SURAT

18મી તારીખે PM મોદીના હસ્તે ખાતમુહૂર્ત થતાં જ શહેરનાં આ બે રૂટ માટે મેટ્રો રેલની કામગીરી શરૂ

સુરત: (Surat) સુરત માટે મહત્વકાંક્ષી એવા મેટ્રો રેલ પ્રોજેકટના (Metro Rail Project) પ્રથમ રૂટ સરથાણાથી ડ્રીમ સીટી પૈકી કાદરશાની નાળથી ડ્રીમ સિટીના 11.6.કિ.મી.ના એલિવેટેડ રૂટના પ્રથમ પેકેઝ માટે 779.73 કરોડનું સૌથી લોએસ્ટ ટેન્ડરર સદભાવના એન્જી. તેમજ એસ.પી.સીંગલાનું જોઇન્ટ વેન્ચર ટેન્ડર મંજૂર કરાયું છે. જયારે મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સાત કિ.મી.ના અંડરગ્રાઉન્ડ રૂટ કાપોદ્રાથી ચોકબજાર સુધીના અંડર ગ્રાઉન્ડ પૈકી ચોકબજાર રેમ્પથી સુરત સ્ટેશન સુધીના પેકેઝ :3 ના 3.47 કિ.મી. રૂટના નિર્માણ માટે જે કુમાર ઇન્ફ્રા. નામની અજેન્સીના 866 કરોડના ટેન્ડરને મંજૂરી સાથે બંનેને વર્ક ઓર્ડર (Work Order) આપી દેવામાં આવ્યા છે. જયારે પેકેજ : 2માં સુરત સ્ટેશનથી કાપોદ્રા રેમ્પ સુધીના 3.51 કિ.મી.ના કામ માટે પણ બે ત્રણ દિવસમાં વર્કઓર્ડર જારી કરી દેવાય તેવી શકયતા છે. આ ત્રણેય કામો માટે 30 માસની સમયમર્યાદાના પણ નકકી કરી દેવાઇ છે. આ વર્કઓર્ડરને પગલે હવે ખાતમુહૂર્ત થવાની સાથે જ મેટ્રો રેલ માટેની કામગીરી ધમધમતી થઈ જશે.

અત્રે ઉલ્લખનીય છે કે આાગામી તા.18મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત થનાર છે. તે પહેલા આ એજન્સીઓને વર્ક ઓર્ડર આપી દેવાયો હોય હવે આ પ્રોજેકટના નિર્માણ શરૂ કરવામાં કલાકો ગણાઇ રહ્યા હોય તેવો માહોલ છે. આ પ્રોજેકટમાં કાદરશાની નાળથી ડ્રીમ સિટી સુધીના 11.6 કિ.મી. રૂટ પૈકી સદભાવ એન્જિનિયરિંગ લિમિટેડ 74 ટકા બાંધકામનું કામ પૂર્ણ કરશે, જ્યારે એસપી સિંગલા કન્સ્ટ્રક્શન 26 ટકા કામ પૂર્ણ કરશે. જેમાં 11 એલીવેટેડ સ્ટેશનોનો સમાવેશ થાય છે.

જેને કોન્ટ્રાક્ટ અપાયા છે તે તમામ કોન્ટ્રાકટરોને મોટા પ્રોજેકટનો અનુભવ છે
સુરત મેટ્રો રેલનું કામ કરનારી એજન્સીઓ પૈકી જે.કુમાર ઇન્ફાએ અગાઉ અંડરગ્રાઉન્ડ મેટ્રો, સ્કાય વોક, હાઇવે વગેરેના કામો કર્યા છે. જયારે એસ.પી. સીંગલાએ ઇસ્ટર્ન પેરિફેરલ એક્ષ્પ્રેસ વે, જોધપુર રિંગરોડ, રાષ્ટ્રીય રાજમાર્ગ ભચાઉ-સામખીયાળી તેમજ રાંચીમાં રિંગરોડના પ્રોજકેટ કર્યાનો અનુભવ ધરાવે છે. જો કે સુરત જેવા ગીચ શહેરમાં કામ કરવાનો અનુભવ આ એજન્સીઓ માટે ઘણો અઘરો બની રહે તેવી શકયતા છે. જો બધુ સમસુતરું પાર ઉતરશે તો 18 મી જાન્યુઆરીએ સુરત મેટ્રો માટે શિલાન્યાસ કરાયા બાદ પ્રોજેકટ ઝડપથી તૈયાર થશે. સંભવત: વર્ષ 2022થી 2023ની મધ્ય સુધી, આ ભાગ લગભગ પૂર્ણ થઈ જશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top