Entertainment

“શ્રદ્ધા” તૂટી રહી છે

સકસેસ પછી સકસેસ એવું કોઇ માટે હોતું નથી. દરેકને પોતાના ભાગની નિષ્ફળતા ભોગવવી જ પડે છે. અત્યારે શ્રદ્ધા કપૂર બરાબર એજ ભોગવી રહી છે. ઘણાની કારકિર્દી કોરોનાના કારણે પોતાની નિષ્ફળતાની હકીકત છૂપાવી શકી હતી પણ તમે તેની છેલ્લી સફળ ફિલ્મ ગણો તો 2016-17માં જવું પડે. જયારે ‘બાગી’, ‘હાફ ગર્લફ્રેન્ડ’ રજૂ થયેલી. ત્યાર પછી તેની એકેય ફિલ્મ એવી નથી જે સફળ રહ્યાનો તે દાવો કરી શકે. ‘હસીના પારકર’, ‘બતી ગુલ મિટર ચાલુ’, ‘સાહો’, ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’. હા, ‘બાગી-3’ હમણાં આવી પણ તેણે ય બોકસ ઓફિસ સાથે બગાવત કરી છે.

તેની કારકિર્દીમાં ‘આશિકી-2’થી મોટી ફિલ્મ કોઇ નથી અને એવી સફળતા તે દોહરાવી શકી નથી. શ્રદ્ધા ગ્લેમરસ, સેકસી લુક ધરાવતી નથી પણ તે શાહી એકટ્રેસ છે. પરંતુ લોકપ્રિય ફિલ્મોને ગ્લેમરનો ખપ હોય છે. બીજું કે તે ઋત્વિક, અક્ષય કુમાર, અજય દેવગણ વગેરે સાથે જોડી બનાવી શકે તેમ નથી. ટાઈગર શ્રોફ સાથે બનાવેલી જોડીમાં શ્રધ્ધાને નુકશાન ગયું છે. કારણ કે ટાઈગરની ફિલ્મમાં ત્રાડ તો ટાઈગરની જ હોવાની. તેમણે ડાન્સ ફિલ્મમાં ય પોતાને ગોઠવવા પ્રયત્ન કર્યો પણ એવી ફિલ્મો કાયમી ડિમાંડમાં નથી હોતી. પ્રભાસ સાથેની ‘સાહો’ પણ માર ખાય ગઇ અને વરુણ ધવન સાથેની ‘બતી ગુલ મિટર ચાલુ’થી તેનું મિરર ઓન ન થયું.

ગયા વર્ષે તેને આશા હતી કે ‘નાગીન’ ફૂંફાડો મારશે પણ પ્રેક્ષકોએ તેને સાચવીને મદારીની ટોપલીમાં મુકી દીધી.શું તેની ફિલ્મોની પસંદગી ખોટી હતી? કદાચ હા. તેણે ‘આશિકી-2’ પછી રોમેન્ટિક ફિલ્મો પકડી રાખવાની જરૂર હતી પણ તે પોતાની અભિનય પ્રતિભા દેખાડવામાં રોકાઇ ગઇ. સારા દિગ્દર્શકોએ તેને સારી ભૂમિકા જરૂર આપી પણ ફિલ્મ બોકસઓફિસ પર ધંધો ન કરે તો સારી ભૂમિકાનો શું ફાયદો? બન્યું એવું ય છે કે અત્યારે સારી ફિલ્મો દિપીકા પાદુકોણ, આલિયા ભટ્ટ, તાપસી પન્નુ વગેરેના ભાગમાં ચાલી જાય છે.

અન્ય ફિલ્મો માટે કંગના રણૌત, કિયારા અડવાણી વગેરે પ્રથમ પસંદ બને છે. હવે તો તેમાં રશ્મિકા મંદાના વગેરે પણ ઉમેરાઈ છે તો શ્રદ્ધાએ જવું કયાં? તમે એમ કહી શકો કે શ્રદ્ધાએ તેની અંગત લાઈફ પણ હોલ્ટ પર મુકી દીધી છે. તેના પ્રેમના કિસ્સા તો વધારે ચર્ચાતા નથી. હમણાં ફોટોગ્રાફર રોહન શેઠ સાથે તેણે લગ્ન કરી લીધાની અફવા ઉડેલી પણ શ્રદ્ધાના પિતા શક્તિકપૂર કહે છે કે રોહનની અમારા કુટુંબમાં આવનજાવન જરૂર છે પણ એવું કશું બન્યું નથી. પણ શ્રદ્ધા જો કહેશે કે મે કોઇ લાઈફ પાર્ટનર પસંદ કર્યો છે તો અમે તરત હા પાડીશું. •

Most Popular

To Top