SURAT

વેસુની અગ્રવાલ કોલેજમાં વિદ્યાર્થીના ઝઘડામાં પડેલા પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો, CCTV ફૂટેજ આવ્યા સામે

સુરત : શહેરના વેસુ ખાતે અગ્રવાલ કોલેજમાં(Collage) વિદ્યાર્થીઓ (Student) વચ્ચે કોઈક વાતે ઝઘડો થયો હતો. મિત્રના ઝઘડામાં પડેલા વિદ્યાર્થીને પણ માર મરાયો હતો. જેથી સમાધાન કરાવવા માટે ગયેલા વિદ્યાર્થી અને તેના પિતા (Father) ઉપર વિદ્યાર્થીના ટોળાએ જીવલેણ હૂમલો (Attack) કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. જેથી ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

  • વેસુની અગ્રવાલ વિદ્યાવિહાર કોલેજ બહાર જ લોહીયાળ ખેલ ખેલાયો
  • યુવતીની છેડતી મામલે થઇ બબાલ
  • સમાધાન માટે પહોંચેલા પિતા પુત્ર પર હુમલો
  • ચારથી પાંચ લોકો ચપ્પુ લઇ તૂટી પડ્યા
  • હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ

પાંડેસરા બમરોલી ખાતે હરિધામ સોસાયટીમાં રહેતા 49 વર્ષીય શંભુસીંગ હરીસીંગ રાઠોડ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો પુત્ર સુરજપાલ (ઉ.વ.21) વેસુ સ્થિત આગમ શોપીંગ વર્લ્ડ નજીક અગ્રવાલ વિદ્યાવિહાર કોલેજમાં બી.એ. ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. સુરજપાલના મિત્ર નિશાંતંનો ગતરોજ કોલેજમાં ઝઘડો થયો હતો. જેથી સુરજપાલે વચ્ચે પડી નિશાંતને છોડાવ્યો હતો. પરંતુ નિશાંત સાથે ઝઘડો કરનાર નિખીલગીરી, શીવમ રાજપૂત, અમન રાજપૂત, કમલ ઝા અને ચંદ્રેશે સુરજપાલને મારવાની ધમકી આપી હતી. જેથી ડરી ગયેલા સુરજપાલે તેના પિતા શંભુસીંગ હરીસીંગ રાઠોડને કોલ કર્યો હતો. શંભુસીંગે તુરંત જ કોલેજના પ્રિન્સીપાલ સાથે મોબાઇલ પર વાતચીત કર્યા બાદ સુરજપાલને ધમકી આપનાર અન્ય વિદ્યાર્થીઓને સમજાવવા માટે કોલેજ ખાતે ગયા હતા.

હુમલો થતા યુવક બેભાન થઇ ગયો
પરંતુ નિખીલગીરી અને તેના મિત્રો કોલેજમાંથી નીકળી ગયા હતા. અને આગમ શોપીંગ વર્લ્ડ પાસે બેઠા હતા. જેથી શંભુસીંગ અને સુરજપાલ તથા તેના મિત્ર હર્ષ અને મોહિત નિખીલગીરીને સમજાવવા ગયા હતા. પરંતુ નિખીલગીરી સહિતના તમામ શંભુસીંગ, સુરજપાલ, હર્ષ અને મોહિત પર તૂટી પડ્યા હતા અને બેરહમીપૂર્વક માર માર્યો હતો. ઉપરાંત તીક્ષ્ણ હથિયાર વડે શંભુસીંગના માથામાં જ્યારે સુરજપાલને કાન પાસે ઘા માર્યો હતો. શંભુસીંગ સ્થળ પર જ બેભાન થતા સ્થાનિક વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. પિતા પુત્રને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. ઉમરા પોલીસે આ અંગે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ
કોલેજની બહાર જ ખેલાયેલા ખૂની ખેલની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. જેમાં પાંચથી સાત લોકો બે ગાડીમાં આવે છે. ત્યારબાદ પિતા-પુત્ર પર ચપ્પુ લઇને તૂટી પડે છે. હુમલાનાં પગલે આસપાસના લોકોમાં દોડાદોડી મચી જવા પામી હતી. હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top