World

ભારતમાં બનેલી આ ઘટનાનું પાકિસ્તાનમાં પુનરાવર્તન, સેમસંગ કંપનીએ માફી માંગી

કરાચી(Karachi): ભારત(India)માં મહોમ્મદ પયગંબર(Prophet Muhammad) વિરુદ્ધ ટીપ્પણી મામલે માહોલ ગરમાયો છે ત્યારે હવે આવો વધુ એક કિસ્સો પાકિસ્તાન(Pakistan)માં સામે આવ્યો છે. કરાચી(Karachi)ના સ્ટાર સિટી મોલ(Star City Mall)માં લોકોએ હિંસક વિરોધ કર્યો અને ઈશનિંદાને લઈને તોડફોડ કરી હતી. દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ(Samsung) દ્વારા કથિત રીતે ઈશનિંદા કરવાનાં વિરોધમાં હોબાળો મચાવ્યો હતો. સેમસંગ પાકિસ્તાનના 27 કર્મચારીઓને મહોમ્મદ પયગંબર વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ અટકાયતમાં લેવામાં આવ્યા છે. કંપનીએ એક નિવેદન જાહેર કરીને માફી માંગી છે. દક્ષિણ કોરિયાની કંપની સેમસંગે એક નિવેદનમાં કહ્યું છે કે તે ધાર્મિક બાબતોમાં તટસ્થતા જાળવી રાખે છે. તેમણે આ મામલે આંતરિક તપાસ શરૂ કરી છે.

QR કોડમાં મહોમ્મદ પયગંબર વિરુદ્ધ ટિપ્પણી
કરાચીના સ્ટાર સિટી મોલમાં લગાવવામાં આવેલા વાઈફાઈ ડિવાઈસમાં કથિત રીતે નિંદાજનક ટિપ્પણી કરવામાં આવી હતી. આ સમાચાર કરાચીમાં જંગલની આગની જેમ ફેલાઈ ગયા અને રોષે ભરાયેલા વિરોધીઓ મોલમાં એકઠા થઈ ગયા હતા અને હિંસક વિરોધ કર્યો હતો. આ ઘટના વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કંપની દ્વારા જારી કરવામાં આવેલા મોબાઈલ QR કોડમાં પયગંબરનો અનાદર થવાથી લોકો નારાજ હતા. ગરબડની માહિતી મળતાં જ કરાચી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વિવાદિત વાઈફાઈ ઉપકરણને જપ્ત કરી લીધું. આ કેસમાં સેમસંગના 27 કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

હુમલાખોરો TLPના કાર્યકરો હતા
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે હુમલાખોરો કોણ હતા તે સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તેઓ આતંકવાદી સંગઠન તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP) સાથે સંકળાયેલા છે. પાકિસ્તાનમાં પયગંબર મોહમ્મદની નિંદા અથવા ઈશનિંદા એ ખૂબ જ સંવેદનશીલ મામલો છે. દેશના કાયદા હેઠળ ઈશનિંદાના દોષિત વ્યક્તિને ફાંસી આપવાની જોગવાઈ છે. આવા જ એક કિસ્સામાં શ્રીલંકામાં એક ફેક્ટરીના મેનેજરને સિયાલકોટમાં ટોળાએ માર માર્યો હતો.

ભારતમાં પણ મહોમ્મદ પયગંબર વિરુદ્ધ ટિપ્પણી કરાતા થયો હતો વિરોધ
ઉલ્લેખનીય છે કે અગાઉ ભારતમાં ભારર્તીય જનતા પાર્ટીનાં પ્રવક્તા નુપુર શર્માએ મહોમ્મદ પયગંબર વિરુદ્ધ નિવેદન આપતા હોબાળો મચી ગયો હતો. દેશમાં અનેક સ્થળોએ વિરોધની સાથે હિંસાનાં બનાવો બન્યા હતા. જો કે આ બાદ સુપ્રીમ કોર્ટે નુપુર શર્માને દેશની માફી માંગવા આદેશ કર્યો છે.

Most Popular

To Top