Gujarat

૧૧મીથી રાજ્યમાં ધોરણ-૧૦ અને ૧૨ના વર્ગો ફરી શરૂ

રાજ્યમાં આગામી ૧૧મી જાન્યુઆરી-૨૦૨૧થી ધોરણ-૧૦ અને ૧૨ તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણય રાજ્યના તમામ બોર્ડને લાગુ થશે. જેમાં સરકારી શાળાઓ, ગ્રાન્ટ ઇન એઇડ-સ્વનિર્ભર સંસ્થાઓ તથા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની સંસ્થાઓને લાગુ પડશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ કે રાજ્યની કેબીનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયમાં શાળા કોલેજો એ કોરોના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. એ માટેની તમામ સૂચનાઓ શિક્ષણ વિભાગ દ્વારા તમામ સંસ્થાઓને મોકલી આપવામાં આવી છે.

શાળામાં સ્વચ્છતા સહિતની કોરોના સંક્રમણને રોકવા માટેની અન્ય વ્યવસ્થાઓ ગોઠવવા સંચાલકઓએ અધિકારીઓના સંકલનમાં રહીને શાળામાં થર્મલ ગન વગેરેની વ્યવસ્થા કરવાની રહેશે. આ માટે સ્થાનિક કક્ષાએ આચાર્ય અને શિક્ષકોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાથે સંકલન કરીને યોગ્ય આયોજન કરવાનું રહેશે. શાળામાં હાજરી ફરજીયાત રહેશે નહીં. શાળાઓએ આવતા વિદ્યાર્થીઓએ પોતાના વાલીની સંમતિ લઇને પત્રકમાં મંજૂરી આપવાની રહેશે.

આ માટેના જરૂરી ફોર્મ શાળાઓને મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત હાલ રાજ્યમાં જે ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે રાબેતા મુજબ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે નહીં. શાળામાં જેટલું શૈક્ષણિક કાર્ય થશે એટલા જ શૈક્ષણિક કાર્યની પરીક્ષા લેવામાં આવશે. અન્ય ધોરણ ના વર્ગો ક્યારે શરૂ કરવા તે અંગે પણ રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે અને તે અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top