SURAT

સુરતીઓ હવે કાશ્મીરનાં સફરજન, અખરોટ, પેરુ અને ચેરી ખાશે

સુરત: (Surat) કેન્દ્રનાં પ્રથમ સરકાર મંત્રી અમિત શાહના સૂચનને પગલે સુરત એપીએમસીનું પ્રતિનિધિ મંડળ વેપારની સંભાવના ચકાસવા તથા ખેડૂતોને મદદરૂપ થવાં જમ્મુ-કાશ્મીરની (Jammu Kahsmir) મુલાકાતે ગયું છે. સુરત એપીએમસીનાં (APMC) ચેરમેન રમણ પટેલ (જાની), વાઈસ ચેરમેન સંદિપ દેસાઈ અને સેક્રેટરી નિલેશ થોરાટ સહિતનાં દસ સભ્યોના પ્રતિનિધિ મંડળે કાશ્મીરના ખીણ પ્રદેશમાં અખરોટ અને સફરજનની ખેતી કરતાં ખેડુતોની (Farmers) મુલાકાત લઈ તેમની ખેતી અને વેચાણ વ્યવસ્થાની માહિતી મેળવી હતી. ખાસ કરીને સહકારી ધોરણે કાશ્મીરમાં ખેડુતો માટે બજાર વ્યવસ્થા કેવી છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવી હતી. સાથે જ ટૂંક સમયમાં કાશ્મીરના આ વિખ્યાત ફળ જેવાકે કાશ્મીરી સફરજન, અખરોટ, પેરુ અને ચેરી સુરત એપીએમસીમાં જોવા મળે તેવી તૈયારી શરૂ કરવામાં આવી છે.

સુરત એપીએમસીના ચેરમેન રમણ જાનીએ કાશ્મીરથી ‘ગુજરાતમિત્ર’ને જણાવ્યું હતું કે કાશ્મીરમાં મુખ્યત્વે ગાંદરબલ, પુલવામાં અને બારામુલા જિલ્લામાં ખેતી કરવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરની સૌથી મોટી એપીએમસી બારામુલા જિલ્લાનાં સોપોરમાં આવેલી છે. આ જિલ્લામાં સફરજનની સૌથી વધુ ખેતી અને વેચાણ થાય છે. તે એપીએમસીમાં ખેડુતો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અત્યારે કાશ્મીરી સફરજન, અખરોટ, પેરુ અને ચેરી કાશ્મીરના સોપોરની એપીએમસી માંથી દિલ્હીની માર્કેટમાં આવે છે. અને ત્યાંથી વેપારીઓ ભાવો વધારી સુરત એપીએમસી સહિતની માર્કેટમાં મોકલાવે છે. જેમાં ખેડુતોને પ્રમાણમાં ઓછો લાભ થાય છે. આ ખેડુતોને તેમના ઉત્પાદન સાથે સીધા સુરત એપીએમસી સાથે કંઈ રીતે જોડી શકાય તેને લઈને અભ્યાસ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં કાશ્મીરના આ વિખ્યાત ફળ સુરત એપીએમસીમાં જોવા મળે તેવી તૈયારી શરૂ કરવામાં આવી છે.

સુરત એપીએમસીના વાઈસ ચેરમેન સંદિપ દેસાઈએ જણાવ્યું હતું કે કાશ્મીરી સફરજન (Apple), અખરોટ અને ચેરીનું સુરત અને દક્ષિણ ગુજરાતમાં મોટું માર્કેટ છે આ ફળો સોપોર એપીએમસીથી દિલ્હીની માર્કેટમાં આવે છે અને ત્યાંથી સુરત મોકલવામાં આવે છે. તેને પગલે સુરતમાં ફળોનાં ભાવો ખુબ વધી જાય છે. ખેડૂતોને તેમાં વધુ લાભ થતો નથી. કેન્દ્રના સહકાર મંત્રાલય દ્વારા ખેડુતોને પોષણક્ષમ ભાવો અપાવવા સૂચન કરવામાં આવ્યુ છે. તેનું પ્રારંભિક અમલ સુરત એપીએમસી કરશે. પ્રતિનિધિ મંડળનાં એપીએમસીનાં ખેડુત અને વેપારી બોર્ડ ઓફ ડાયરેકટર જોડાયા હતા.

Most Popular

To Top