SURAT

સુરતના મોટા ઉદ્યોગપતિના ત્યાં લગ્નમાં સિક્યોરીટી પૂરી પાડનાર એજન્સી પર આવી પડી મોટી આફત

સુરત: પાંડેસરા ખાતે આવેલી સિક્યોરિટી એજન્સીની ઓફિસમાં સ્ટેટ જીએસટી વિભાગની સુરતની ટીમ દ્વારા આજે દરોડા પાડવામાં આવ્યા હતાં. આ સિક્યોરિટી એજન્સી દ્વારા ભરવામાં આવેલા રિટર્ન અને ટેક્સનાં ડેટા મિસ્ મેચ થતાં જીએસટી વિભાગે સર્ચ કાર્યવાહી શરૂ કરી છે. એજન્સી ઈન્ડ્રસ્ટિયલ એસ્ટેટમાં, બેંકોમાં, ડાયમંડ કંપનીમાં મેન પાવર પુરો પાડે છે. એ ઉપરાંત વીવીઆઈપી મેરેજ અને ઇવેન્ટમાં બાઉન્સર તથા સિક્યોરિટી સર્વિસ પણ પુરી પાડે છે. હાલમાં જ એક મોટા લગ્ન પ્રસંગમાં આ એજન્સીએ સર્વિસ પૂરી પાડી છે. અધિકારીઓ હાલ આ સિક્યુરિટી કંપનીની ઓફિસમાં તપાસ કરી રહ્યાં છે.

  • જાણીતા ગાયકના કાર્યક્રમમાં સર્વિસ આપનાર આ એજન્સીના રોકડ વ્યવહારો શોધવા અધિકારીઓ પ્રયાસ કરી રહ્યાં છે.
  • રિટર્ન અને ટેક્સનાં ડેટા મિસ્ મેચ થતાં દરોડા: પાંડેસરાની સિક્યોરિટી એજન્સીમાં GSTનું સર્ચ

રિટર્ન અને ટેક્સ ભરવામાં ક્યાંય મનમેળ સધાતો ન હોવાના લીધે આ તપાસ કરવામાં આવી હોવાનું જીએસટી વિભાગનાં સૂત્રો એ જણાવ્યું હતું. હાલ શહેરના એક મોટા ઉદ્યોગગૃહના પરિવારના યોજાયેલા લગ્નમાં આ એજન્સીએ સિક્યોરિટી સ્ટાફ અને બાઉન્સર પુરા પાડ્યા હતા. જાણીતા ગાયકનાં કાર્યક્રમ માટે પણ સર્વિસ આપી હતી. વિભાગનું માનવું છે કે, શહેરમાં અનેક પ્રકારની ઇવેન્ટ પણ થઈ રહી છે ત્યારે અધિકારીઓ એ ચકાસણી કરી રહ્યાં છે કે જે પેમેન્ટ કરવામાં આવ્યું છે તે કેવી રીતે કરવામાં આવ્યુ છે. ખાસ કરીને અધિકારીઓ રોકડમાં થયેલાં પેમેન્ટ શોધવા પ્રયાસ કરી રહ્યાં છે.

પાંડેસરાની સિક્યુરિટી એજન્સીની 4.65 કરોડની GST ચોરી પકડાઇ
પાંડેસરાની સિક્યુરિટી એજન્સી પર સુરત સીજીએસટી દ્વારા પાડવામાં આવેલાં દરોડામાં 4.65 કરોડની કરચોરી મળી આવી છે. ભરવામાં આવેલા જીએસટી રિટર્ન અને ટેક્સનાં ડેટા મિસમેચ થતાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં આધારે ડેટાની તપાસ કરવામાં આવતાં પ્રાથમિક તબકકે અધિકારીઓને કરચોરીનો કેસ જણાયો હતો. તપાસ દરમિયાન પાંડેસરાની આ સિક્યુરિટી એજન્સીનો કરચોરીનો આંક રૂપિયા 3.95 કરોડ પર પહોંચ્યો હતો. બેંક, ઇવેન્ટ અને ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી માટે જવાનો પૂરા પાડનાર આ એજન્સીની ઓફિસમાંથી જપ્ત કરાયેલા ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરવામાં આવતાં વધુ એક સિક્યુરિટી એજન્સીનાં પણ 83 લાખ રૂપિયાની ટેક્સ ચોરીનાં ડેટા મળ્યાં હતાં.

