Madhya Gujarat

સ્વામિનારાયણ સંપ્રદાયના દ્વિશતાબ્દી નિમિત્તે સહજાનંદી બાળ શિબિર યોજાઇ

આણંદ : સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામમાં 5મીથી 9મી મે – પંચદિનાત્મક સહજાનંદી બાળ શિબિર સંપન્ન થઈ છે. છેલ્લા સાત વર્ષથી નિયમિત યોજાતી આ બાળ શિબિરમાં આ વર્ષે અઢી હજાર કરતા વધુ દિકરા – દિકરીઓએ ભાગ લીધો હતો. વડતાલગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી તથા મુખ્યકોઠારી ડો. સંત સ્વામી દ્વારા બાળકોમાં સુસંસ્કારી પ્રજ્ઞાના વિકાસ માટે પ્રયાસો થઈ રહ્યા છે.

સંપ્રદાયની પ્રગતિનું રહસ્ય બાળ યુવા પ્રવૃત્તિ છે , આ પ્રવૃત્તિથી અમે અતિપ્રસન્ન છીએ, આ પ્રવૃત્તિમાં કાર્યકર્તાઓ અને શ્યામવલ્લભ સ્વામી તથા નારાયણચરણ સ્વામી વગેરે યુવાન સંતોને અભિનંદન પાઠવું છુ કહીને આચાર્ય મહારાજે રાજીપો વ્યક્ત કર્યો હતો. પ્રથમ સત્રમાં મુ્ખ્ય કોઠારી ડો. સંત સ્વામી, નૌતમ સ્વામી, પી પી સ્વામી, બ્રહ્મ સ્વામી, અથાણાવાળા સ્વામી, ઘનશ્યામ ભગત ટ્રસ્ટી, ગુણસાગર સ્વામી (વિરસદ), મહેન્દ્રભાઈ નિલગિરિવાળા વગેરેના કરકમળ દ્વારા દીપપ્રાગટ્ય સાથે શરૂઆત કરવામાં આવી હતી.

પ્રથમ દિવસે “ હું હરિકૃષ્ણ મહારાજનો આશ્રિત છું , આ જીવનભરની દ્રઢતા કેળવીએ ,નિર્વ્યસની રહીએ, પરિવાર – સમાજ અને સત્સંગનું ગૌરવ વધે એવુ આદર્શ જીવન જીવિએ તથા વડતાલ મારું અને હુ વડતાલનો “ આ પ્રતિજ્ઞા સાથે ડો.સંત સ્વામીએ શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે નૌતમ સ્વામી અને પી.પી.સ્વામીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતુ. પાંચ દિવસમાં બાળકોએ પ્રભાતફેરી, ગૌપૂજન, માતૃવંદના, રાસ, પૂજા, યોગાસન, પ્રાણાયામની સામુહિક શિક્ષા ગ્રહણ કરી હતી.

આ શિબિરમાં શુકદેવ સ્વામી (નાર), ઈશ્વરચરણ સ્વામી (કુંડળધામ), પ્રિયદર્શન સ્વામી (પીજ), ઘનશ્યામ સ્વામી (વાસદ), સુરેશભાઈ પ્રજાપતિ વગેરેએ પ્રેજન્ટેશન સાથે બાળકોને બોધપ્રદ વાતો કરી હતી. અહીં તમામ બાળકોની રહેવા જમવાની વ્યવસ્થા સાથે સમગ્ર શિબિરનું સફળતા પૂર્વક સંચાલન શ્યામવલ્લભ સ્વામી – નારાયણચરણ સ્વામી (બુધેજ) અને સંચાલક મંડળના વિષ્ણુભાઈ પાડગોલ વગેરે યુવકો દ્વારા કરવામાં આવ્યું હતું. વડાતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવમાં 5 હજાર બાળકોની મહાશિબિર સંપન્ન થાય, એવા શુભ સંકલ્પ સાથે સાતમી શિબિર પૂર્ણ કરવામાં આવી હતી.

Most Popular

To Top