Entertainment

રકુલને પ્રેક્ષકોની પ્રીત જોઇએ

હિન્દીમાં આજકાલ સાઉથની ફિલ્મો અને પંજાબની હીરોઇનો જરા ચાલવી જોઇએ તેનાથી વધારે ચાલે છે. રકુલ પ્રીત સીંઘ પંજાબી છે અને ‘છત્રીવાલી’માં આવી રહી છે. આ ફિલ્મ સેકસ એજયુકેશનના એક હેતુ સાથે બની છે પણ ફિલ્મમાં ડ્રામા એ છે કે કોઇ યુવતી કે જે કેમિસ્ટ્રી જિનીયસ છે પણ બેકાર છે. તે યુવાનોને સેકસ જેવા વિષયને સમજાવવા માંગે છે. આ કામ સહેલું તો નથી પણ હેતુ શુધ્ધ છે તો પાર પડી શકે. ગયા વર્ષે રકુલ અભિનીત ‘એટેકદ, ‘રનવે 34’, ‘કટપૂતળી’, ‘ડોકટર જી’ અને ‘થેન્ક ગોડ’ રજૂ થઇ હતી. એક જ વર્ષમાં આટલી ફિલ્મો રજૂ થાય તે રકુલ માટે સારી બાબત કહેવાય.

હા, હજુ પ્રેક્ષકોમાં તે સેન્સેશન નથી બની. જેમ કિયારા અડવાણી યા રશ્મિકા મંદાના નજરે ચડી એવી નજરમાં વસી નથી પણ એ પાછી પડે તેમ નથી. આ વર્ષનો આરંભ તે ‘છત્રીવાલી’થી કરી રહી છે જેના કેન્દ્રમાં રકુલ જ છે. વિષય ઇન્ટ્રેસ્ટિંગ છે ને રકુલ પણ ઇન્ટ્રેસ્ટિંગ લાગી તો વાત બની જશે. આ વર્ષે તે કમલ હાસન સાથેની એસ. શંકર દિગ્દર્શિત ‘ઇન્ડિયન-2’ ભૂમિ પેડનેકર, અર્જુન કપૂર સાથેની ‘મેરે હસબન્ડ કી બીવી’ અને સાઉથની ‘અયાલાન’માં આવી રહી છે.

રકુલ પાસેની અપેક્ષા વધી ગઇ છે ને તેણે હવે એચિવ કરવું જ પડશે. નિર્માતાઓ ખોટ ખાઈને કોઇને તક ન આપી શકે. આમ જુઓ તો ‘છત્રીવાલી’ પછી ‘મેરે હસબન્ડ કી બીવી’ જ હિન્દી ફિલ્મ કહી શકાય. ‘ઇન્ડિયન-2’ સાઉથની છે અને સફળ રહી તો અલબત્ત પાન ઇન્ડિયા ફિલ્મ ગણાશે. રકુલને આવા રસ્તે ટોપ સ્ટાર પુરવાર થવું છે. પણ આ ‘છત્રીવાલી’ ફિલ્મ ઝીફાઇવ પર રિલીઝ થવાની છે. જેણે ટોપ પર જવું હોય તેની ફિલ્મો થિયેટર રિલીઝની અપેક્ષા રાખતી હોય છે. આ ફિલ્મ જો કે થિયેટર રિલીઝ માટેની સ્ટારકાસ્ટ પણ ધરાવતી નથી અને ફકત રકુલથી ફિલ્મ ચાલી જાય એવું હજુ શકય નથી. રકુલ બે પ્રકારની ફિલ્મોમાં ઝૂલ્યા કરે છે.

જો મોટા સ્ટાર્સવાળી ફિલ્મોમાં કામ કરે તો તેને એટલે કે ફિલ્મને સફળ થવાની શકયતા વધી જાય પણ ફિલ્મની સફળતા રકુલના નામે ચડે જ કે નહીં તે કહી નહીં શકાય. ને પોતાને કેન્દ્રમાં રાખતી ફિલ્મ હોય તો તેને સફળ કરવાની જવાબદારી વધી જતી હોય છે. આ કારણે જ તે અક્ષય કુમાર સાથે ‘મિશન સિન્ડ્રેલા’માં આવવાની છે. સફળતા પણ ફૂટબોલની ગેમ જેવી છે. બધાની વચ્ચે બોલને ચતુરાઇથી આગળ વધારી ગોલ કરવો પડે. રકુલ પ્રીત સીંઘ સાઉથની ફિલ્મોમાં ઘણી સફળ રહી છે પણ હિન્દી ફિલ્મો તેને હજુ હંફાવે છે. સારું એ છે કે તેને ફિલ્મો મળતી રહે છે. બાકી આજકાલ બોકસ ઓફિસ પર ધુમ્મસ છવાયેલું હોય તો ફિલ્મો મળવી સરળ નથી. •

Most Popular

To Top