Comments

રેવડીઓ અને શ્રાવણી સરવડાં : બધે વરસે છે પણ ઝીલાય તો કંઇક મેળ પડે

તહેવારોનો શ્રાવણ મહિનો અડધો વીતી ગયો છે ને હળવાં વરસાદી ઝાપટાં ધરતી અને માનવમનને તરબોળ કરી રહ્યાં છે. ગુજરાત આમ તો નસીબવંતુ રાજ્ય છે. આજકાલ અહીં બબ્બે પ્રકારની વર્ષા થઇ રહી છે. આ બે વર્ષામાં એક છે મોંઘવારીની વર્ષા ને બીજી છે રાજકારણી નેતાઓ દ્વારા મતદારોને ભરમાવવા માટે ચૂંટણી વચનોની વર્ષા. આ વર્ષા આજકાલ રાજકીય રેવડીઓ કે લોલીપોપ તરીકે પ્રખ્યાત બનવા લાગી છે. રેવડીઓ અને શ્રાવણી સરવડાં આજકાલ ગુજરાતમાં બરાબરનાં વરસી રહ્યાં છે. દિલ્હીની ચાટ જ નહીં, આપણે ત્યાં દિલ્હીનું બીજુંયે ઘણું બધું વખણાય છે. આમાં આજકાલ દિલ્હીની રેવડીઓ વધુ વખણાવા લાગી છે.

પહેલાં તો દિલ્હી શહેરનું નામ પડે એટલે દેશના જાજરમાન પાટનગરની કલ્પના આવે, પણ હમણાં ખાસ કરીને ગુજરાતમાં દિલ્હી શબ્દ બોલાતાં જ ભલભલા ભાજપી કાર્યકર્તાના મનમાં તો પેલું અરવિંદ કેજરીવાલનું ઝાડુ જ ઉભરી આવે છે. એમાં એ બાપડા ભક્તનો કોઇ વાંક નથી. ગુજરાતમાં અઢી-ત્રણ મહિનામાં થનારી ચૂંટણીનો તકાજો એટલો બધો છે કે રાજયમાં પગપેસારો કરવા માગતી આમઆદમી પાર્ટી જ પેલા દિલ્હી શબ્દની સંગાથે વરતાય છે. આમઆદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ગુજરાતને હેમ અવે ફ્રોમ હોમ બનાવી દીધું છે ત્યારથી કંઇક ભાજપી નેતાઓની ઊંઘ હરામ થઇ ગયેલી છે.

ગુજરાતનો ગઢ એમનાથી જીતી શકાય એવો નથી જ નથી, છતાં વિધાનસભાની ચૂંટણીમાં મેળવેલા વોટની ટકાવારીના આધારે રાજકીય પક્ષોના દરજ્જાનો માપદંડ નીકળતો હોઇ રાષ્ટ્રીય પાર્ટી તરીકેનો દરજ્જો મેળવવા માટે એમણે ગુજરાતના દંગલને બરાબરનું ગરમ કરવા માંડ્યું છે. એની સામે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ હજુ શાંત છે, પોતાનું ઘર સરખું ગોઠવે છે. પરંતુ જે ઝડપે કેજરીવાલ દોડી રહ્યા છે, તે જોતાં એમને જલદી ઠોકર વાગશે એવી દહેશત રાજકીય વર્તુળો વ્યક્ત કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદીએ અચ્છે દિનની વાત કરી હતી એવી જ સ્ટાઇલમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં મફત વીજળી આપવાનો ગોળો ગબડાવ્યો. ઘણાં ભોળિયાં લોકોના મનમાં એ સીધો જ ઊતરી ગયો.

તાળીઓના ગડગડાટો મળતાં ચતુર કેજરીવાલે બીજી રેવડી ઉલાળી કે ગુજરાતમાં જો અમારું રાજ આવશે તો 10 લાખ સરકારી ભરતી કરીશું ને દરેક યુવાનોને નોકરી આપીશું, જેમને નોકરી નહીં મળે એમને મહિને 3 હજાર રૂપિયાનું મોંઘવારી ભથ્થું આપીશું. રોજગારીની વાત પછી, એમણે વેપારીઓને જીએસટી અને અન્ય તુમારશાહીમાંથી મુકિત આપવાની લોલીપોપ આપી. પછી આદિવાસી ગામડાંઓમાં સારી શાળાઓ અને ગાંવ ક્લિનિકને નામે તબીબી સુવિધા આપવાની રેવડી ઉછાળી. બાકી હતું તે મહિલાઓને દર મહિને એમના બેન્ક ખાતામાં જ સીધા જમા થઇ જાય એ રીતે એક હજાર રૂપિયા આપવાની નવી વાત કરી.

ભલભલાને પાણી પાણી કરી મૂકવા સક્ષમ એવી આવી ફાયદાઓની વાતો કરીને કેજરીવાલ ગુજરાતમાં પોતાની જાળ બિછાવવા માગે છે. બાકી હતું તે પોલીસ કર્મચારીઓને અંદરખાને આમઆદમી પાર્ટીનું કામ કરવાની વાત કરીને એવી રેવડી વહેંચવા માંડી છે કે જો અમારી પાર્ટી સત્તામાં આવશે તો પોલીસ કર્મચારીઓનો ગ્રેડ-પે નો પ્રશ્ન ઉકેલીને સૌથી સારો પગાર આપશે. કંઇક બાપડા પોલીસ કર્મચારીઓને આકર્ષે એવી આ રેવડીઓ ચૂંટણીમાં ખાસ કરીને મતદાન વખતે કામ કરી જાય એવી છે. આ ગ્રેડ-પે ની રેવડીથી તો ભૂપેન્દ્રભાઇ પટેલની રાજ્ય સરકાર પણ હાલી ગઇ છે.

