SURAT

સુરતમાં મતદારો નિરૂત્સાહ, માત્ર 61.71 ટકા જેટલું મતદાન

સુરત: ગુજરાત (Gujarat) વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી (Election) અન્વયે આજે સુરત (Surat) શહેર જિલ્લામાં આવેલી કુલ 16 વિધાનસભા બેઠકો પર યોજાયેલી મતદાનની પ્રક્રિયા નિર્વિધ્ને સંપન્ન થતાં ચૂંટણી તંત્રને મોટી રાહત થઇ છે. સુરત જિલ્લાના આદિવાસી બેલ્ટ પર આવેલી વિધાનસભા બેઠકો પર સવારથી સાંજ સુધી આક્રમક મતદાન થતું જોવાયું તો શહેરી વિસ્તારોમાં આરોહ-અવરોહ વચ્ચે સાંજે પાંચના ટકોરે જ્યારે મતદાન સંપન્ન થયું ત્યારે સાવ કંગાળ 61.71 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

સુરત શહેર જિલ્લાની 16 બેઠકો પર બધુ મળીને 29.28 લાખથી વધુ મતદાતાઓએ પોતાની ફરજ અને કર્તવ્ય સમજીને મતદાન કર્યું હતું. સુરત શહેર જિલ્લામાં સૌથી વધુ મતદાન માંડવી (એસ.ટી.) વિધાનસભા બેઠક પર 75.24 ટકા જ્યારે સૌથી ઓછું મતદાન કરંજ વિધાનસભા બેઠક પર 50.45 ટકા જેટલું નોંધાયું છે. સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધીના દરમિયાન સુરત શહેર જિલ્લાના 4700થી વધુ મતદાન મથકો પૈકી ક્યાંયથી કોઇ ગંભીર કે મોટી ફરીયાદ કે અનિચ્છનીય ઘટના વગર મતદાન નિર્વિધ્ન સંપન્ન થયું છે. ઇવીએમ ખોટકાય જવાની, ઇલેક્ટ્રીસિટી સપ્લાય ખોરવાય જવાની ફરીયાદો તેમજ મતદાન મથકમાં મોબાઇલથી ફોટા પાડવા બાબતે પોલીસ તથા સિક્યુરીટી સ્ટાફ સાથે ઘર્ષણની અનેક ફરીયાદો જિલ્લા તંત્રને મળી હતી.

સુરત શહેર જિલ્લાની કુલ વિધાનસભા બેઠકો પર પૂર્વ નિર્ધારિત શિડ્યુલ અનુસાર સવારે 7.45 કલાકે મોક પોલ શરૂ કરી દેવામાં આવ્યો હતો. રાજકીય પક્ષોના ચૂંટણી એજન્ટો, ઉમેદવારોની હાજરીમાં મોક પોલ શરૂ કરાયો હતો અને પંદર મિનિટમાં મોકપોલ તેમજ ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન્સ તેના તમામ ઇક્વિપમેન્ટ્સ યોગ્ય રીતે કામ કરી રહ્યા છે તેવું પ્રમાણિત કર્યા બાદ બરાબર 8 વાગ્યાના ટકોરે મતદાન શરૂ થયું હતું. સુરત શહેર જિલ્લાના મતદાન મથકો પર મતદાનની એક પેટ્રર્ન દરેકેદરેક 16 બેઠકો પર એક સરખી જોવા મળી હતી કે પહેલા કલાક દરમિયાન મતદાન મથકો પર ભારે ધસારો હતો જ્યારે બપોરે સાડા ત્રણ વાગ્યા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી દરેક મતદાન મથકો પર મતદારોની ભારે કતારો જોવા મળી હતી.

સુરત જિલ્લામાં ગ્રામિણ વિસ્તારો અને તેમાં પણ ખાસ કરીને શિડ્યુલ ટ્રાઇબ રિઝર્વ વિધાનસભા બેઠકો પર આજે સવારથી જ આક્રમક મતદાન જોવા મળ્યું હતું. પહેલા જ કલાકમાં માંડવી (એસ.ટી.) સીટ પર સાડા આઠ ટકા જેટલું વોટિંગ થઇ ચૂક્યું હતું. એ સિવાય વ્યારા, માગરોળ જેવી એસ.ટી. રિઝર્વ સીટો પર આખો દિવસ મતદારોની કતારો જોવા મળતી હતી. તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં મતદાન ગ્રામિણ વિસ્તારોના પ્રમાણમાં મંદ (સ્લો) જોવા મળ્યું હતું. જોકે શહેરી વિસ્તારમાં આવેલા મતદાન મથકો પર મતદાનની પ્રક્રિયામાં ભારે વિલંબ થતો હોવાની પણ ફરીયાદો સાર્વત્રિક રીતે મળી રહી હતી.

સુરત શહેરમાં આજે મતદાન દરમિયાન સૌથી વધુ ફરીયાદો ઇલેક્ટ્રીસિટી સપ્લાય ઠપ થવા અંગેની હતી. સવારે અડધા સુરત શહેરને વીજળી સપ્લાય કરતી ટોરન્ટ પાવરની વીજળી ડૂલ થઇ ગઇ હતી. 12 મિનિટ સુધી ઇલેક્ટ્રીસિટી ડૂલ થતાં અનેક ઉમેદવારોએ મતદાનને અસર થયાની ફરીયાદ કરીને સમય વધારી આપવા માગ કરી હતી. જોકે, મતદાનની સાથે ઇલેક્ટ્રીસિટી સપ્લાયને કોઇ જ કનેકશન ન હોઇ, કલેક્ટરે તમામ માગણીઓ ફગાવી દીધી હતી.

2017માં સુરતમાં 66 ટકા મતદાન નોંધાયું હતું
2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતની જેમ જ બે તબક્કામાં યોજાઇ હતી. 2017માં યોજાયેલી ચૂંટણી દરમિયાન સુરત શહેર જિલ્લામાં કુલ મતદાન 66.58 ટકા મતદાન નોંધાયુ હતું. એ વખતે પણ ગુજરાતના ઓવરઓલ સરેરાશ મતદાન 69.30 કરતા પણ ઓછું મતદાન સુરત શહેર જિલ્લામાં નોંધાયું હતું. આ વખતે 2022ની ચૂંટણીઓમાં પણ સુરત શહેરમાં આ જ પ્રકારનું મતદાન થયું છે.

Most Popular

To Top