SURAT

સુરતની યુરો ફૂડ્સ કંપનીના પ્લાન્ટમાં મળસ્કે એકાએક બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ

સુરત (Surat): આજે બુધવારે મળસ્કે શહેરના ઈચ્છાપોર (IchchaPore) ખાતે આવેલા યુરો ફૂડ્સના (Euro Foods) પ્લાન્ટની લેબોરેટરીમાં (Laboratory) અચાનક બ્લાસ્ટ (Blast) થયો હતો. આ ઘટનામાં કંપનીની લેબોરેટરીમાં કામ કરતા 5 લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને (Injured) સારવાર અર્થે ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • ઈચ્છાપોર જીઆઈડીસીમાં આવેલા યુરો ફૂડ્સના પ્લાન્ટમાં બ્લાસ્ટ
  • મળસ્કે લેબોટેરીમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી
  • બ્લાસ્ટમાં 5 જણા ઘાયલ થયા, ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

શહેરના હજીરા મગદલ્લા રોડ પર આવેલી ઈચ્છાપોર જીઆઈડીસીના પ્લોટ નં. 22/1 પર યુરો ઈન્ડિયા ફ્રેશ ફૂડ્સ લિમીટેડ નામની કંપની આવેલી છે. આ કંપનીની ક્વોલિટી કંટ્રોલ લેબોરેટીરમાં મળસ્કે 4.29 કલાકે એક બ્લાસ્ટ થયો હતો. જે અંગેનો 4.45 કલાકે સુરત ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. ઇન્ચાર્જ ફાયર ઓફિસર સંપત એસ. સુથાર ફાયર ફાઇટર અને વોટર બ્રાઉઝર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં અને સવારે સાડા છ વાગ્યા સુધીમાં આગને કાબૂમાં લઇ લીધી હતી. ઈન્ચાર્જ ફાયર ઓફિસર સંપત સુથારે કહ્યું કે, આ બ્લાસ્ટના લીધે લેબોરેટરી તથા એક નાના પ્લાન્ટની દિવાલના કાચ તૂટી ગયા હતા. આગ લાગી નહોતી. બ્લાસ્ટ થવાથી પ્લાન્ટ તેમજ લેબોરેટરીમાં ભારે નુકસાન થયું હતું. બ્લાસ્ટ થયો ત્યારે પ્લાન્ટ અને લેબોરેટરીમાં કામ કરી રહેલાં 5 કર્મચારીઓને ઈજા થઈ હતી.

ઘાયલોમાં શિવપ્રસાદ રામેશ્વર ઠુમરે (ઉં.વ. 22), અંકિત યશવંત વળવી (ઉં.વ. 22), સાજન રાયસિંગ વળવી (ઉં.વ. 22), વિપુલ કૃષ્ણ વળવી (ઉં.વ. 22) અને પાર્થ હસમુખ પટેલ (ઉં.વ. 23)નો સમાવેશ થાય છે. ઘાયલોને મિશન અને બાપ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટ કયા કારણોસર થયો તે જાણી શકાયું નથી. યુરો ફૂડ્સ કંપનીના માલિક મનહર સાસપરા અને પ્લાન્ટના મેનેજર રમેશ ડોડાનો સંપર્ક થઈ શક્યો નહોતો. નોંધનીય છે કે કંપની શેરબજારમાં લિસ્ટેડ છે.

Most Popular

To Top