Sports

રોમાંચક મેચમાં છેલ્લા બોલે મુંબઇ ઇન્ડિયન્સ જીત્યું, દિલ્હી સતત ચોથી મેચ હાર્યુ

નવી દિલ્હી : આઇપીએલમાં (IPL) આજે અહીં રમાયેલી મેચમાં કેપ્ટન ડેવિડ વોર્નરને બાદ કરતાં દિલ્હી કેપિટલ્સનું (DC) ટોપ ઓર્ડર ફરી એકવાર ફેલ રહ્યા પછી બેટીંગમાં આવેલા અક્ષર પટેલે તોફાની બેટીંગ કરીને અર્ધસદી ફટકારવા ઉપરાંત 51 રન કરનારા વોર્નર સાથે કરેલી 34 બોલમાં 67 રનની ભાગીદારીની મદદથી દિલ્હી કેપિટલ્સે 172 રન બનાવીને મૂકેલા 173 રનના લક્ષ્યાંકને મુંબઇ ઇન્ડિયન્સે રોહિત શર્મા અને તિલક વર્માની ઇનિંગની મદદથી અંતિમ ઓવરના છેલ્લા બોલે કબજે કરીને મેચ 6 વિકેટે જીત્યું હતું.

  • વોર્નરને બાદ કરતાં ટોપ ઓર્ડર ફેલ રહ્યા પછી અક્ષર પટેલની ઇનિંગથી દિલ્હી કેપિટલ્સ 172ના સ્કોર સુધી પહોંચ્યું
  • મુંબઇ ઇન્ડિયન્સ વતી કેપ્ટન રોહિત શર્માએ અર્ધસદી ફટકારવા ઉપરાંત તિલક વર્મા સાથે 68 રનની ભાગીદારી કરી

લક્ષ્યાંક આંબવા માટે મેદાનમાં ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સને કેપ્ટન રોહિત શર્મા અને ઇશાન કિશને મજબૂત શરૂઆત અપાવી હતી. ઇશાન 26 બોલમાં 31 રન કરીને રનઆઉટ થયો ત્યારે મુંબઇનો સ્કોર 1 વિકેટે 71 રન હતો. તે પછી રોહિત અને તિલક વર્મા વચ્ચે અર્ધશતકીય ભાગીદારી થઇ હતી, આ દરમિયાન રોહિતે હાલની સિઝનની પોતાની પહેલી અર્ધસદી પુરી કરી હતી. જો કે તે પછી 7 બોલના ગાળામાં 3 વિકેટ ગુમાવતા મુંબઇ મુશ્કેલીમાં મૂકાયું હતું. જો કે તે પછી અંતિમ ઓવરમાં છેલ્લા બોલે ટીમ ડેવિડે 2 રન લઇને મુંબઇને 6 વિકેટે જીતાડ્યું હતું.

મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે પાવરપ્લેમાં જ ઓપનર પૃથ્વી શોની વિકેટ ગુમાવી દીધી હતી. દિલ્હી કેપિટલ્સે ઝડપથી ચાર વિકેટ ગુમાવતા તેમનો સ્કોર 5 વિકેટે 98 રન થયો હતો. વોર્નર અને અક્ષર પટેલે તે પછી 25 બોલમાં 52 રનની ભાગીદારી કરીને દિલ્હીની બાજી સુધારી હતી. અક્ષરે 22 બોલમાં પોતાની આઇપીએલની પહેલી અર્ધસદી પુરી કરી હતી, તે 25 બોલમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 54 રન કરીને આઉટ થયો તે પછી જેસન બહેરનડોર્ફની એ ઓવરમાં કુલ ચાર વિકેટ પડી હતી અને સ્કોર 6 વિકેટે 165 પરથી 9 વિકેટે 166 થયો હતો અને અંતે 19.4 ઓવરમાં 172 રને દિલ્હી કેપિટલ્સનો દાવ સમેટાયો હતો. મુંબઇ વતી પિયુષ ચાવલા અને જેસન બહેરનડોર્ફે 3-3 તેમજ રિલે મેરેડિથે 2 અને ઋત્વિક શોકીને 1 વિકેટ ઉપાડી હતી.

Most Popular

To Top