Sports

શનિવારથી દક્ષિણ આફ્રિકામાં પહેલા અંડર-19 મહિલા વર્લ્ડકપનો પ્રારંભ

બેનોની : આવતીકાલે શનિવારથી અહીં શરૂ થઇ રહેલા પહેલા આઇસીસી (ICC) મહિલા અંડર-19 વર્લ્ડકપ (Worldcup) સાથે વિશ્વભરની યુવા મહિલા ખેલાડીઓને (Palyers) પોતાની પ્રતિભા ઝળકાવવા માટે આખરે વૈશ્વિક મંચ મળ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)એ 1988થી અત્યાર સુધીમાં મેન્સ ક્રિકેટમાં કુલ 14 અંડર 19 વર્લ્ડકપનું આયોજન કરી ચુકી છે ત્યારે મહિલા ક્રિકેટના ભાવિ સ્ટારને તેઓ જે ઇચ્છતા હતા તેવું એક્સપોઝર હવે મળ્યું છે.

છેલ્લા પાંચેક વર્ષમાં મહિલા ક્રિકેટ ઘણો વિકાસ કર્યો છે, પણ યુવા પ્રતિભાઓને જે વૈશ્વિક મંચની જરૂર હતી તે હવે મળ્યો છે. બેનોની અને પોચેસ્ટ્રૂમના કુલ ચાર સ્થળોએ કુલ મળીને 41 મેચો રમાશે. 16 ટીમો વચ્ચેની આ વૈશ્વિક ટૂર્નામેન્ટ આમ તો 2021માં જ યોજાવાની હતી પણ કોરોનાના કારણે તેને 2023 સુધી ખસેડવામાં આવી હતી. આઇસીસીના 11 સભ્ય દેશ ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, ભારત, આયરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટઇન્ડિઝ અને ઝિમ્બાબ્વે આપોઆપ ક્વોલિફાય થયા હતા. તે પછી આઇસીસીના પાંચ રિજિયનમાંથી અમેરિકા, યુએઇ, રવાન્ડા, સ્કોટલેન્ડ અને ઇન્ડોનેશિયા ક્વોલિફાય થયા હતા.

આ 16 ટીમોને કુલ ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જેમાં શેફાલી વર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા, સ્કોટલેન્ડ અને યુએઇ સાથે ગ્રુપ ડીમાં સામેલ છે. ભારતીય ટીમ પોતાની પહેલી મેચ શનિવારે દક્ષિણ આફ્રિકા સામે રમશે. ભારતીય ટીમમાં શેફાલીની સાથે વિકેટકીપર ઋચા ઘોષ બીજી ઇન્ટરનેશનલ ખેલાડી છે.

તાલિબાન શાસકોના પ્રતિબંધને કારણે અફઘાનિસ્તાનની ટીમ ભાગ લેવાથી વંચિત
દક્ષિણ આફ્રિકામાં યોજાઇ રહેલા પહેલા મહિલા અંડર-19 વર્લ્ડકપમાં ભાગ લેવાથી અફઘાનિસ્તાનની યુવા મહિલા ટીમ વચિંત રહી ગઇ છે. અફઘાનિસ્તાનમાં સત્તા પલટા પછી તાલિબાન શાસકો દ્વારા મહિલા પર મૂકવામાં આવેલા પ્રતિબંધોને કારણે તેઓ આ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ શકી નથી.

Most Popular

To Top