SURAT

કારીગરોના દિવાળીના પગાર માટે રાખેલા રૂપિયા સાથે થયું કંઈક આવું..

સુરત: ખટોદરા ઇશ્વરનગરમાં આવેલા કારખાનામાં પાછળની બારીમાંથી બુકાનીધારી ચોરે (Thief) પ્રવેશ કરી કબાટનું લોક (Lock) તોડી રોકડા રૂ.3.25 લાખ ચોરી ગયાની ફરિયાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધવામાં આવી હતી. ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પરવટ પાટિયા ખાતે અંબિકાનગરમાં રહેતા 38 વર્ષીય સુરજભાણ સુખારામ બોદુરામ લોરા ખટોદરા ઇશ્વરનગરમાં બ્લાઉઝ બનાવવાનું કારખાનું ધરાવે છે. તેને ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 9 ઓકટોબરે રવિવાર હોવાથી કારખાનું રાતે સાડા નવ વાગ્યાના બદલે સાંજે ૬ વાગ્યે કારીગર અપુર્બા સરકાર કારખાનું બંધ કરી ચાવી પોતાની સાથે લઇ ગયો હતો. બીજા દિવસે કારીગર સુબોધકુમારે કારખાનાનો દરવાજો ખોલતા ઓફિસનો કબાટ ખુલ્લો હતો. અને કબાટનું લોક તૂટેલી હાલતમાં હતું. જેથી સુબોધે તરત જ કારખાના માલિક સુરજભાન સુખારામ બોદુરામ લોરાને જાણ કરી હતી. તેમણે કબાટ ચેક કરતા તેમાંથી કારીગરોના પગારના રૂ. 3.25 લાખ ગાયબ હતા. કારખાનામાં સીસીટીવી ચેક કરતા રાતે ત્રણ વાગે બુકાનીધારી યુવાન કારખાનાની પાછળ બારી પાસેથી અંદર પ્રવેશ કર્યાનું જોવા મળે છે.

સચિનના તલંગપુરમાં શાળા સંચાલકના મકાનમાં તસ્કરે ધાપ મારી
સુરત : સચિનના તલંગપુરમાં રહેતા શાળા સંચાલકના મકાનમાંથી બે દિવસ પહેલા સોનાના દાગીના અને 3 મોબાઈલ ફોન મળી 4.76 લાખની ચોરી થયાની ફરિયાદ સચિન જીઆઈડીસી પોલીસમાં નોંધાઈ હતી. સચિન જીઆઈડીસી તલંગપુર ખાતે સિધ્ધિગણેશ ટાઉનશીપમાં રહેતા 32 વર્ષીય અભિલાસ ફુલચંદ ગુપ્તા સચિન જીઆઈડીસી શ્રીનાથનગરમાં જેપીજી પબ્લિક ઇંગ્લિશ સ્કુલ ચલાવે છે. તથા સિક્યુરીટી સર્વિસ પણ ચલાવે છે.

ગત 18 તારીખે રાત્રે પરિવાર સાથે ઘરના અલગ અલગ રૂમમાં સુઈ ગયા હતા. સવારે ત્રણ વાગે અભિલાસના ભાઈએ બૂમાબૂમ કરતા બધા જાગી ગયા હતા. શુ થયુ તે અંગે પુછતા તેમના મોબાઈલ મળતો નહીં હોવાનું કહ્યું હતું. રૂમમાં લાકડાના કબાટમાં ચેક કરતા સોના ચાંદીના દાગીના તેમજ ત્રણ મોબાઈલ ફોન ઘરમાંથી ગાયબ હતા. સીસીટીવીમાં જોતા અજાણ્યો ચોર મકાનના પાછળના ભાગે આવેલી ગ્રીલનો દરવાજો ખોલી બેડરૂમમાં આવ્યો હતો. અને સ્લાઈડર બારી ખુલ્લી હોવાથી બારીમાંથી રૂમમાં પ્રવેશ કરી રૂમમાં મુકેલા લાકડાનો કબાટ ખોલી ચોરી કરી નાસી ગયો હતો. શાળા સંચાલકે સચિન જીઆઈડીસી પોલીસમાં કુલ રૂપિયા ૪,૭૬,૨૦૦ ના મત્તાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top