Comments

કર્ણાટકમાં કોને ફાયદો થશે??

કર્ણાટકમાં વિધાન સભાની 224 બેઠકો માટે તા. 10મી મેએ મતદાન છે. કર્ણાટક દરેક પક્ષો માટે જુદાં જુદાં કારણસર મહત્ત્વનું છે. ભારતીય જનતા પક્ષ માટે તે દક્ષિણમાં પ્રવેશવાનું દ્વાર છે. કોંગ્રેસ માટે પાંચ વર્ષ પછી પહેલું મોટું રાજય જીતવાની તક છે. લોક સભાની 2024ની ચૂંટણી પહેલાં તેને માટે આ મોટો લાભ હશે. જનતા દળ સેકયુલર એટલે કે ભૂતપૂર્વ વડા પ્રધાન દેવે ગૌડાની આગેવાની હેઠળના પક્ષ માટે જો પરિણામ પછી ત્રિશંકુ વિધાનસભા આવે તો સોગઠાંબાજી રમવાનો અવસર છે. પવન કઇ બાજુ ફૂંકાય છે?

2018ની વિધાન સભાની ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ 104 બેઠકો સાથે સૌથી વધુ બેઠક મેળવનાર સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવ્યો હતો. કોંગ્રેસને 78 અને જનતા દળને 37 બેઠકો મેળવી હતી. મત ગણતરી સત્તાવાર રીતે પૂરી થઇ તે પહેલાં જનતાદળ અને કોંગ્રેસે હાથ મિલાવી સરકાર રચવાનો દાવો કર્યો. જનતા દળના નેતા એચ.ડી. કુમાર સ્વામી 14 ઉત્પાતભર્યા મહિના રાજ કરનાર સરકારમાં મુખ્ય પ્રધાન બન્યા હતા. 2019ની લોક સભાની ચૂંટણીમાં વિપક્ષનો સફાયો થઇ ગયા પછી બહુ ટૂંકા ગાળામાં કર્ણાટક સરકાર પડી ભાંગી. ભારતીય જનતા પક્ષના નેતા બી.એસ. યેદુરપ્પા દરેક ધારાસભ્યોએ કોંગ્રેસ અને જનતા દળમાંથી રાજીનામું આપ્યા બાદ મુખ્ય પ્રધાન બન્યા.

2021ના જુલાઇમાંથી ભારતીય જનતા પક્ષના મોવડીઓએ યેદુરપ્પાને રાજીનામું આપવા કહ્યું અને તેના એક સમયના આશ્રિત બસવરાજ બોમ્માઇને ગાદી પર બેસાડયા. કર્ણાટકમાં સરકાર રચવા માટે જરૂરી બેઠકોનો જાદુઇ આંકડો 113 છે. છેલ્લા બે દાયકામાં એક જ વાર કોઇ પક્ષે બહુમતીનો લક્ષ્યાંક પોતાના જોર પર કર્ણાટકમાં પાર કર્યો છે. તે છે ભારતીય જનતા પક્ષ. આ પક્ષને કોઇ પણ ચૂંટણી પછી પોતાના જોર પર બહુમતી મળી નથી અને કોઇ મુખ્ય પ્રધાને પૂરાં પાંચ વર્ષ રાજ નથી કર્યું. 1980ના દાયકા પછી પહેલી વાર એવું બને છે કે યેદુરપ્પાની ઉમેદવારી વગર ભારતીય જનતા પક્ષ કોઇ ચૂંટણી આ રાજયમાં લડતો હોય. જો કે યેદુરપ્પા ઉત્સાહપૂર્વક પ્રચાર કરશે જ.

કર્ણાટકની કુલ વસ્તીમાંથી 17 ટકા વસ્તી લિંગાયત સમાજની છે અને યેદુરપ્પા તેના સર્વોચ્ચ નેતા છે. 100 બેઠકનાં પરિણામ પર તેમનો પ્રભાવ છે. 2013માં ભારતીય જનતા પક્ષ છોડવાનો નિર્ણય તેમનો હતો, પરિણામે કોંગ્રેસને બહુમતી સરકાર મળી અને ભારતીય જનતા પક્ષને માત્ર 40 બેઠકો મળી. 2018ની ચૂંટણી પહેલાં બી.એસ. યેદુરપ્પાના ભારતીય જનતા પક્ષમાં પુનરાગમનથી કોંગ્રેસ ઉત્તર અને મધ્ય કર્ણાટકમાં સારો દેખાવ ન કરી શકયો.

