SURAT

સુરતમાં સિટી બસે કચડી નાંખતા યુવકનું મોત, 9 માસની ગર્ભવતી પત્નીને જ્યારે ખબર પડી…

સુરત: (Surat) સુરત શહેરમાં આડેધડ પૂરઝડપે દોડતી સિટી બસે (City Bus) વધુ એક આશાસ્પદ યુવકનો (Young Man) ભોગ લીધો છે. આજે સવારે શહેરના રિંગરોડ પર દોડતી સિટી બસે 28 વર્ષીય યુવકને અડફેટે લીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે તે યુવકનું ઘટનાસ્થળે જ મોત (Death) નિપજ્યું હતું. કરૂણ બાબત એ છે કે આ યુવકના લગ્ન હજુ 10 મહિના પહેલાં જ થયા હતા અને તેની પત્ની હાલ 9 માસની ગર્ભવતી (Pregnant) છે. પરિવારજનોને યુવકના મોતના સમાચાર મળતા તેઓ પર આભ તૂટી પડ્યું હતું.

આજે સવારે શહેરના રિંગરોડ પર બેફામ દોડતી સિટી બસના ચાલકે કામ ઉપર ત્રણ સવારી જઈ રહેલા ત્રણ રત્નકલાકારોની મોટર સાયકલને અડફેટે લેતાં એકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા. બનાવને પગલે લોકોમાં રોષ ભભુકી ઉઠતા બસ ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. દરમ્યાન મૃતક યુવકના પરિવારજનોને દુર્ઘટના અંગે જાણ થતાં શોકની કાલિમા છવાઇ ગઇ હતી.

  • રિંગરોડની હીરામણી ચાલમાં રહેતા કિશન પટેલનું મોત
  • કિશનના 10 મહિના પહેલાં જ લગ્ન થયા હતા
  • કિશનની પત્નીને 9 મહિનાનો ગર્ભ
  • પૌત્ર જન્મની રાહ જોતા પરિવારે પુત્ર ગુમાવ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના માન દરવાજા ખાતે હીરામણી ચાલ ખાતે રહેતો 28 વર્ષીય કિશન મોહનભાઈ પટેલ પોતાના નાના ભાઈ રવિ અને મિત્ર મેહુલ પટેલ સાથે આજે સવારે રાબેતા મુજબ મોટર સાયકલ પર ત્રણ સવારી કતારગામ ખાતે હીરાના કારખાનામાં નોકરી કરવા જતાં હતા. દરમ્યાન 7.50 વાગ્યાના સુમારે રિંગરોડ ખાતે કમેલા દરવાજા પાસેથી બેફામ બનેલી સિટી બસ નં-જીજે05 બીએક્સ 3132ના ચાલક ભગોરા બિજલ સુરજીએ ત્રણેય યુવકોને અડફેટે લીધા હતા. અચાનક પાછળથી બસે ટક્કર મારતાં મોટર સાયકલનું સમતુલન ખોરવાયું હતું જેના કારણે રત્નકલાકાર કિશન પટેલનું બસના આગળના તોતિંગ વ્હીલમાં આવી જતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે મોટર સાયકલ પર સવાર મૃતકનો નાનો ભાઈ રવિ પટેલ અને મિત્ર મેહુલ પટેલને પણ નાની-મોટી ઈજા પહોંચી હતા. સર્જાયેલા ગોજારા અકસ્માતને પગલે રિંગરોડ પર વાહન ચાલકો સહિત મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. જોકે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબુમાં લીધી હતી. આ દરમ્યાન સિટી બસનો ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. પોલીસે મોટર સાયકલ પર સવાર બન્ને યુવકો પાસેથી પ્રાથમિક વિગતો મેળવ્યા બાદ બસ ચાલક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

મૃતક કિશન પટેલના મિત્રો એજાજ અને વિજયે આ દરમ્યાન જણાવ્યું હતું કે, વહેલી સવારથી જ રિંગરોડ સહિતના વિસ્તારોમાં ચિક્કાર ભરેલી બસો બેફામ દોડતી હોય છે. મુસાફરોથી ઉભરાતી આ બસોને જાણે આરટીઓ કે ટ્રાફિક પોલીસના કોઈ જ નિયમો લાગુ ન પડતા હોય તેમ તેઓને છુટ્ટો દૌર આપવામાં આવ્યો હોવાનો આક્રોશ પણ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ચાર ભાઈ-બહેનોના પરિવારનો તે આધાર હતો. ડાયમંડ કંપનીમાં નોકરી કરી તે પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. કિશનના 10 મહિના પહેલાં જ લગ્ન થયા હતા. હાલ તેની પત્ની 9 મહિનાની ગર્ભવતી છે. પરિવાર નવા સભ્યના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો ત્યારે જ કિશનના અકાળ મૃત્યુના લીધે પરિવારના માથે જાણે આભ તૂટી પડ્યું હતું.

કિશનના 10માસ પહેલાં લગ્ન થયા હતા, હાલમાં તેની પત્નીને નવ મહિનાનો ગર્ભ
આજે સવારે હીરાના કારખાને નોકરી કરવા ઘરેથી નીકળેલા કિશન પટેલના પરિવારજનોને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે તે હવે ક્યારેય ઘરે પરત નહીં ફરે. કિશન પટેલના 10 મહિના પૂર્વે જ લક્ષ્મી નામક યુવતી સાથે લગ્ન થયા હતા અને હાલ તેની પત્નીને 9 મહિનાનો ગર્ભ હોવાને કારણે આ ઘટનાને પગલે પરિવારજનો સહિત સમગ્ર વિસ્તારમાં બસ ચાલક વિરૂદ્ધ ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. મૃતકની પત્નીને પરિવારજનો દ્વારા કિશન પટેલના મોત અંગે જાણ કરવામાં આવતાં તેણીની પણ બેભાન થઈ જવા પામી હતી.

Most Popular

To Top