Charchapatra

‘ધર્મ-અધર્મ અને રાજકારણ

પોતાના ધર્મ માટે દરેકને માન હોવું જોઇએ એનો અર્થ એવો નથી કે બીજાના ધર્મને અપમાનિત કરવાનો- કોઇને પણ લાયસન્સ મળી જાય. કોઇ પણ ધર્મ-અધર્મના પ્રચાર માટે નથી સ્થપાયો. સાંપ્રત સમય ધર્મ સાથે રાજકારણ ભળ્યું છે ત્યારે એક ધર્મના અનુયાયીઓ બીજા ધર્મની ટીકા કરીને એ ધર્મનું નિકંદન કાઢી નાંખવાની અધર્મ વાતો કરે છે. યુવાનો અને બાળકોને અત્યારથી જ શપથ લેવડાવે એવા વીડીઓ વાયરલ થયા છે ત્યારે ખરેખર દુ:ખ થાય છે. ગમે તેવા પ્રયત્ન કરે પણ કોઇપણ ધર્મનું નિકંદન શકય નથી. ઇતિહાસના પાના ઉથલાવીશું તો ફલીત થશે કે ઇસ્લામના ઉદયના વર્ષો પહેલા ભારતમાં બુદ્ધ ધર્મ અને જૈન ધર્મનો ઉદય થયો હતો.

એ સમયે પણ ધર્મ રાજકારણ સાથે ભળ્યો હતો. જૈન અને બૌદ્ધ ધર્મનું નિકંદન કાઢવામાં પ્રયત્નો થયા એટેલ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ પૂર્વના દેશોમાં શરણ લીધી હતી એટલે જ પૂર્વાચલ, મ્યાનમાર, ચીન અને તિબેટ જેવા દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર વધ્યો હતો અને આજે પણ અસ્તિત્વમાં છે. ધર્મ એ પ્રવૃત્તિ વિશેષ છે. એવી સમજણે માણસ જીવનને ‘અલગ’ કરીને જુવે છે. હકીકતમાં ધર્મપણ આપણાં જીવનનો એક ભાગ છે. ધર્મ આપણને સદવર્તન શીખવે છે પણ ધર્મને આપણે સદવર્તનના નિયમ તરીકે મૂલવવાનાં બાહ્યાચારોમાં જકડી લીધો છે. પરિણામે તે સ્પર્ધા, સંકીર્ણતા અને વ્યકિતપૂજામાં અટવાઇ ગયો છે.

કોઇ ધર્મ કે સંપ્રદાયના અનુયાયીઓ બનીને તે વ્યકિત ધર્મ માટે કંઇક કરી છૂટવા માંગે છે કારણકે એને એજ રીતે ઉકસાવવામાં આવ્યો છે. ઇશ્વર/ અલ્લાહની બંદગી કરવાના કરવાના બદલે મંદિરો અને મસ્જિદોના મહાલયો સર્જાય છે. પણ માનવતા વિસારાતી જાય છે. લોકો આજે ધર્મને મોભા અને શોખનો વિષય બનાવી રહ્યા છે. ધર્મ સાથે રાજકારણ ભળ્યું છે પોતાના ધર્મ વિષે ભલે કોઇને અભિમાન હોય પણ બીજા ધર્મને અપમાનિત કરવાનું કારણ તો તે ન જ બની શકે. એટલે જ કહેવાનું મન થાય છે કે, મેરા મઝહબ તો યે દો હથેલીયાં બતાતી હૈ, જૂડે ‘પૂજા’ હૈ, ખૂલે તો ‘દુવા’ કહલાતી હૈ.’ ઇશ્વર/ અલ્લાહ સૌને સદબુદ્ધિ આપે એ જ દુવા એજ પ્રાર્થના છે.
નવસારી           – નાદીરખાન- આ લેખમાં પ્રગટ થયેલ વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top