National

મોદીએ કર્યા આદિ કૈલાશના દર્શન, આમ કરનાર દેશના પહેલાં વડાપ્રધાન બન્યા

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PMModi) આજે 12 ઓક્ટોબર ગુરુવારના રોજ ઉત્તરાખંડમાં (Uttarakhand) પિથૌરાગઢના (Pithoragadh) કૈલાશ (Kailash) વ્યૂ પોઇંન્ટથી આદિ કૈલાશ પર્વતના દર્શન કર્યા હતા. આ વ્યૂ પોંઇન્ટ પિથૌરાગઢના જોલિંગકોંગ વિસ્તારમાં છે, જ્યાંથી કૈલાશ પર્વત સ્પષ્ટ નજરે પડે છે.

હવે કૈલાશ દર્શન માટે ચીનના કબ્જાવાળા તિબેટમાં જવાની જરૂર નથી. અહીંથી 20 કિમી દૂર ચીનની સરહદ શરૂ થઇ જાય છે. નરેન્દ્ર મોદી દેશના એવાં પહેલાં પ્રધાનમંત્રી છે જેમણે ઉત્તરાખંડની ભારત-ચીન સરહદ પર જઇ પવિત્ર કૈલાશ પર્વતના દર્શન કર્યા. ત્યાં તેઓ ધ્યાનમાં પણ બેઠાં હતાં. આ સાથે મોદીએ પાર્વતી-કુંડમાં પૂજા-અર્ચના કરી હતી. અને ત્યાંના શિવ-શક્તિ મંદિરમાં આરતી પણ કરી હતી. આ દરમિયાન પૂરાં ભક્તિ-ભાવમાં લીન થઇ એમણે ડમરું અને શંખ પણ વગાડ્યા અને બહાર બેઠા શિવજીના પ્રિય નંદી મહારાજની પણ પૂજા કરી હતી.

14000 ફૂટ ઉપર સ્થિત ગુંજી ગામમાં પહોંચ્યા પીએમ મોદી
કૈલાશ દર્શન બાદ પીએમ મોદી ઉત્તરાખંડના ધારચુલાથી 70 કિલોમીટર દૂર અને 14000 ફૂટની ઉંચાઈ પર આવેલા ગુંજી ગામમાં પહોંચ્યા હતા. અહીં તેઓ સ્થાનિક લોકોને મળ્યા અને તેમના આશીર્વાદ લીધા હતા. ત્યાં તેમણે સરહદ પાસેના જવાનોની પણ મુલાકાત લીધી હતી. ત્યાર બાદ અલ્મોડાના જાગેશ્વરધામના દર્શન કર્યા હતાં. ત્યાં પણ તેમણે પૂજા-અર્ચના અને આરતી કરી હતી. પીએમએ પિથૌરાગઢમાં ગ્રામીણ વિકાસ, રસ્તા, વીજળી, સિંચાઈ, પીવાનું પાણી, બાગાયત, શિક્ષણ, આરોગ્ય અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રો સાથે સંબંધિત લગભગ 4200 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

ગુંજી ગામને શિવધામ તરીકે ડેવલપ કરાશે
ગુંજી ગામ વ્યાસ ખીણમાં સુરક્ષિત જમીન પર આવેલું છે, જ્યાં ન તો ભૂસ્ખલનનો ખતરો છે કે ન તો પૂરનો. હાલમાં અહીં માત્ર 20 થી 25 પરિવારો જ રહે છે, જેમનું જીવન નિર્વાહ મુશ્કેલીથી થાય છે. પિથૌરાગઢના ડીએમ રીના જોશીના કહ્યાં મુજબ, નાભિધંગ, ઓમ પર્વત અને કૈલાશ વ્યુ પોઈન્ટનો રસ્તો ગુંજીની જમણી બાજુથી જાય છે, જ્યારે આદિ કૈલાશ અને જોલીકોંગનો રસ્તો ડાબી બાજુથી જાય છે. તેથી આ ગામ કૈલાસ યાત્રીઓની સુવિધા માટે યોગ્ય છે. તેથી આગામી બે વર્ષમાં આ ગામને એક મોટી ધાર્મિક નગરી શિવધામ તરીકે વિકસાવવામાં આવશે. કેમકે ધારચુલા પછી આવતા શ્રદ્ધાળુઓ માટે કૈલાશ વ્યુ પોઈન્ટ, ઓમ પર્વત અને આદિ કૈલાશના દર્શન કરવા આ સૌથી મોટો અને મહત્વપૂર્ણ સ્ટોપ હશે.

Most Popular

To Top