આ વખતે ભારતીય જનતા પક્ષ યેદુરપ્પાના મોભ્ભાનો ઉપયોગ કરીને શકિતશાળી નેતાઓ સાથેના તેમના સંબંધોને આધાર બનાવી લિંગાયત સમાજમાં પોતાનું કેવું વર્ચસ્વ છે તે બતાવવા માંગે છે તેમજ કોમી ધ્રુવીકરણ ખૂબ છે તે કર્ણાટકના દરિયાકિનારાના વિસ્તારમાં પણ મહત્તમ બેઠક પ્રાપ્ત કરવા માંગે છે. ભારતીય જનતા પક્ષ સામે સૌથી મોટો પડકાર શાસન વિરોધી લાગણી અને ભ્રષ્ટાચારના આક્ષેપો છે. સામાન્ય રીતે કોંગ્રેસ અને જનતા દળ વચ્ચે જ સ્પર્ધા થતી હોય તેવા જૂના મૈસુર પ્રદેશમાં ભારતીય જનતા પક્ષ પોતાની પરિસ્થિતિ સુધારી આ પરિબળ નેતા થવા માંગે છે. આથી મોદી-શાહની જોડીએ આ વિસ્તારમાં અનેક સભાઓ સંબોધી હતી.

ભારતીય જનતા પક્ષની સરકારે દક્ષિણ કર્ણાટકના પ્રભાવક ચોક્કા લિગા માટે અનામત બેઠકનો કવોટા વધાર્યો છે. આ સમાજ આમ તો જનતા દળનો ટેકેદાર છે. નાની દલિત જ્ઞાતિઓને રાજી રાખવા તે પ્રયાસ કરે છે. મુસલમાનોનો કવોટા રદ કરવાનો તેનો નિર્ણય પણ અન્ય એક પરિબળ છે.2018માં યેદુરપ્પાને લિંગાયતોનો સાથ મળ્યો. કારણ કે તેઓ મુખ્ય પ્રધાનપદના સ્પષ્ટ દાવેદાર હતા. હવે શું થશે? બોમ્માઇ પણ લિંગાયત છે પણ તેમનું ખાસ વજન નથી પડતું! બોમ્માઇ સરકાર સામેના ભ્રષ્ટાચારના આક્ષેપો કેટલી અસર કરશે તે સ્પષ્ટ નથી. ભારતીય જનતા પક્ષ પોતાના ચૂંટણી પ્રચારમાં ડબલ એંજિન સરકાર પર ભાર મૂકશે. કેન્દ્રમાં અને રાજયમાં એક જ પક્ષની સરકાર હોય તે ડબલ એન્જિન.

વિરોધ પક્ષો આક્ષેપ કરે છે કે ભરતીય જનતા પક્ષે સરકારી કોન્ટ્રાકટમાંથી 40 ટકા રકમ કમિશન પેટે મેળવી છે. કોંગ્રેસનો હાથ ઉપર છે. પણ એ જ હાથ તેને માથામાં ટપલાં મારે છે. રાજયમાં કોંગ્રેસનો પ્રભાવ છે. જે રાજયમાં વિજેતા પક્ષને 40 ટકાથી વધુ મત નથી મળતા ત્યાં કોંગ્રેસને 35 ટકા સ્થિર મત મળ્યા છે પણ તેનો સરકાર રચવા માટેના જાદુઇ આંકડા સુધી પહોંચવા લિંગાયતોના ટેકાની જરૂર છે પણ તેને લાગે છે કે કવોટાના વર્ગીકરણના મામલે લિંગાયત સમાજમાં જે અજંપો છે તેનો લાભ ચોક્કસપણે કોંગ્રેસને જ મળશે.કર્ણાટકમાં 40 ટકાથી વધુ વસ્તી શહેરોમાં વસે છે ત્યાં કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ અને ભ્રષ્ટાચારના મામલા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે અને મોદીએ 2018માં જેમ વીજળી વેગે હુમલો કર્યો હતો તેમ નહીં કરતા રાષ્ટ્રીય પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરી રસ્તો સાફ કરવા માંગે છે.

કોંગ્રેસમાં જનતા દળ સાથે જયાં સીધી ટક્કર છે ત્યાં ગણનાપાત્ર વિજય મેળવવાની ખ્વાહેશ રાખે છે. પણ તેમાં જોખમ છે. 2018માં લિંગાયતોને લઘુમતી દરજ્જો આપવાનો તે સમયના મુખ્ય પ્રધાન સિદ્ધ રાખ્યાનો નિર્ણય કામે નહીં લાગ્યો તેથી લિંગાયત સમાજ કોંગ્રેસ સાથે છે કે નહીં તે સ્પષ્ટ નથી. ભારતીય જનતા પક્ષ પછાત વર્ગોને મનાવવાની કોશિશ કરે છે અને છેલ્લે: સિદ્ધ રામૈયા અને કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડી.કે. શિવકુમાર વચ્ચે મુખ્ય પ્રધાન બનવાને મામલે ગજગ્રાહ ચાલુ છે અને જનતા દળ સોગઠાંબાજી રમવા માટે ચોપાટ બિછાવીને બેઠો છે.
કર્ણાટકમાં શું થશે?
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top