SURAT

‘તું જુઠ્ઠી મેં મક્કાર’ ફેઈમ સ્ટેન્ડઅપ કોમેડિયન બસ્સીના સુરતના શોમાં બબાલ થઈ

સુરત: સુરત (Surat) મનપા (SMC) સંચાલિત સંજીવકુમાર ઓડિટોરિયમ (SanjinkumarAuditorium) ખાતે સુપરહિટ સ્ટેન્ડ અપ કોમેડિયન અનુભવ બસ્સીનો (AnubhavBassi) શો યોજાયો હતો, જેમાં પ્રથમ શોમાં આયોજકોએ સંજીવકુમાર ઓડિટોરિયમની સાઉન્ડ સિસ્ટમ ચેક કરી હતી, પરંતુ તેમને હજી વધુ સાઉન્ડની જરૂર હોવાથી આયોજકોએ તેમના પોતાના વધારાના સ્પીકર ગોઠવી સાઉન્ડ સિસ્ટમમાં ઉમેરો કર્યો હતો. જેથી વધુ સારો સાઉન્ડ આવે. પરંતુ ઓડિટોરિયમ અને અન્ય સાઉન્ડ સિસ્ટમનું યોગ્ય મિક્સર ન થતાં સાઉન્ડમાં ઘણી ક્ષતિઓ આવી હતી. જેને કારણે પ્રેક્ષકોની મજા બગડી હતી અને તેઓ અકળાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર સંજીવકુમાર ઓડિટોરિયમમાં યોજાયેલા કોમેડી શોમાં આયોજકોએ સાઉન્ડ સિસ્ટમ ચેક કરાવી તે સમયે તેમને સાઉન્ડ ક્વોલિટી લો જણાઈ હતી. જેથી તેમણે પોતાની રીતે તેમની બીજી સાઉન્ડ સિસ્ટમ જોડી હતી. સંજીવકુમાર ઓડિટોરિયમમાં મનપાના ઓપરેટરે ઓડિટોરિયમની સાઉન્ડ સિસ્ટમ સાથે અન્ય સિસ્ટમ પણ મિક્સ કરી આપી હતી. પરંતુ તેને કારણે સાઉન્ડની ક્વોલિટી વધુ બગડી હતી.

લોકોને માઈકનો અવાજ બરાબર સંભળાયો ન હતો અને તેને કારણે પ્રેક્ષકો અકળાયા હતા અને ખાસ કરીને છેલ્લી હરોળમાં બેઠેલા પ્રેક્ષકોને બિલકુલ અવાજ જ ન આવતાં તેમને આગળ બોલાવી નીચે બેસાડવાનો વારો આવ્યો હતો. અને તેઓ શો પૂર્ણ થતાં રોષે ભરાયા હતા અને આયોજકો પાસે રિફંડ લેવા પહોંચ્યા હતા અને આયોજકોએ નાખુશ લોકોને રિફંડ પણ આપ્યું હતું.

આયોજકોએ પોતાની અલગથી સાઉન્ડ સિસ્ટમ લગાવતાં અવાજ બગડ્યો: મેનેજર ધવલભાઈ
સંજીવકુમાર ઓડિટોરિયમના મેનેજર ધવલભાઈએ જણાવ્યું હતું કે, પ્રોગ્રામ શરૂ થતા પહેલા મનપા દ્વારા આયોજકોને સાઉન્ડ ટેસ્ટિંગ માટે સમય આપવામાં આવે છે. એ સમયે આયોજકોએ સાઉન્ડ સિસ્ટમ ચેક કરી હતી. ત્યારે ખાસ કોઈ વાંધો આવ્યો ન હતો. તેમણે પોતાની અલગથી સાઉન્ડ સિસ્ટમ લગાવતાં અવાજમાં પ્રોબ્લેમ આવ્યો હતો. બાદ તુરંત ક્ષતિનો નિકાલ કરાયો હતો અને બીજા પ્રોગ્રામમાં અવાજમાં કોઈ પ્રોબ્લમ આવ્યો ન હતો.

સાઉન્ડ એન્જિનિયર યોગ્ય મિક્સ ન કરી શકતાં પ્રોબ્લેમ આવ્યો: અંકુર ભાર્ગવ
શોના આયોજક અંકુર ભાર્ગવે જણાવ્યું હતું કે, તેમણે પ્રથમ શોમાં અલગથી સાઉન્ડ સિસ્ટમ લગાવી હતી, જેમાં ઓડિટોરિયમના સાઉન્ડ એન્જિનિયરે કામગીરી યોગ્ય ન કરતાં અવાજમાં પ્રોબ્લમ આવ્યો હતો. બાદ તુરંત સિનિયર સાઉન્ડ એન્જિનિયરને બોલાવાયા હતા. જેમના દ્વારા ક્ષતિ દૂર કરી દેવામાં આવી હતી. ઓડિટોરિયમનું મેનેજમેન્ટ ખૂબ સપોર્ટિવ હતું. તેમણે શોમાં સંપૂર્ણ હાજર રહી સપોર્ટ આપ્યો હતો.

Most Popular

To Top