SURAT

RESCUE LIVE: આપઘાત કરવા માટે મોટા વરાછાના બ્રિજ પર ગયેલા 17 વર્ષના કિશોરને ફાયરે બચાવ્યો

સુરત (Surat): સુરતમાં 17 વર્ષના એક કિશોરે (Teenagers) ભણતરના ભારથી કંટાળી આપઘાત (Suicide) કરવાના ઈરાદે બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાહદારી અને વાહનચાલકોએ સમયસૂચકતા વાપરી ફાયર બ્રિગેડને (Fire Brigade) કોલ કરી બોલાવી લેતા લાશ્કરો વીજળી વેગે બ્રિજ પર પહોંચી જઈને કિશોરને બચાવી લીધો હતો.

  • સુરતના મોટા વરાછાના ખાડી બ્રિજ પરની ઘટના
  • કેનેડા જવા માટે IELTSની તૈયારી કરતો વિદ્યાર્થી સ્ટ્રેસથી હારી ગયો
  • પરીક્ષામાં નાપાસ થવાના ભયથી તે આપઘાત કરવા બ્રિજ પર ગયો
  • ફાયરના લાશ્કરોએ સમજાવીને આપઘાત કરતા રોક્યો

આજે ગુરુવારે સવારે 11 કલાકે વરાછા ફાયર બ્રિગેડને યોગેશ નામના એક નાગરિકે ફોન કરીને એવી માહિતી આપી હતી કે મોટા વરાછાના બ્રિજની પાળી પર એક કિશોર બેઠો છે અને તે તાપી નદીમાં કૂદી આપઘાત કરવાનો હોય તેવું લાગી રહ્યું છે. આ કોલ મળતા તરત જ વરાછા ફાયરના લાશ્કરો મોટા વરાછા બ્રિજ પર દોડી ગયા હતા. જ્યાં આર્યન યોગેશભાઈ તળાવીયા નામનો 17 વર્ષીય કિશોર પાળી પર બેઠો હતો. આ કિશોર તાપીમાં કૂદી આપઘાત કરવા જઈ રહ્યો હતો, પરંતુ લાશ્કરોએ તેમને સમજાવીને બચાવી લીધો હતો. ફાયર અધિકારી રાહુલ બાલાસરાએ કહ્યું કે, અમે જ્યારે બ્રિજ પર પહોંચ્યા ત્યારે આર્યન કૂદવાની પોઝિશનમાં બ્રિજની પાળી પર બેઠો હતો. અમે તેને આપઘાત નહીં કરવા સમજાવ્યો. થોડી વારની સમજાવટ બાદ તે ઉપર આવવા તૈયાર થયો ત્યારે અમે તેને ઊંચકીને લાશ્કરો બ્રિજ પર લઈ ગયા હતા.

બાલાસરાએ વધુમાં કહ્યું કે કિશોરનું નર્વસ બ્રેકડાઉન થઈ ગયું હતું. બચાવી લેવાયા બાદ તે રડી પડ્યો હતો. આર્યન મોટા વરાછાના એબીસી સર્કલ પાસે આવેલી સારથી રેસિડેન્સીમાં રહે છે. આર્યન પોતે કેનેડા જવાની તૈયારી કરતો હતો. IELTSની પરીક્ષાની તૈયારી કરતો હતો અને પરીક્ષામાં પાસ થશે કે નહીં તે ચિંતામાં તણાવમાં આવી ગયો હતો. નિષ્ફળતાના ભયમાં તે આપઘાત કરવા બ્રિજ પર પહોંચી ગયો હતો. અમે તેને બચાવી વાલી તથા પોલીસને હવાલે કર્યો હતો, જ્યાં તેનું કાઉન્સેલિંગ કરાયા બાદ ઘરે મોકલી આપવામાં આવ્યો છે.

આ રીતે ફાયર બ્રિગેડે બચાવ્યો
ફાયર બ્રિગેડના કર્મચારીઓએ બ્રિજ પર પહોંચ્યા ત્યારે કિશોર બ્રિજની પાળી પાસે જમ્પીંગ પોઝિશનમાં હતો. ત્યારે બે માર્શલોને નીચેની પાળી પર બેકઅપ માટે મોકલવામાં આવ્યા જેથી જો કિશોર કૂદી જાય તો પણ તેને બચાવી લેવાય, જ્યારે રાહુલ બાલાસરા કિશોર નજીક તેને સમજાવવા ગયા હતા. કિશોર સમજાવટથી માની ગયો હતો. ત્યાર બાદ તેને સુરક્ષિત સ્થળ પર લઈ જવાયો હતો.

Most Popular

To Top