Dakshin Gujarat

રાજપીપળાના ગેંગડીયા રોડ પર બાઈક ઉપર ઝાડની ડાળી પડતાં 6 વર્ષીય બાળકનું મોત

રાજપીપળા: (Rajpipla) પરિવાર સાથે મજુરી કામે જઈ રહેલાં શ્રમજીવીની મોટરસાયકલ (Bike) ઉપર ઝાડની ડાળી પડતાં તેમના 6 વર્ષીય પુત્રનું મોત નીપજ્યું છે, જ્યારે 8 વર્ષીય પુત્રી હજુ પણ બેભાન હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.

  • ગેંગડીયા રોડ પર બાઈક ઉપર ઝાડની ડાળી પડતાં 6 વર્ષીય બાળકનું મોત
  • પરિવાર સાથે મજુરી કામે જઈ રહેલાં શ્રમજીવીની મોટરસાયકલ ઉપર ઝાડની ડાળી પડી

મળતી માહિતી અનુસાર મુનીયાભાઇ ઉકડીયાભાઇ કનશીયા (રહે. ચીખોડા તા. સોંઢવા જી. અલીરાજપુર એમ.પી), પોતાની પત્ની ગોમતીબેન તથા પુત્ર વિશાલ (ઉ.વ.૬) તથા પુત્રી આશા (ઉ.વ.8) તથા પુત્રી સોનુ સાથે પોતાના ઘરેથી મજુરી કામ અર્થે પોતાની મો.સા. નંબર-GJ-06-EJ-9082 ઉપર અંકલેશ્વર જતા હતાં. તે વખતે ગેંગડીયા ગામ નજીક રોડની બાજુમા આવેલ ઝાડની ડાળ મોટરસાઈકલ પર પડતા મુનીયાભાઇ તથા તેની પત્ની ગોમતીબેનને ઇજા થઈ હતી. તેમજ પુત્ર વિશાલ તથા પુત્રી આશાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેઓને પ્રથમ સારવાર સરકારી દવાખાના તિલકવાડા ખાતે આપી વધુ સારવાર માટે વડોદરા ખાતે રીફર કર્યાં હતાં. જેમાં સારવાર દરમ્યાન વિશાલનું મોત નીપજ્યું હતું, જ્યારે આશા બેભાન હાલતમાં છે તેવું જાણવા મળ્યું છે.

બમ્પર પરથી બાઈક ઉછળી થાંભલા સાથે અથડાતા સવાર તરૂણનું મોત
ઉમરગામ : સોળસુંબા, ગંગાદેવી રોડ, શ્વેતા એપાર્ટમેન્ટમાં રહેતો રાજકુમાર પ્રદ્યુમન શર્માના મોટાભાઈ ઓમ પ્રકાશનો સાળો વિનિત મનજી શર્મા યુપીથી ફરવા માટે ઉમરગામ સોળસુંબા આવ્યો હતો. રાજકુમાર તેની ઈલેક્ટ્રિક દુકાન સામે બાઈક પાર્ક કરી તેની ચાવી ડ્રોઅરમાં મૂકી હતી. મોટાભાઈના સાળાએ તે ચાવી કાઢી ઓમપ્રકાશના દિકરા ક્રિષ્ના (ઉં.12) સાથે બાઈક લઈને નીકળ્યા હતાં. તેઓ સોળસુંબા, ગંગાદેવી અંબામાતા મંદિર પાસેથી પસાર થતા હતા, ત્યારે બમ્પ પર બાઈક ઉછળી લોખંડના સળિયા સાથે અથડાઈ હતી. જેમાં બંનેને માથાના ભાગે ઈજા પહોંચી હતી. તેઓને તરત જ રિક્ષામાં બેસાડી હોસ્પિટલ ખસેડાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે વાપી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ક્રિષ્ના શર્માને મૃત જાહેર કર્યો હતો. જે બનાવ અંગેની જાણ ઉમરગામ પોલીસ મથકમાં કરવામાં આવી હતી.

Most Popular

To Top