Entertainment

રાજ કપુર કે સુનીલ દત્તની જિંદગી નરગીસથી જેવી બની તેવી બની ન હોત

હિન્દી ફિલ્મ મોટું બજાર છે અને બજારનો નિયમ છે કે ત્યાં ધંધો જોવાય, પોતાનો ફાયદો જોવાય. એમાં ધંધો જ નીતિ, ધંધો જ મૂલ્ય. બસ, આ કારણે જ હિન્દી ફિલ્મમાં કામ કરનારાઓએ જે સમાજ, જે સંસ્કૃતિ રચી તે ભલે બજારના નિયમ પ્રમાણે હોય પણ હિન્દુસ્તાની સંસ્કૃતિ હતી. હવે થોડું બદલાયું છે, છતાં મુસ્લિમ અભિનેતા અભિનેત્રીઓને ખબર છે કે તેમની ફિલ્મો જોનારો મોટો વર્ગ તો હિન્દુ જ છે અને મુસ્લિમ તો અલબત્ત છે જ. કોઇ બીજાએ નથી સાચવ્યા એટલા આ હિન્દુ-મુસ્લિમને ફિલમવાળાઓએ સાચવ્યા છે. પણ અત્યારે એ વિશે વધુ નથી ઉમેરવું કારણ કે પહેલી જૂન નરગીસનો જન્મ દિવસ છે. નરગીસ, મીનાકુમારી, મધુબાલા, વહીદા રહેમાન આપણને બહુ ઓછો વખત મુસ્લિમ લાગ્યા છે.

અરે, તમે મહેબૂબ ખાનની ફિલ્મોના વિષય અને ટ્રીટમેન્ટ જુઓ તો પણ સમજાશે કે ત્યારે તેઓ હિન્દુસ્તાની મૂલ્યોમાં માનતા હતા. નરગીસથી માંડી વહીદા રહેમાન સાડી પહેરવામાં જ માનતા. તેઓ જેમના પ્રેમમાં પડયા તે હિન્દુ હતા. નરગીસ, મધુબાલા, વહીદા રહેમાન હિન્દુને જ પરણ્યા છે. સંજયદત્તે જયારે જેલમાં જવાનો વારો આવેલો ત્યારે બોલી પડેલો કે આખર મારામાં મુસ્લમાની લોહી છે. આમ કહેવું આઘાતજનક હતું. તે જાણે એમ કહેતો હતો કે મુસ્લમાન હોય એટલે ગુના કરી શકે. પણ નરગીસના પિતા મોહનચંદ ઉત્તમચંદ ત્યાગી પંજાબી હિન્દુ હતા અને નરગીસ પોતે પણ પંજાબી હિન્દુ સુનીલદત્તને જ પરણેલા. તેઓ જે રાજ કપૂરના પ્રેમમાં રહ્યા તે પણ હિન્દુ જ હતા.

સંજય દત્ત પોતે ત્રણવાર પરણ્યો. તેમાં ત્રીજી પત્ની જ મુસ્લિમ છે. તેનું નામ દિલનવાઝ શેખ હતું અને એક ટપોરી જેવા સાથે લગ્ન કરી ચૂકેલી હતી. સંજય દત્તે તેને નવું નામ આપ્યું માન્યતા દત્ત. સ્ત્રીના ગુણ છે કે પતિની જે ધાર્મિક યા સામાજીક માન્યતા હોય તેમાં ઢળી જાય છે એટલે હવે માન્યતા કયારેય મુસ્લિમ હોય એવું લાગતું નથી. માન્યતા સાથે પરણ્યા પહેલાનો સંજય દત્ત નરગીસને ય ગમ્યો ન જ હોય શકે. ‘મધર ઇન્ડિયા’ની માએ જે દિકરાને ગોળી મારવી પડેલી તેનાથી વધારે અપરાધ સંજય દત્તે કર્યા હતા તેવું કોઇ કહી શકે.

પરંતુ નરગીસ હંમેશા એક લડાઇ લડતા રહ્યા હતા. મા જદ્દનબાઇની ઓળખ કોઠા પર ગાનારીની હતી. જો કે જદ્દનબાઇ પણ પોતાની એ ઇમેજમાં રહેવા નહોતા માંગતા. એટલે જ તેમણે જીવનસાથીઓ બદલ્યા હતા. એ સમય જ એવો હતો કે ભારતમાં રહેનાર અને હિન્દુસ્તાની સંસ્કૃતિ સ્વીકારનારને થતું કે મારે કોઇ એક ધર્મની ઓળખ નથી જોઇતી. યુસુફ ખાન જે ઇસ્લામના જ પૂરેપૂરા આગ્રહી હોત તો ‘દિલીપકુમાર’ નામ અપનાવ્યું જ ન હોત. દિલીપ તો ઇશવાક વંશના મહાન હિન્દુ રાજા હતા. નરગીસનું ય નામ તો ફાતિમા રશીદ હતું, પણ નરગીસ નામ અપનાવેલું. નરગીસ એટલે હળવા પીળા રંગનું ફૂલ. આખરે નરગીસ હોય કે મીનાકુમારી યા મધુબાલા કે યહીદા રહેમાન તેમણે હિન્દુસ્તાની ઓળખ જ ઝંખી છે.

