SURAT

બિલ્ડર મહાવીર શાહને ત્યાં GSTની રેઈડ ચાલતી હતી ત્યારે એક ફોન આવ્યો ને 6 કરોડ ટ્રાન્સફર થઈ ગયા

સુરત: સુરતના બિલ્ડર શંકર મારવાડી અને મહાવીર શાહને ત્યાં સ્ટેટ જીએસટીની (SGST) દરોડા (Raid) કાર્યવાહીમાં ફિલ્મી ટ્વીસ્ટ જોવા મળ્યો છે. બે દિવસ પહેલાં 6 એપ્રિલના રોજ સવારે 6 વાગ્યે સ્ટેટ જીએસટીના 40 અધિકારીઓના કાફલાએ શંકર મારવાડી અને તેના ભાગીદાર મહાવીર શાહ, બાબુલાલ જૈન, સત્તુ ઉર્ફે સત્યનારાયણ વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી. આ તપાસ કાર્યવાહી શરૂ થઈ તેના ગણતરીના કલાકોમાં જ આ બિલ્ડરો પૈકી એક મહાવીર શાહના સાવન ઈન્ફ્રાવેન્યૂ એલએલપીમાંથી સેન્ટ્રલ જીએસટી (CGST) સુરત દ્વારા રૂપિયા 6.10 કરોડની ઓનલાઈન રિક્વરી કરવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે.

સ્ટેટ જીએસટીની રેઈડ ચાલતી હતી ત્યારે સેન્ટ્રલ જીએસટી વિભાગે ઓનલાઈન રિક્વરી કેમ કરી? તે પ્રશ્ન અહીં ઉઠી રહ્યો છે. આ બાબતે જાણવા મળતી વિગત અનુસાર એક એજન્સીની ચાલુ તપાસ દરમિયાન આ રીતે રિક્વરી થતાં તપાસ અધિકારીઓ પણ અચંબામાં પડી ગયા હતા. મહાવીર શાહની ઉલટ તપાસ ચાલી રહી હતી ત્યારે જ ઓનલાઈન રિક્વરીએ એસજીએસટીના તપાસ અધિકારીઓને વિચારમાં નાંખી દીધા હતા. નોંધનીય છે કે સેન્ટ્રલ જીએસટીએ ફેબ્રુઆરી 2022માં સાવન ઈન્ફ્રાવેન્યૂને સમન્સ મોકલ્યું હતું. તેના આધારે રિક્વરી કરી હતી, પરંતુ એસજીએસટીની તપાસ દરમિયાન રિક્વરી થઈ તે અચરજ પમાડનારું છે. વાત તો એવી પણ જાણવા મળી છે કે મહાવીર શાહના એકાઉન્ટન્ટને ફોન કરી સીજીએસટીના અધિકારીઓએ ઓનલાઈન ક્રેડિટ ટ્રાન્સફર કરાવી છે. જોકે, એસજીએસટી દ્વારા મહાવીર શાહ વિરુદ્ધની તપાસ ચાલુ રાખવામાં આવી છે. હવે આ મામલે આગામી દિવસોમાં શું થાય છે તે જોવું રહ્યું!

વેસુના બિલ્ડર શંકર મારવાડી સામે સ્ટેટ જીએસટીએ પોલીસ ફરિયાદ દાખલ કરી
વેસુના બિલ્ડર શંકર મારવાડીના અવન્તિસ અને ઓફિરા ગ્રુપ પર સ્ટેટ જીએસટી દ્વારા 6 માર્ચના રોજ દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસમાં શંકર મારવાડીના વેસુ વીઆઈપી રોડ સ્થિત વીઆઈપી પ્લાઝાની ઓફિસ ઉપરાંત ભટાર ટેનામેન્ટ સામે આવેલા મુંબઈની ચાલી જેવા મકાનમાં પણ તપાસ કરી હતી. મહિલા અધિકારીઓ સહિત કુલ 40 જણાનો કાફલો તપાસમાં જોડાયો હતો. દરમિયાન શંકર મારવાડીએ જીએસટીના અધિકારીઓ સાથે ગેરવર્તણૂંક કરી હોવાનું સામે આવ્યું છે. તેના પગલે સ્ટેટ જીએસટી દ્વારા શંકર મારવાડી વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં સરકારી કામમાં રૂકાવટ અને ગેરવર્તણૂંકની ફરિયાદ દાખલ કરાવાઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલ શંકર મારવાડીની ઓફિસમાંથી મળેલા દસ્તાવેજો કબ્જે લેવામાં આવ્યા છે.

Most Popular

To Top