SURAT

ચેમ્બરનો ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન-2023: ચાંદીના રામ દરબારની સાથે રામ મંદિર આકર્ષણ જમાવશે

સુરત : સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber of Commerces) એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. 25, 26 અને 27 ઓગષ્ટ, 2023 દરમ્યાન સવારે 11 થી રાત્રે 8 કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ (Indoor stadium), અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– 2023’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાંદીના રામ દરબારની સાથે રામ મંદિર (Ram mandir) આકર્ષણ નું કેન્દ્ર બનશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ એ જ્વેલરી બ્રાન્ડને પ્રમોટ અને અપડેટ કરવા માટે પ્રેરણારૂપ છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલના આ પ્લેટફોર્મ પરથી જ્વેલરીને એક આયામ સુધી લઇ જવાનો પ્રયાસ કરવામાં આવે છે. સ્પાર્કલમાં જ્વેલર્સ દ્વારા ચાંદીના અદ્‌ભુત કલેકશનમાં ભગવાન શ્રીરામ, સીતા માતા અને લક્ષ્મણજી અને હનુમાનજીની પ્રતિમા સાથેનું રામ દરબાર ઉપરાંત રામ મંદિર, 4 ફૂટના શ્રીનાથજીની પ્રતિમા, શ્રીજીની પ્રતિમા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા પ્રદર્શિત કરાશે, જે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત ચાંદીના આધુનિક ફર્નિચર, હોમ ડેકોરેશન અને ચાંદીની ગીફટીંગ પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રદર્શનની મુલાકાતાર્થે સુરતના 600થી વધુ પરણવા જઇ રહેલા યુગલો તથા તેમના પરિવારજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

સુરતના જ્વેલર્સોએ બિન નિવાસી ભારતીયો, લગ્નસરા તથા આગામી તહેવારો જેવા કે જન્માષ્ટમી, રક્ષાબંધન અને દિવાળીને ધ્યાને લઇને નવી ડિઝાઇનરી જ્વેલરીમાં નેકલેસિસ ડેવલપ કરવામાં આવ્યા છે. જેમાં ટેકિનકલ વેરીયસ સાથે જુદા–જુદા ડિઝાઇન કોન્સેપ્ટ ડેવલપ કરાયા છે. વેડિંગ માટે ખાસ નવી રેન્જ ડેવલપ કરાઇ છે અને એમાં કલાસિક લુકની સાથે સાથે ફયુજન લુક પણ જોવા મળશે. લગ્નસરામાં લોકોની ડિમાન્ડ મુજબ ડેવલપ કરાયેલા નેકલેસિસ પ્રદર્શનમાં જોવા મળશે. જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગનું ખાસ કલેકશન અહીં જોવા મળશે.

ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે સ્પાર્કલ એકઝીબીશનનું આયોજન કરાયું છે. જેમાં સુરત ઉપરાંત અમદાવાદ, મુંબઇ, જયપુર અને બિકાનેરના 30 જેટલા જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવેલી અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું આજથી ત્રણ દિવસ માટે પ્રદર્શન કરવામાં આવશે.

Most Popular

To Top