Business

દેશમાં ધનવાનોની સંખ્યા 7.5 ટકા ઘટીને 12069 થઇ

મુંબઇ: ભારતમાં (India) અત્યંત સમૃદ્ધ લોકોની સંખ્યા ગયા વર્ષે 7.5 ટકા ઘટીને 12,069 થઈ હતી, પરંતુ આગામી પાંચ વર્ષમાં તે ફરી વધીને 19,119 થવાની શક્યતા છે. એક અહેવાલમાં આ અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. વેલ્થ એડવાઈઝરી ફર્મ નાઈટ ફ્રેન્કે જાહેર કરેલા એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે 30 મિલિયન ડોલરથી વધુની સંપત્તિ (Wealth) ધરાવતા અત્યંત શ્રીમંત ભારતીયોની (Indian) સંખ્યા વર્ષ 2022માં 12,069 થઈ ગઈ છે. આ વર્ષ 2021ની સરખામણીમાં 7.5 ટકાનો ઘટાડો દર્શાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એડવાઈઝરી ફર્મે ‘ધ વેલ્થ રિપોર્ટ 2023’માં કહ્યું છે કે 2027 સુધીમાં દેશમાં ખૂબ જ અમીર લોકોની સંખ્યા વધીને 19,119 થવાની સંભાવના છે. તે જ સમયે, આગામી પાંચ વર્ષ સુધીમાં દેશમાં અબજોપતિઓની સંખ્યા 195 સુધી પહોંચવાની આશા છે. વર્ષ 2022માં અબજોપતિ ભારતીયોની સંખ્યા વધીને 161 થઈ જ્યારે 2021માં તેમની સંખ્યા 145 થઈ ગઈ.

રિપોર્ટ અનુસાર, દેશમાં 1 મિલિયન ડોલરથી વધુની સંપત્તિ ધરાવતા અમીર લોકોની સંખ્યા ગયા વર્ષે વધીને 7,97,714 થઈ ગઈ હતી જ્યારે 2021માં તેમની સંખ્યા 7,63,674 હતી. આગામી પાંચ વર્ષમાં આ સંખ્યા વધીને 16,57,272 થવાની ધારણા છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2022માં વૈશ્વિક સ્તરે અત્યંત અમીર લોકોની સંખ્યામાં 3.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે એક વર્ષ અગાઉ 2021માં તેમની સંખ્યામાં 9.3 ટકાનો વધારો થયો હતો.

ગયા વર્ષે, ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા અને આર્થિક મંદીની આડ અસરોએ અતિ સમૃદ્ધ લોકો માટે સંપત્તિ સર્જનની તકોને અસર કરી હતી. ભારતમાં પણ આ કારણોસર અત્યંત અમીર લોકોની સંપત્તિ પર અસર પડી છે અને તેમની સંખ્યામાં વાર્ષિક ધોરણે 7.5 ટકાનો ઘટાડો થયો છે. વ્યાજદરમાં વધારા અને રૂપિયા સામે ડૉલરની મજબૂતીથી અતિ સમૃદ્ધ ભારતીયોની સંપત્તિને પણ અસર થઈ હતી.

નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે જણાવ્યું હતું કે, “તાજેતરના સમયમાં, કોર અને નોન-કોર સેક્ટરમાં વધેલી પ્રવૃત્તિઓને કારણે ભારતના આર્થિક વિકાસને વેગ મળ્યો છે. આ ઉપરાંત ભારત વૈશ્વિક સ્ટાર્ટઅપ હબ બનવાની સાથે નવી સંપત્તિનું નિર્માણ પણ થઈ રહ્યું છે.

Most Popular

To Top