Gujarat

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 10 કલાકમાં વધીને 114.56 મીટરે પહોંચી

રાજપીપળા: (Rajpipla) ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના (Sardar Sarovar Dam) કેચમેન્ટ વિસ્તારમાં હાલ ઓછો વરસાદ છે, પરંતુ નર્મદા ડેમની (Narmada Dam) આજુ બાજુ નજીકના વિસ્તારમાં વરસાદ પડવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 10 કલાકમાં 14 સેન્ટિમીટર જેટલી વધી 114.42 મીટરથી 114.56 મીટરે પહોંચી છે. મુખ્ય કેનાલમાં હાલમાં પાણીની જરૂરિયાત ઓછી થઈ ગઈ છે તો બીજી બાજુ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ (Rain) પડી રહ્યો હોવાના કારણે મુખ્ય કેનાલ માંથી હવે માત્ર 4205 ક્યુસેક જ પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત હાલમાં નર્મદા ડેમની જળ સપાટી હજુ 115 મીટરની આજુબાજુ છે જેના કારણે 1200 મેગાવોટ રિવર બેડ પાવર હાઉસના તમામ યુનિટ હાલમાં બંધ રાખવામાં આવ્યા છે.

  • સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 10 કલાકમાં 14 સેન્ટિમીટર જેટલી વધી 114.42 મીટરથી 114.56 મીટરે પહોંચી
  • સરદાર સરોવરમાં અત્યારે પાણીનો કુલ જથ્થો 435.27 મિલિયન ક્યુબિક મીટર છે

સરદાર સરોવરમાં અત્યારે પાણીનો કુલ જથ્થો 435.27 મિલિયન ક્યુબિક મીટર છે. નર્મદા ડેમ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 10 મીમી જેટલો વરસાદ પડ્યો છે. પરંતુ બપોર બાદ ભારે વરસાદ નર્મદા ડેમ કેવડિયા વિસ્તારમાં પડ્યો છે. ત્યારે હવે આગામી એક-બે દિવસમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં હજુ વધારો થાય એવી સંભાવનાઓ છે. જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો કરજણ ડેમ-103.30 મીટર, નાના કાકડીંઆંબા ડેમ-182.70 મીટર, ચોપડવાવ ડેમ-181.60 મીટર અને નર્મદા નદીનું ગરુડેશ્વર પાસેની ગેજ લેવલ 14.10 મીટરની સપાટી રહેવા પામી છે.

નર્મદા જિલ્લાની વરસાદની સ્થિતિ જોઈએ તો છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ સાગબારા તાલુકામાં-105 મિ.મિ. અને સૌથી ઓછો નાંદોદ તાલુકામાં-08 મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના તિલકવાડા તાલુકામાં–57 મિ.મિ., દેડીયાપાડા તાલુકામાં-48 મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં-13 મિ.મિ. વરસાદ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ-229 મિ.મિ.વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-336 મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો-257 મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો-246 મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-239 મિ.મિ.સાથે ચોથા ક્રમે અને નાંદોદ તાલુકો-68 મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

Most Popular

To Top