Dakshin Gujarat

સ્વીચ ઓન કરતા જ ગેસનો બાટલો ફાટ્યો, સાયણમાં એક જ પરિવારના ત્રણ દાઝ્યા

સુરત: સાયણની શિવ દર્શન સોસાયટીમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતા એક જ પરિવારના 5 પૈકી ત્રણ જણા ગંભીર રીતે દાઝી ગયા હતા. મધરાત્રે બનેલી આ ઘટના પાછળ લાઈટ ઓન કરતા જ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. ફાયર ઓફિસર ભગવાકરે જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલમાં દાખલ એક દિકરી અને પતિ-પત્ની ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

  • સાયણની શિવ દર્શન સોસાયટીમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ : એક જ પરિવારના ત્રણ દાઝ્યા, હાલત ગંભીર
  • શૌચાલય માટે ઉંઘમાંથી જાગેલી દીકરીએ સ્વીચ ઓન કરતા જ બ્લાસ્ટ થયો : ત્રણેય સ્મીમેરમાં દાખલ

ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના મધરાત્રીના 2:53 ની છે. મકાન નંબર 9 શિવદર્શન રેસીડેન્સી ટુ સિવાન ગામ સાયણના તિવારી મહેશ સીયારામના ઘરમાં બની હતી. મધરાત્રે દિકરી રવિતા શૌચાલય માટે લાઈટ ઓન કરતા જ બ્લાસ્ટ થયો હતો. જેમાં રવિતા, મહેશભાઈ અને તેમના પત્ની મીનુબેન ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ બાદ કોસાડ અને કામરેજ ફાયર સ્ટેશનની ચાર ગાડીઓ સ્થળ પર રવાના કરી દેવાઈ હતી.

દાઝેલાઓના નામ: મહેશ તિવારી (ઉંમર – 45), મીનુ તિવારી (ઉંમર – 35), રવિતા તિવારી (ઉંમર-17)

હરેન્દ્ર ભગવાકર (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે ઘટના બાદ પાડોશીઓ દોડી આવ્યા હતા. ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં જમીન પર તફડતા ત્રણેય ને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાંથી ત્રણેય ને સ્મીમેર હોસ્પિટલ રીફર કરાતા 40-50 ટકા દાઝી ગયા હોવાનું સામે આવ્યું હતું. ગેસ લીકેજ ને કારણે બ્લાસ્ટ થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. હાલ ત્રણેયની હાલત નાજુક હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે.

પડોશી દિપક રાજભરએ કહ્યું હતું કે બ્લાસ્ટ જોરદાર હતો. પાડોશીઓ ઉંઘમાંથી જાગી ને બહાર આવી ગયા હતા. 12×30 ના ગાળામાં એક બેડરૂમ, હોલ, કિચનનું મકાન હતું. ચર્ચા એવી હતી કે શોર્ટ સર્કિટ બાદ બ્લાસ્ટ થઈ ગયો હતો. આખી રાત ગેસ બોટલમાંથી લીકેજ થયેલો ગેસ રૂમમાં ઘેરાઈ રહ્યા બાદ મધરાત્રે શોર્ટ સર્કિટ કે સ્વીચ ઓન કરતા જ બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી. જેમાં એક જ પરિવારના 5 પૈકી ત્રણ દાઝી ગયા હતા.

વધુમાં જણાવ્યું હતું કે ભોગ બનનાર મહેશ તિવારી ટ્રક ડ્રાઇવર છે અને જોનપુર યુપીના રહેવાસી છે. દાઝી ગયેલી દીકરી ધોરણ-10 ની વિદ્યાર્થી ની છે. જ્યારે બચી ગયેલા બન્ને ભાઈ-બહેન ધોરણ-7 અને 8 ના વિદ્યાર્થી છે. ઘટના રાત્રે નિંદ્રા અવસ્થામાં બની હતી. માત્ર મોટી દિકરી જ જાગી હતી. હાલ દાઝી ગયેલા ત્રણેય સ્મીમેર હોસ્પિટલમાં દાખલ છે. હાલત ગંભીર છે. ઘરમાં પોલીસ અને ગેસ કંપનીની તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top