નરગીસે ‘તલાશ-એ-હક’થી શરૂઆત કરી ત્યારે ફકત છ વર્ષના હતા અને 14માં વર્ષે મહેબૂબ ખાનની ‘તકદીર’માં મોતીલાલ સાથે દેખાયેલા. 1943ની એ ફિલ્મ હતી અને 1948માં તેમણે ‘આગ’માં રાજ કપુર સાથે કામ કર્યું, જે તેમના જીવનનો બીજો મોટો વળાંક હતો. નરગીસે કોઇને સાચા હૈયાથી પ્રેમ કર્યો હોય તો તે રાજ કપુર જ હતા. એમ નથી કે સુનીલ દત્ત સાથેનો સંબંધ જૂઠા પ્રેમ આધારિત હતો. હકીકતે એ સંબંધ નરગીસે જીવનના સંજોગો આધારે સ્વીકાર્યો હતો. સ્વીકાર્યો ત્યારે પૂરા સમર્પિતભાવે તેઓ સુનીલ દત્તના થયેલા પણ તેમનો સ્વભાવિક પ્રેમ તો રાજ કપુર સાથેનો જ. તેમણે જીવનમાં કયારેય રાજ કપુરનો વિકલ્પ વિચાર્યો જ ન હતો. તેમણે તો છેલ્લી ઘડી સુધી એ સંબંધ બચાવવા પ્રયત્ન કરેલો અને મોરારજી દેસાઇ પાસે જઇ રાજ કપુર સાથે લગ્ન શકય છે કે નહીં તે તપાસી જોયેલું. હકીકતે તો તેઓ પરવાનગી માંગવા ગયેલા. જ્યારે શકય ન જ લાગ્યું અને સુનીલ દત્ત વ્યકિત તરીકે યોગ્ય લાગ્યાં. તો તેઓ પોતે મોટા સ્ટાર તો હતા પણ હજુ સંઘર્ષ કરતા સુનીલ દત્તને પરણવા તૈયાર થયેલા.

નરગીસના વ્યકિતત્વમાં એક ગ્રેસ હતો. ઊંડી માનવીય સમજ હતી. રાજ કપુર સાથે ‘આગ’, ‘બરસાત’, ‘અંદાઝ’, ‘પ્યાર’, ‘જાન પહેચાન’, ‘અનહોની’, ‘બેવફા’, ‘આશિયાના’, ‘અંબર’, ‘આહ’, ‘પાપી’, ‘ધૂન’, ‘શ્રી 420’, ‘ચોરી ચોરી’, ‘જાગતે રહો’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. રાજ કપુર પહેલા દિલીપ કુમાર સાથે તેમની જોડી જામી રહી હતી. પછી રાજજી જ તેમના કાયમી બની ગયા. તમે જોશો તો 1956માં ‘ચોરી ચોરી’ આવી ને પછી આઠેક ફિલ્મમાં જ કામ કર્યું છે. તેમણે ‘રાજ-નરગીસ’ની સ્ક્રિન ઇમેજ તોડવી નહોતી. ફિલ્મો પછી તો તેમણે પોતાની ઇમેજ જ બદલી નાખી. હા, ફિલ્મમેકર રાજ કપુરમાં જેમનું મોટુ પ્રદાન છે, તેમાં પ્રથમ નરગીસ પછી શૈલેન્દ્ર, શંકર-જયકિશન, મુકેશ, લતા, ખ્વાજા અહેમદ અબ્બાસ સહિતના નામો લઇ શકાય પણ તેમાં પ્રથમ તો નરગીસ જ છે.

એ જ નરગીસે પછી સુનીલ દત્તમાં નિર્માતા બનવાની એક દૃષ્ટિ અને સાહસ આપ્યા. નરગીસની ગેરહાજરીમાં તેમણે ‘નહેલે પે દહેલા’ જેવી ફિલ્મ બનાવેલી. તમે જુઓ કે રાજકપૂરે પણ નરગીસની ઓ.કે.માંથી વિદાય પછી ‘જિસ દેસમે ગંગા બહતી હૈ’, ‘સંગમ’, ‘મેરા નામ જોકર’ ફિલ્મો જ બનાવી અને તેમાંથી એકના દિગ્દર્શક પણ તેઓ નહોતા. નરગીસના વ્યકિતત્વને સમજો નહીં તો તે એક અભિનેત્રી યા રાજ કપુરના પ્રિયતમા, સુનીલ દત્તના પત્ની અને સંજય દત્ત, નમ્રતાના મા જ જણાશે. પણ તેમનામાં જીવન પર પ્રભાવ પાડે એવી નેતૃત્વશકિત હતી. તેમનામાં હિન્દુ- મુસ્લિમ ભેદ નહોતા. આઝાદીના સમયે પ્રતિષ્ઠા અને પ્રગતિવાદી સાહિત્યની ચળવળ ચાલી તેમાં આ ધાર્મિક ભેદ મિટાવી દેવાના પ્રયત્નો હતા. ફિલ્મોમાં આવા ભેદ મિટાવનારા નરગીસ, મીનાકુમારી, વહીદા રહેમાન વગેરે હતા. ખેર 1 જૂન નરગીસનો જન્મ દિવસ છે ને બે જૂન રાજ કપુરનો વિદાય દિવસ.

Most Popular

To Top