Business

શેરબજાર ક્રેશ, 2 મિનિટમાં રોકાણકારોએ 2.14 લાખ કરોડ ગુમાવ્યા

મુંબઈ: શેરબજારમાં (Sensex) સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ (Trading) દિવસે શુક્રવારે આજે તા. 21 જુલાઈના રોજ સેન્સેક્સ અને નિફ્ટી (Nifty) બંનેમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું છે. આજે સેન્સેક્સ બજાર ખુલતાની સાથે જ બે મિનિટમાં 750 પોઈન્ટ તૂટ્યું હતું. બીજી તરફ નિફ્ટીમાં પણ 100થી વધારે પોઈન્ટ ઘટાડો જોવા મળ્યો હતો. આ કડાકાના લીધે શેરબજારના રોકાણકારોને ફક્ત 2 જ મિનિટમાં 2.14 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

પ્રારંભિક ઘટાડા બાદ બજાર થોડું સુધર્યું હતું. સેન્સેક્સમાં 541 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને નિફ્ટીમાં 153 પોઈન્ટનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 67030 પર ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે નિફ્ટી 19826 પર ટ્રેડ થઈ રહ્યો છે. 25 શેરોમાં એડવાન્સિસ જોવા મળી રહી છે જ્યારે નિફ્ટી 50માં 24 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અહીં જે શેરો ઝડપી છે તેમાં LT, CIPLA, SBIN, KOTAKBANK, BRITANNIAના શેરનો સમાવેશ થાય છે. જે શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેમાં INFY, HCLTECH, HINDUNILVR, TCS, RELIANCEના શેરનો સમાવેશ થાય છે.

ઈન્ફોસિસના પરિણામોની અસર આજે બજારમાં જોવા મળી હોવાની ચર્ચા છે. ITના શેરોમાં આજે દબાણ વધુ રહેશે તેવી ધારણા છે. સેન્સેક્સમાં ઇન્ફોસિસ સૌથી વધુ 9 ટકા ઘટ્યો હતો. આ સિવાય એચસીએલ ટેક્નોલોજી, ટીસીએસ, વિપ્રો, હિન્દુસ્તાન યુનિલિવર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ટેક મહિન્દ્રા પણ રેડમાં હતા.

તમને જણાવી દઈએ કે વિદેશી ભંડોળના પ્રવાહ અને બેન્કિંગ અને એફએમસીજી શેર્સમાં ખરીદીને કારણે સ્થાનિક શેરબજારોમાં તેજીનો ટ્રેન્ડ ગુરુવારે સતત છઠ્ઠા ટ્રેડિંગ સત્રમાં ચાલુ રહ્યો હતો અને બંને મુખ્ય સૂચકાંકોએ નવો રેકોર્ડ બનાવ્યો હતો. બીએસઈનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 474.46 પોઈન્ટ અથવા 0.71 ટકા વધીને 67,571.90 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 67,619.17 પોઈન્ટની સર્વકાલીન ટોચે પણ પહોંચી ગયો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 146 પોઈન્ટ એટલે કે 0.74 ટકાના વધારા સાથે 19,979.15 પોઈન્ટના નવા રેકોર્ડ સ્તરે બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે 19,991.85 ની સર્વકાલીન ઊંચી સપાટીએ પણ પહોંચ્યો હતો.

બંને શેર સૂચકાંકોમાં આ સતત છઠ્ઠું ટ્રેડિંગ સેશન હતું. આ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીએ તેમના સર્વોચ્ચ સ્તરના ઘણા નવા શિખરોને સ્પર્શ્યા હતા.

સેન્સેક્સમાં સમાવિષ્ટ કંપનીઓમાં ITCએ સૌથી વધુ ત્રણ ટકાનો વધારો હાંસલ કર્યો હતો. કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, મારુતિ, ભારતી એરટેલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સન ફાર્માસ્યુટિકલ, એક્સિસ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનિલિવર અને જેએસડબ્લ્યુ સ્ટીલના શેરમાં પણ વધારો નોંધાયો હતો.

Most Popular

To Top