ટ નહી ચુકવી દુકાન બંધ કરી પલાયન કરી ગયા હતા. સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરાઈ હતી.

અલથાણ ખાતે ઉમીયા બંગ્લોઝમાં રહેતા 54 વર્ષીય અશ્વિનભાઈ કાશીરામભાઈ પટેલ સચીન જીઆઈડીસીમાં લક્ષ્મીવિલા ટેક્ષટાઈલમાં યોગેશ્વર ફેબના નામથી ગ્રે કાપડનો વેપાર કરે છે. તેમના દ્વારા સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એજન્ટ શીવરાજ ઉર્ફે શીવ, નવકાર એન્ટરપ્રાઈઝના વહિવત કર્તા અને માલીક મુકેશ જૈન (દુકાન નં.116 મહાવીર માર્કેટ, રીંગરોડ), ભાવેશ મગનભાઈ ચનીયારા (નવકાર એન્ટર પ્રાઈઝના વહીવટ કર્તા), દિપકભાઈ પ્રભુસિંગ રાજપુત (દુકાન નં.1030, મહાવીર માર્કેટ રીંગરોડ) અને સાવન ક્રિએશનના વહીવટકર્તા અને ફાયનાન્સર રામેશ્વર સોની (રહે, અભિષેક રેસીડેન્સી, સારોલી પરવટપાટીયા) ની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ગત 27 જાન્યુઆરીએ તેમની ઓફિસમાં કાપડ દલાલ શીવરાજ આવ્યો હતો. પોતે લાંબા સમયથી માર્કેટમાં હોવાનું અને ઘણા વેપારીઓ સાથે સંપર્ક હોવાનું કહ્યું હતું.

બાદમાં પાર્ટી સાથે મીટીંગ કરાવવાનું કહેતા તેને ચારેય આરોપીઓને ફોન કરીને ઓફિસે બોલાવ્યા હતા. આ આરોપીઓએ મીટીંગ કરી બાદમાં તેમની પાસેથી ગ્રે કાપડનો માલ મંગાવ્યા હતો. સાવન ક્રિએશન તથા નવકાર એન્ટરપ્રાઈઝે 30 થી 60 દિવસમાં પેમેન્ટ આપવાનું નક્કી કર્યું હતું. નવતાક એન્ટર પ્રાઈઝે 43.08 લાખનો અને સાવન ક્રિએશને 19.48 લાખનો માલ મંગાવ્યો હતો. તેનું પેમેન્ટ નક્કી કરેલા સમયે નહી આપતા તેમની પાસેથી પેમેન્ટની ઉઘરાણી કરવા જતા બંને દુકાનો બંધ હતી. આજુબાજુ પુછપરછ કરતા જાણવા મળ્યું કે અનેક લોકો સાથે દુકાનો રાખીને ગ્રે સાડીનો માલ મંગાવી છેતરપિંડી કરી છે. અશ્વિનભાઈ દ્વારા તમામની સામે કુલ 62.57 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથધરી છે.

Most Popular

To Top