Business

પેટીએમએ 1000 કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા

નવી દિલ્હી: વર્ષ 2023ના અંતમાં માત્ર 6 દિવસ બાકી છે અને નવા વર્ષ એટલે કે 2024ને આવકારવા દેશભરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઘણી નાની-મોટી કંપનીઓમાં નવા વર્ષની ઉજવણીનો માહોલ છે, પરંતુ ઓનલાઈન પેમેન્ટ સર્વિસ આપતી દિગ્ગજ કંપની પેટીએમ (Paytm)ના મેનેજમેન્ટે નવું વર્ષ શરૂ થતા પહેલા જ પોતાના કર્મચારીઓને મોટો ઝટકો આપ્યો છે.

ખરેખર પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સે 1000 થી વધુ કર્મચારીઓની છટણી કરી છે. એક અહેવાલમાં એવી વિગતો બહાર આવી છે કે વર્ષ 2023 ના અંત પહેલા જ પેટીએમએ મોટી છટણી કરી છે. કંપનીએ 1000 થી વધુ કર્મચારીઓને એક જ ઝાટકે બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. પેટીએમએ ખર્ચ ઘટાડવા અને વ્યવસાયને સુવ્યવસ્થિત કરવાની પ્રક્રિયાના ભાગરૂપે આ મુખ્ય છટણી કરી છે. આ સાથે આગામી દિવસોમાં આવા વધુ નિર્ણયો લેવામાં આવી શકે છે તેવા સંકેત પણ આપવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, આ છટણીઓ છેલ્લા કેટલાક મહિનામાં થઈ છે.

વિજય શેખર શર્માની કંપની પેટીએમમાં ​​લીધેલા છટણીના આ નિર્ણયથી પેટીએમના લગભગ 10 ટકા કર્મચારીઓને અસર થઈ છે. હવે પેટીએમનું નામ પણ તાજેતરના ભૂતકાળમાં ફિનટેક કંપનીઓમાં મોટી છટણીમાં સામેલ થઈ ગયું છે. રિપોર્ટ અનુસાર, પેટીએમમાં આ છટણીને કારણે કંપનીના લોન બિઝનેસ સાથે સંબંધિત વિભાગ સૌથી વધુ પ્રભાવિત થયો છે.

કંપનીના પ્રવક્તાએ કહ્યું કે પેટીએમ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કર્મચારીઓના ખર્ચમાં 10 થી 15 ટકાનો ઘટાડો કરવાનું લક્ષ્ય ધરાવે છે. તેમણે કહ્યું કે છટણીથી પ્રભાવિત મોટાભાગની પોસ્ટ્સ એવી છે કે જેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા બદલવામાં આવી છે. જો કે, આ છટણી વિશે ખુલાસો કરતી વખતે, પ્રવક્તાએ એમ પણ કહ્યું છે કે પેટીએમ પેમેન્ટ બિઝનેસમાં કર્મચારીઓની સંખ્યા આગામી વર્ષમાં 15,000 સુધી વધારી શકાય છે.

Most Popular

To Top