Dakshin Gujarat

સાપુતારા અને સુબિરમાંથી પોલીસે દારૂના જથ્થા સાથે પાંચ લોકોને ઝડપી પાડ્યા

સાપુતારા: (Saputara) ડાંગના સાપુતારા અને સુબિરમાં વિદેશી દારૂના (Alcohol) જથ્થા સાથે પોલીસે (Police) પાંચ લોકોની ધરપકડ કરી હતી. મહારાષ્ટ્રથી (Maharashtra) સાપુતારા તરફ આવતી સફેદ કલરની ગાડી પોલીસે રોકી તેમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. બીજી તરફ જામનસોંઢા ગામે એક રહેણાંક મકાનમાં રેઈડ (Raid) કરતા મકાનમાંથી ભારતીય બનાવટનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

  • ડાંગના સાપુતારા અને સુબિરમાં વિદેશી દારૂના જથ્થા સાથે પાંચ ઈસમો પકડાયા
  • મકાનમાંથી ભારતીય બનાવટનો દારૂનો જથ્થો મળી આવ્યો

ડાંગ જિલ્લાનાં એસ.પી રવિરાજસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ કે.જે.નિરંજન તથા સુબિર પોલીસ મથકનાં પી.એસ.આઈ કે.કે.ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી. જેમાં સાપુતારા પોલીસે ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમ્યાન મહારાષ્ટ્રથી સાપુતારા તરફ આવતી સફેદ કલરની ગાડી નં. જી.જે.01.એચ.આર.4597માં ચેકિંગ હાથ ધરતા કારની ડીકીના ચોરખાનામાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની 144 બોટલ નંગ જે 55,200ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પી.એસ.આઈ કે.જે.નિરંજનની ટીમે દારૂનો જથ્થો તથા મોબાઈલ તેમજ કાર મળી 2,21,200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાપુતારા પોલીસે બુટલેગરો અલ્પેશભાઈ નગુભાઈ ગોહિલ, મયુરભાઈ ઉર્ફ મશરીભાઈ બાપુભાઈ સોલંકી, નારણ ઉર્ફ નવલસિંહ ઘેલુભાઈ વાળા (તમામ રહે. ઉમેજ તા.ઉના જી.ગીરસોમનાથ)ની ધરપકડ કરી કાર્યવાહી કરી છે. જ્યારે સેલવાસથી દારૂનો જથ્થો ભરાવી આપનાર સલમાનને વોન્ટેડ જાહેર કર્યો છે.

જ્યારે સુબિર પોલીસ મથકનાં પી.એસ.આઈ કે.કે.ચૌધરીની ટીમે જામનસોંઢા ગામે એક રહેણાંક મકાનમાં રેઈડ કરતા મકાનમાંથી ભારતીય બનાવટનો કુલ 6145 રૂપિયાનાં મુદ્દામાલનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જામનસોંઢામાં ગેરકાયદેસર દારૂનો જથ્થો રાખી વેપલો કરનાર ઈસમ વણકર રમણભાઈ માળવી(રહે, જામનસોંઢા તા.સુબિર)ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top