Comments

પાંચ રાજ્યોનાં પરિણામો : એક્ઝીટ પોલનો મતલબ

પાંચ રાજ્યોમાં મતદાન થઇ ગયું છે અને એક્ઝીટ પોલનાં તારણો પણ આવી ચૂક્યાં છે, જેમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપને ફાયદો અને છતીસગઢ અને તેલંગણમાં કોંગ્રેસને ફાયદો, જ્યારે મિઝોરમમાં પ્રાદેશિક પક્ષો વચ્ચે ટક્કર છે એવું દર્શાવાયું છે. આ તારણો સાચાં જ પડે એની કોઈ ગેરેંટી કોઈ આપી ના શકે. તા. ૩ ડિસેમ્બરે પરિણામો આવે એ પછી આકલન થઇ શકે. પણ આ ચૂંટણીમાં કેટલીક બાબતો દાવ પર લાગી છે અને એની પર તો ચર્ચા થઇ શકે એમ છે.

પાંચ રાજ્યોની ચૂંટણી ભાજ્પ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ છે અને એમાં સૌથી વધુ પ્રતિષ્ઠા દાવ પર લાગી છે નરેન્દ્ર મોદીની. કારણ કે, બધી ચૂંટણીઓની જેમ આ ચૂંટણીઓમાં પણ ભાજપ  શાખ પર લડ્યો છે. કોઈ રાજ્યમાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરાયો નહોતો અથવા તો કરી શકાયો નહોતો. એટલે જીત કે હારનો યશ કે દોષ મોદી પર આવી શકે છે. ભાજપની રાજનીતિ મોદીકેન્દ્રી છે એ તો ક્યારનું સ્પષ્ટ થઇ ચૂક્યું છે અને દેશમાં મોદીની લોકપ્રિયતા સૌથી વધુ છે એ પણ સ્પષ્ટ છે.

કોંગ્રેસની વાત કરીએ તો દરેક રાજ્યમાં કોંગ્રેસે મુખ્યમંત્રીના ચહેરા જાહેર કર્યા હતા. રાજસ્થાનમાં ગેહલોત, મધ્પ્રદેશમાં કમલનાથ, છતીસગઢમાં ભૂપેશ બધેલ, તેલંગણમાં સ્થાનિક પક્ષ પ્રમુખના વડપણમાં ચૂંટણી લડવામાં આવી. ભાજપ આવું કરતો નથી  એટલે કોંગ્રેસમાં આ ચહેરાઓની શાખ દાવ પર લાગી છે. અલબત્ રાહુલ ગાંધી અને  અન્ય નેતાઓની શાખ પણ દાવ પર છે જ.

ત્રીજું,આ ચૂંટણીઓમાં મફતની રેવડી જેને કહેવામાં આવે છે એ મુદો્ પણ દાવ પર છે અને એમાં ભાજપ કે કોંગ્રેસમાંથી કોઈ પાછળ નથી. તેલંગણમાં બીઆરએસ દ્વારા પણ એવી જ જાહેરાતો થઇ છે. કર્નાટકમાં ફ્રી બીની યોજનાઓ કોંગ્રેસને ફળી હતી. જો કે, જીતનાં કારણોમાં બીજા મુદા્ઓ પણ સામેલ હતા. કર્નાટકમાં પાંચ યોજના જાહેર કરી અને એ વચનો કોંગ્રેસે પૂરાં પણ કર્યાં છે. કોંગ્રેસ આ પાંચ રાજ્યોમાં પણ કર્નાટકની જેમ જ જાતજાતની યોજનાઓ લઈને આવી. રાજસ્થાનમાં ગેહલોત સરકાર દ્વારા એના શાસનકાળમાં કેટલીક યોજનાઓ લાગુ પાડી દેવાઈ હતી.

મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારે ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણી બધી યોજનાઓ જાહેર કરી. છેલ્લે તેલંગણમાં ચૂંટણી પ્રચાર પૂરો થવામાં આવ્યો ત્યારે વડા પ્રધાને આખા દેશમાં ૮૦ કરોડથી વધુ લોકો માટેની પ્રધાનમંત્રી અનાજ યોજના આવતાં પાંચ વર્ષ સુધી ચાલુ રાખવાની જાહેરાત કરી. એટલે આ પરિણામો એ પણ નક્કી કરશે કે, સરકારની તિજોરી પર આર્થિક ભાર સર્જતી આવી યોજનાઓ સત્તા અપાવી શકે છે કે કેમ? અને પક્ષોને એ ફાયદો કરાવે છે તો આવી યોજનાઓ ચૂંટણીમાં મોટો મુદો્ બની જશે એ નક્કી.

સામાન્ય રીતે એવું સમજવામાં આવે છે કે, રાજ્યોની ચૂંટણીમાં કેન્દ્રના મુદા્ કામ લાગતા નથી. પણ મોદી સરકાર દ્વારા કેન્દ્ર સરકારની સિધ્ધિઓ , ડબલ એન્જીન સરકારનો મુદો્ આગળ ધરવામાં આવે છે. બીજું કે, આ ચૂંટણીઓમાં હિંદુ – મુસ્લિમ મુદો્ અસરકારક રહ્યો કે કેમ એની પણ ખબર પડશે. કારણ કે, રામ મંદિરમાં પ્રતિષ્ઠા જાન્યુઆરીમાં થઇ રહી છે. એ મુદો્ પણ ભાજપે પોતાને ફાયદો થાય એ માટે પ્રચારમાં તરતો મૂક્યો હતો.

રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે મતદાન પૂર્ણ થયા બાદ એમ કહ્યું ય ખરું કે, હિંદુ મુસ્લિમ મુદો્ ચાલી ગયો તો ભાજપને ફાયદો થઇ શકે. બાકી કોંગ્રેસ સત્તા પર ફરી આવશે. રાજસ્થાનમાં કોઈ એક પક્ષ બીજી વાર સતત સત્તામાં આવતો નથી. તામીલનાડુની જેમ. શું ફરી એવું બનશે કે  કોંગ્રેસ આ માન્યતા તોડશે એ પણ પરિણામ નક્કી કરશે અને આથી મહત્ત્વની વાત એ કે, આ પરિણામોની આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પર કેટલી અસર થશે? આવા કેટલાક પ્રશ્નોના જવાબ તરફ એક્ઝીટ પોલ કોઈ ઇશારા કરે છે ? કે પરિણામો બાદ જ એ નક્કી થઇ શકશે?

કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે?
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ થોડા દિવસો માટે થયો પણ દિલ્હીમાં આપ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે યુદ્ધવિરામના કોઈ સંકેત મળતા નથી અને હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં જાય એવા સંજોગોના અણસાર આવી રહ્યા છે. દારૂબંધીની નીતિમાં સિસોદિયા તો જેલમાં જ છે. અગાઉ હવાલા મુદે્ એક મંત્રી જેલમાં હજુ ય છે. આપ સરકાર સામે સતત કેન્દ્રીય એજન્સીઓ તપાસ કરી રહી છે. હવે વાત અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી છે.

એમાં ય મુખ્યમંત્રી નિવાસના રીનોવેશનમાં લાખોના ખર્ચ મુદે્ ટીકાઓ થઇ અને એમાં ય તપાસની વાત આવી ત્યારથી અરવિંદ કેજરીવાલ નિશાન પર છે. અલબત્ કેજરીવાલની પ્રતિષ્ઠાને નુકસાન તો થયું છે . પણ હવે દારૂબંધીની નીતિમાં અરવિંદ કેજરીવાલને એજન્સીનું તેડું આવ્યું. કેજરીવાલ હજુ તો હાજર થયા નથી પણ હાજર થયા બાદ એની ધરપકડ પણ થઇ શકે છે.

એમાં દિલ્હી સરકારના મુખ્ય સચિવ નરેશકુમારને એક્સ્ટેન્શન આપવા મુદે્ આપ સરકાર કોર્ટમાં ગઈ પણ એમાં માત મળી છે. કેન્દ્ર સરકારે નરેશ કુમારને છ માસની વધુ અવધિ આપી છે અને એ એનો હક છે એવું કોર્ટે કહ્યું છે. પણ આપ સરકાર દ્વારા બે પ્રકરણમાં નરેશકુમાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપોનો અહેવાલ તૈયાર કર્યો એ મુદે્ એલજી દ્વારા તપાસ માટે મંજૂરી આપી નથી. આવું કેમ? તપાસ તો થઇ શકે જ છે. આપ સરકાર સામે તપાસ થઇ શકે તો એક અધિકારી સામે કેમ નહિ?

હવે આપ સરકારે કેજરીવાલની ધરપકડ થાય તો શું? એ મુદે્ આયોજન કરી લીધું છે. ૧ ડિસેમ્બરથી આ મુદે્ સહી અભિયાન શરૂ થવાનું છે. કેજરીવાલની ધરપકડ થાય અને એ જેલમાં જાય તો કેજરીવાલ રાજીનામું નહિ આપે, પણ જેલમાંથી સરકાર ચલાવશે એવું આપે સ્પષ્ટ કરી દીધું છે. સવાલ એ છે કે, શું કેન્દ્ર સરકાર કેજરીવાલને જેલમાં ધકેલશે? આપ અને ભાજ્પ વચ્ચે કાનૂની અને રાજકીય લડાઈ વધુ તીવ્ર બનવાના અણસાર છે.

સીલ્ક્યારા ટનલ : કંપની સામે કોઈ પગલાં કેમ નહિ?
ઉત્તર કાશીમાં સીલ્કયારા ટનલ દુર્ઘટનામાં શ્રમિકો   સહીસલામત બહાર આવી ગયા અને ઓપરેશન સફળ રહ્યું એ એક સિદ્ધિ છે અને એના યશભાગી ઘણા બધા છે. પણ આ ટનલ જેણે બનાવી એ કંપનીની બેદરકારીની ચર્ચા કેમ નથી થતી. નવયુગ નામની કંપનીએ આ કામ કર્યું છે. ૪.૫ કિલોમીટર લાંબી આ ટનલમાં બહાર નીકળવાનો કોઈ રસ્તો બનાવાયો નહોતો. બે રસ્તા બની શકે એમ હતા છતાં પણ ના બન્યા. એ માટે કંપની જવાબદાર છે કે પછી બીજું કોઈ? આ મુદે્ વાત થવી જોઈએ અને જવાબદાર સામે કાર્યવાહી થવી જોઈએ.
કૌશિક મહેતા  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top