Sports

પોલીસે ગીતા ફોગાટની અટકાયત કરી, પિતાએ કહ્યું ન્યાય નહિં મળે તો દિલ્હીને ઘેરી લેશે

નવી દિલ્હી: જંતર-મંતર (Jantar Mantar) પર હડતાળ (Strike) કરી કુસ્તીબાજો (Wrestlers) બ્રિજ ભૂષણની ધરપકડની માંગ કરી રહ્યા છે જેનો આજે 12મો દિવસ છે ત્યારે બુધવારે રાત્રે જંતર મંતર પર પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે ઝપાઝપી થઈ હતી. પોલીસકર્મીઓએ દારૂના નશામાં મારપીટ કરી હોવાનો આરોપ કુસ્તીબાજોએ લગાવ્યો છે. આ ઝપાઝપીમાં કેટલાક પ્રદર્શનકારીઓને માથામાં ઈજાઓ પણ થઈ હતી. આ વાત સમગ્ર ભારતમાં ફેલાતા અલગ અલગ જગ્યા પરથી લોકો કુસ્તીબાજોના સમર્થન માટે આવી રહ્યાં છે. પોલીસે ગીતા ફોગાટની અટકાયત કરી હતી. આ જાણકારી ગીતાએ એક ટ્વિટ દ્વારા આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે મારા અને મારા પતિ પવન સરોહાની દિલ્હી પોલીસે અટકાયત કરી છે. તેના પિતાએ મહાવીર ફોગાટે કહ્યું છે કે જો તેઓને ન્યાય નહિં મળશે તો તેઓ દિલ્હીને ઘેરી લેશે. તેમજ તેઓ દ્રોણાચાર્ય એવોર્ડ પરત કરવાની વાત પણ કહી હતી.

બ્રિજ ભૂષણસિંહે કુસ્તીબાજોની હડતાળ અંગે કહ્યું છે કે મને કોઈનાથી દ્વેષ કે વેર નથી. હું સમાજ કલ્યાણ અને ખેલાડીઓના ભવિષ્યના સુધારા માટે કામ કરી રહ્યાં છે. હું મારું કામ ચાલુ રાખીશ અને મને ન્યાય મળશે એવો મને વિશ્વાસ છે.

પોલીસ સાથે ઝપાઝપી પછી બજરંગ પુનિયાએ કહ્યું- જો કુસ્તીબાજો સાથે આવું વર્તન કરવામાં આવશે તો અમે આ મેડલનું શું કરીશું? આના કરતા અમે સામાન્ય જીવન જીવવા માગીએ છીએ અને તમામ મેડલ અને પુરસ્કારો ભારત સરકારને પરત કરવા ઈચ્છીએ છીએ.

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષે શું કહ્યું?
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ આ ઝપાઝપી પછી જંતર-મંતર પહોંચ્યા હતા અને કુસ્તીબાજોને મળ્યા હતા. તેમણે કહ્યું અથડામણ દરમિયાન ત્યાં પોલીસ અધિકારીઓ હતા જેઓ નશામાં હતા તેઓએ કુસ્તીબાજો સાથે ગેરવર્તન કર્યું હતું. હું તેઓની સુરક્ષાને લઈને ચિંતિત છું. દિલ્હી પોલીસ બ્રિજ ભૂષણને કેમ બચાવી રહી છે? દિલ્હી પોલીસ તેની ધરપકડ કેમ નથી કરતી?

સુપ્રીમ કોર્ટમાં કુસ્તીબાજોની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી
ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં કુસ્તીબાજોની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટનાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. દિલ્હી પોલીસે કોર્ટમાં FIRની સ્થિતિ જણાવવી પડી. બ્રિજ ભૂષણ વતી હરીશ સાલ્વે દલીલો રજૂ કરી રહ્યા હતા, જ્યારે દિલ્હી પોલીસ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા દલીલો કરી રહ્યા હતા. આ મામલે હરીશ સાલ્વેએ કહ્યું કે આ સમગ્ર મામલો રાજકીય છે. કોઈપણ આદેશ આપતા પહેલા બ્રિજ ભૂષણની બાજુ સાંભળવી જોઈએ. તે જ સમયે, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તમામ ફરિયાદીઓને કોઈ ખતરો નથી. અમે ફરિયાદની તપાસ કરી રહ્યા છીએ. દરેક વસ્તુની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે એફઆઈઆર નોંધાઈ ચૂકી છે.

કુસ્તીબાજોના વકીલે કહ્યું કે દિલ્હી પોલીસ આ મામલે યોગ્ય રીતે તપાસ કરી રહી નથી. કોર્ટે આ અંગે કહ્યું કે જે અરજી દાખલ કરવામાં આવી હતી, તેમાં એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી હતી અને તેની નોંધણી સાથે, અરજીનો હેતુ પૂરો થઈ ગયો છે.

શાના કારણે બુધવારે રાત્રે પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે ઝપાઝપી થઈ?
બુધવારે રાત્રે 11 વાગ્યે જંતર-મંતર પર પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે ઝપાઝપી થઈ હતી. પોલીસ પર આરોપ લગાવતા પૂર્વ રેસલર રાજવીરે કહ્યું કે, વરસાદને કારણે અમારા ગાદલા ભીના થઈ ગયા હતા, તેથી અમે સૂવા માટે ફોલ્ડિંગ બેડ લાવી રહ્યા હતા, પરંતુ પોલીસે તેની મંજૂરી આપી ન હતી. નશામાં ધૂત પોલીસકર્મી ધર્મેન્દ્રએ વિનેશ ફોગાટ સાથે દુર્વ્યવહાર કર્યો અને અમારી સાથે મારપીટ કરી. તેઓએ અમને મારવાનું શરૂ કર્યું. બજરંગ પુનિયાના સાળા દુષ્યંત અને રાહુલને માથામાં ઈજા થઈ છે. મહિલા રેસલરો સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી. મીડિયા સાથે વાત કરતા વિનેશ ફોગટ રડી પડી, તેણે કહ્યું, જો તેઓ અમને મારવા માંગતા હોય તો અમને મારી નાખો. પુનિયાની પત્ની સંગીતા ફોગાટે દાવો કર્યો હતો કે પોલીસકર્મીઓએ તેની સાથે છેડછાડ કરી હતી.

Most Popular

To Top