Entertainment

શાહરૂખ ખાનને અકસ્માત નડ્યો, યુએસમાં શૂટિંગ દરમિયાન નાક પર ઈજા થઈ

મુંબઈ: બોલિવૂડના (Bollywood) કિંગ ખાન (KingKhan) અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શાહરૂખ ખાનનું (ShahRukhKhan) યુએસના (US) લોસ એન્જલસમાં અકસ્માત (Accident) થયું છે. અકસ્માત બાદ અભિનેતાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં શાહરૂખને નાક પર વાગ્યું હોવાના અહેવાલ સાંપડ્યા છે. અભિનેતાએ લોહી બંધ થતું ન હોવાથી નાની સર્જરી કરાવવી પડી હતી.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શાહરૂખ ખાન લોસ એન્જલસમાં તેના અપકમિંગ પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને નાકમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે ઈજા બહુ ઊંડી નથી. પરંતુ અભિનેતાના અકસ્માત અંગે શાહરૂખ કે તેની ટીમ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

રિપોર્ટ અનુસાર ઈજાના કારણે શાહરૂખના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. પરંતુ સારી વાત એ છે કે ઈજા વધારે ઊંડી નહોતી. અભિનેતા હવે તેના ઘરે મન્નત પરત ફર્યો છે અને સ્વસ્થ થઈ રહ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખને તપાસ્યા બાદ ડૉક્ટરોએ તેની ટીમને કહ્યું હતું કે ગભરાવાની કોઈ વાત નથી. અકસ્માત બાદ કિંગ ખાન નાક પર પાટો બાંધેલો જોવા મળ્યો હતો. શાહરૂખના અકસ્માતના સમાચાર સામે આવતા જ અભિનેતાના તમામ ચાહકો પરેશાન થઈ ગયા હતા અને તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

શાહરૂખ ખાનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતાએ ફિલ્મ પઠાણથી પુનરાગમન કર્યું છે. આ ફિલ્મે તેની રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. પઠાણમાં શાહરૂખ સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મે કમાણીના મામલે ઈતિહાસ રચ્યો હતો.

શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ જવાન ફિલ્મમાં જોવા મળશે. કિંગ ખાનની આ ફિલ્મ પણ એક્શન, ઈમોશન અને થ્રિલથી ભરપૂર હશે. આ ફિલ્મ આ વર્ષે 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય અભિનેતાની ફિલ્મ ડાંકી પણ પાઈપલાઈનમાં છે.

Most Popular

To Top