પાંડેસરામાં ઓફિસ રાખી ગુજરાતમાં સિક્યુરિટી સર્વિસ પૂરી પાડનાર આ એજન્સી સિક્યુરિટી પ્રોવાઇડ કરવા સાથે બેંકોના એટીએમ માટે પણ કેસ મેનેજમેન્ટ સર્વિસ પૂરી પાડે છે. સેલિબ્રિટીની ઇવેન્ટ માટે કે ભવ્ય ભપકાદાર લગ્નો માટે બાઉન્સરની સેવાઓ પણ આપે છે. સર્ચ કાર્યવાહી દરમિયાન મળેલા ડોક્યુમેન્ટ અને ઓર્ડર બુકની તપાસ કરવામાં આવતાં અધિકારીઓને માહિતી મળી હતી કે છેલ્લાં પાંચ મહિના દરમિયાન એજન્સીએ અનેક જગ્યાએ સર્વિસ પ્રોવાઇડ કરી હતી. અને રૂપિયા 3.95 કરોડની ટેક્સ જવાબદારી હોવા છતાં ઓછો ટેક્સ ભર્યો હતો. કેટલાક મોટા કોન્ટ્રાકટમાં જીએસટી રિટર્ન પણ ફાઇલ કર્યા ન હતાં. આ ઉપરાંત જુદી જુદી સર્વિસ થકી 1.37 કરોડનો ટેક્સ પણ ગ્રાહક પાસે વસુલ્યો હતો. પણ જીએસટી ડિપાર્ટમેન્ટમાં જમા કરાવ્યો ન હતો.

સિક્યોરિટી એજન્સીનાં એમડીની વધુ એક એજન્સીના ડોક્યુમેન્ટ મળ્યાં
પાંડેસરામાં મુખ્ય ઓફિસ ધરાવતી સિક્યોરિટી એજન્સી ચલાવનાર કંપનીનાં મેનેજિંગ ડિરેક્ટરની અન્ય વધુ એક એજન્સી પણ મળી આવી છે. એમાં 83 લાખના કોન્ટ્રાકટ પર 15 લાખ રૂપિયાનો ટેક્સ ભરવામાં આવ્યો ન હોવાનું બહાર આવ્યું હતું. સીજીએસટી વિભાગે પેનલ્ટી સાથે બંને કેસમાં અધિકારીઓએ રૂપિયા 4.65 કરોડની રિકવરી કાઢી છે.

167.47 કરોડનાં બોગસ બિલિંગ કૌભાંડમાં ઉદ્યોગકાર વિશાલ વિરાણીની ધરપકડ
સુરત: જીએસટી વિભાગની ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ(ડીજીજીઆઇ) વિંગ દ્વારા વેસુ-ડુમસ રોડના ફ્લોરેન્સ એપાર્ટમેન્ટમાં રહેતા અને લક્ઝુરિયા બિઝનેસ હબનાં ત્રીજા માળે વિરાણી ટ્રેડલિંક નામની કંપની ચલાવતાં ઉદ્યોગકાર વિશાલ હબીબુલ્લાહ વિરાણીને ત્યાં સર્ચ કરી 167.47 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું. તેણે 14 જેટલી કંપનીઓ ઊભી કરી 30.14 કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉસેટી લઈ સરકારની તિજોરીને મોટો ફટકો માર્યો હતો.

ડીજીજીઆઈનાં ઇન્ટેલિજન્સ ઓફિસર શુશીલ યાદવ દ્વારા આ મામલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટાના આધારે મહારાષ્ટ્રના જુદાજુદા સરનામે નોંધાયેલી 14 કંપનીઓમાં તપાસ યોજવામાં આવી હતી. જેમાં મોટા ભાગની કંપનીઓ સ્થળ પર મળી ન હતી. 167 કરોડના બોગસ બિલિંગના કેસમાં સંડોવાયેલા આરોપી વિશાલ વિરાણીની જીએસટી વિભાગે ધરપકડ કરી સુરતની ચીફ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહીં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ઇમરાન મલેકે રજૂ કરેલી દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને જેલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

નોંધનીય બાબત એ છે કે બોગસ બિલિંગ કૌભાંડમાં એક તરફ જીએસટી વિભાગ સતત દરોડા પાડી રહ્યું છે તો બીજી તરફ ડીજીજીઆઇ પુરાવા ભેગા કરી કૌભાંડીઓને જેલના સળિયા પાછળ ધકેલી રહ્યું છે. DGGI નાં અધિકારીઓએ લક્ઝુરિયા બિઝનસ હબની આરોપીની ત્રીજા માળે આવેલી વિરાણી ટ્રેડલીન્કમાં તપાસ કરી મોટાપાયે ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતાં. આરોપીને પાંચ વાર સમન્સ પાઠવીને તેનું સ્ટેટમેન્ટ પણ લેવાની લીગલ પ્રોસિજર પણ કરવામાં આવી હતી. પુરાવાઓ જોયા પછી આરોપીએ ગુનાની કબૂલાત પણ કરી હોવાનું ડીજીજીઆઈનાં અધિકારીઓએ જણાવ્યું હતું. બોગસ બિલિંગ કૌભાંડ રોકવા જીએસટી વિભાગે કંપની કે પેઢી રજિસ્ટ્રેશનની કાર્યવાહી આકરી કરી છે. DGGI દ્વારા કોર્ટમાં આ પ્રકારના કેસોમાં હવે ચાર્જશીટ પણ રજૂ થઈ રહી છે.

Most Popular

To Top