પોલીસ કર્મચારીઓનો પગાર વધારવા ભાજપ સરકાર તૈયારીઓ કરતી હોવાની તાબડતોબ જાહેરાત ગુજરાત સરકારે કરવી પડી છે. ઘણા પોલીસવાળા તો આને ભાજપ સરકારની રેવડી ગણાવી રહ્યા છે. આમ જોઇએ તો આ રેવડીઓ માટે ભલે કહેવાતું હોય કે આ તો લોભામણાં ચૂંટણીવચનો છે, પણ જો સરકાર અને સત્તાધારી પક્ષ અત્યારે રહે છે એવા પ્રમાદમાં, આત્મગૌરવમાં કે ખોટા ફાંકામાં રાચતા રહે તો ક્યારે પગ તળેથી જાજમ ખેંચાઇ જાય એનું કંઇ નક્કી હોતું નથી.
મોંઘવારી સહિતના મુદ્દાઓ ગુજરાત સરકારને ભારે પડે એવી રીતે ઉછળી રહ્યા છે. સીએનજી-પીએનજીના ભાવ રાતોરાત વધી જાય છે. જેને લીધે મોંઘવારી તો વધતી જ રહે છે.

નાગરિકો મોંઘવારીથી ત્રાસેલા છે ને સરકારી તંત્ર એક પછી એક ઉજવણીઓના ઝંડા ફરકાવવામાંથી ઊંચી આવતી નથી. જાતભાતની યાત્રાઓનાં આયોજનો આખા માહોલને વ્યસ્ત રાખી રહ્યા છે. મોન્સૂન ફેસ્ટિવલ, નારીવંદન ઉત્સવ, વિકાસ ગૌરવ યાત્રાઓ યોજાઇ રહી છે. સામાન્ય માણસને એ સવાલ થયા વિના રહેતો નથી કે ઉજવણીઓમાં વ્યસ્ત રહેતી સરકાર અમારી પડતર સમસ્યાઓનું કંઇક વિચારશે કે નહીં ? સરકારી કમર્ચારીઓમાંના શિક્ષકો સહિતના કેટલાક સમુદાયોને હજુ પેલા સાતમા પગાર પંચના તફાવતનાં નાણાંના હપ્તા હજુ મળ્યા નથી. કર્મચારી વર્ગમાં ઘણો મોટો કચવાટ પ્રવર્તી રહ્યો છે.

ચૂંટણીવર્ષ ઘણાં આંદોલનો તોળાયાં છે. જુનિયર ડોક્ટરોની હડતાળનું માંડ પત્યું ત્યાં આરોગ્ય કર્મીઓએ હડતાળનું હથિયાર ઉગામ્યું. ગામડાંના તલાટીઓ પણ પડતર માગણીઓની કંઇક ક્વેરીઓ કાઢીને હડતાળ પર બેઠા છે. કર્મચારીઓનાં વિવિધ સંગઠનો પડતર માગણીઓ આગળ ધરીને હડતાળની ચીમકીઓ આપી રહ્યા છે. ડોક્ટરોનો એક વર્ગ અને વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર્સ પણ લડવાના જ મૂડમાં છે. આંગણવાડી બહેનોની સમસ્યાઓ પહેલેથી જ ઉકેલાતી નથી. એલઆરડી (લોકરક્ષક દળ) ના પેલા ભરતી લિસ્ટનાં હજુ કંઇ ઠેકાણાં નથી. પંચાયતોની જગ્યાઓની બાકી પડેલી ભરતીનું મૂરત ક્યારે નીકળશે એનું કંઇ નક્કી નથી.

ચૂંટણી વર્ષમાં આવા અસંતોષનાં સરવડાં પણ પડી જ રહ્યાં છે. આ તો કેજરીવાલની રેવડીઓ બરાબર ઝીલાતી નથી, બાકી અન્ડર કરન્ટ જો ફેલાવા લાગે તો ચૂંટણીના વર્ષમાં સરકારને માટે પરેશાની થઇ જાય એવું છે. કેજરીવાલ વીજળી, ગ્રેડ પે, રોજગારી કે મહિલાઓને ભથ્થાં આપવાની વાતો કરે છે, પણ પેટ્રોલ-ડીઝલ-ગેસ કે ખાદ્યતેલ જેવી બાબતોના રાજ્ય સરકારના કરવેરા ઘટાડવાનું બોલતા નથી કે પોતાના પક્ષના શાસનવાળા દિલ્હી કે પંજાબ જેવાં રાજ્યોમાં એ વેરા ઘટાડાનો અમલ કરવાનું કહેતા નથી. કેજરીવાલ પર ગુજરાતનાં લોકોને ભરોસો પડતો નથી કે એમની રેવડીઓ બરાબર ઝીલાતી નથી એનું આ એક મોટું કારણ જણાય છે.

મોંઘવારી અને આ રેવડીઓ આજકાલનાં શ્રાવણિયા સરવડાંની માફક વરસી રહી છે. એક (મોંઘવારી) હટે અને બીજી (રેવડીઓ) ઝીલાય તો કંઇક મેળ બેસે એવું લાગે છે, પણ બેમાંથી એકેય સંભાવના હાલના સંજોગોમાં જણાતી નથી. રેવડીઓ અને શ્રાવણી સરવડાં આજકાલ બધે વરસે તો છે, પણ લાગે છે કે લોકોમાં એ બરાબર ઝીલાય તો કંઇક મેળ પડે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top