Feature Stories

પતિઓ શું માને છે? વટ સાવિત્રીનું વ્રત પત્નીએ કરવું જોઈએ કે નહીં ?

સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત રાખે છે. માન્યતા છે કે, આ દિવસે સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજ પાસેથી પાછા મેળવેલા. આથી આ દિવસે વ્રત રાખવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પહેલાંના સમયમાં તો મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે અને પતિની સલામતી-સુરક્ષા માટે આ વ્રત કરતી હતી. પણ હવેનો સમય એવો છે કે લગ્નો જિંદગી પર ટકતા જ નથી ડિવોર્સના કેસ વધી ગયા છે. નાની-નાની વાતોમાં ઝગડા ઉગ્ર સ્વરૂપ લઈ લે છે. આવા બદલાતાં માહોલની વચ્ચે પતિ ઈચ્છે છે ખરા કે,તેની પત્નીએ વટ સાવિત્રીનું વ્રત કરવું જોઈએ? પત્ની માને છે કે વ્રત કરવું આવશ્યક છે કે પછી માત્ર દેખાદેખીમાં વ્રત કરે છે? કે પોતાનાં મમ્મી- પોતાની સાસુ વ્રત કરે છે એટલે મમ્મી અને સાસુના સમયથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવા માટે વ્રત કરે છે? આવો આપણે જાણીએ સુરતના પતિઓ શું માને છે કે, તેમની પત્નીએ તેમના માટે વ્રત રાખવું જોઈએ કે નહીં?

વ્રત કરવું જોઈએ પણ દબાણ નથી: ભૂપેશભાઈ દેસાઈ
શહેરના હનીપાર્ક વિસ્તારમાં રહેતાં અને રિટાયર્ડ લાઈફને એન્જોય કરી રહેલાં ભૂપેશભાઈ દેસાઈ કહે છે કે, ‘‘વ્રત કરવું જોઈએ પણ પત્નીને વ્રત કરવા માટે ક્યારેય દબાણ નથી કરતા.’’ 68 વર્ષના ભૂપેશભાઈ કહે છે કે, ‘‘તેમની 65 વર્ષની પત્ની ઇલાબેનના આ સંસ્કાર છે કે તે વર્ષોથી તેમના સમાજમાં ચાલી આવતી આ પરંપરાને અત્યારે આ ઉંમરે પણ વળગી રહ્યાં છે. તેઓ અનાવિલ બ્રાહ્મણ છે. તેમના સમાજની મહિલાઓ વટ સાવિત્રીનું વ્રત કરે જ છે. આ પરંપરાનું અનુસરણ તેમનાં પત્ની ઇલાબેન પણ કરી રહ્યાં છે. આ વ્રત કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે છે.’’ જ્યારે તેમના પત્નીએ લગ્ન બાદ પહેલી વાર વટ સાવિત્રીનું વ્રત કરેલું ત્યારે તેઓ પત્ની માટે મોગરાનાં ફૂલોનો ગજરો લઈને ગયા હતા. હવે પત્ની જ્યારે વ્રત કરે છે ત્યારે તેઓ પત્નીને જ્યુસ પીવડાવીને વ્રત ખોલાવે છે. ભૂપેશભાઇ માને છે કે તેમની પત્નીએ આ વ્રત કરવું જોઇએ

મારી પત્નીનું આ પહેલું વટ સાવિત્રીનું વ્રત છે, પણ કરવું નહીં કરવું એની પર ડીપેન્ડ છે: દીપ ટેલર
ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના બિઝનેસ સાથે જોડાયેલાં 26 વર્ષીય દીપ ટેલરે કહ્યું કે, ‘‘મારા અને મેહાલીના મેરેજને ચાર મહિના થયા છે. પત્ની મેહાલી માટે વટ સાવિત્રીનું આ વ્રત પહેલું જ છે. તે વ્રત કરવાની છે પણ મેં તેની પર જ છોડ્યું છે કે તેણીએ આ વ્રત કરવું કે, નહીં. તેણે તેના આરોગ્યને ધ્યાનમાં રાખીને વ્રત કરવું કે નહીં તે ડીસાઈડ કરવું જોઈએ.’’

શ્રદ્ધાનો વિષય છે: પીન્ટુભાઈ મોદી
અડાજણ વિસ્તારમાં રહેતાં અને સીરામિક્સ ટાઇલ્સના બિઝનેસ સાથે સંકળાયેલા 39 વર્ષના પીન્ટુભાઈ મોદી કહે છે કે, ‘‘આ શ્રદ્ધાનો વિષય છે. તેમના લગ્નને 15 વર્ષ પૂરાં થયાં છે. તેમની પત્ની રશ્મિ 15 વર્ષથી વટ સાવિત્રીનું વ્રત કરે છે. પત્નીની આ ધાર્મિક આસ્થા છે એટલે હું પણ માનું છું કે આ વ્રત કરવું જોઈએ. આનાથી ભગવાન પ્રત્યે પણ આસ્થા વધે છે. ઘરમાં સુખ-શાંતિ આવે છે. હા, પણ પત્નીને વ્રત કરવા માટે ક્યારેય દબાણ નથી કર્યું. જયાં સુધી તેનું મન હોય ત્યાં સુધી વ્રત કરે. મારા માટે પત્ની વ્રત રાખે છે એટલે હું પણ ફરજના ભાગરૂપે પત્નીને મંદિર લઈ જાઉં છું. ફરવા પણ લઈ જાઉં છું.’’

પત્નીને વ્રત માટે સહકાર આપું છું, પણ ફોર્સ નથી કરતો: રોમીલ ગાંધી
સરકારી નોકરી કરતા 33 વર્ષના રોમીલ ગાંધી કહે છે કે, ‘‘તેમની પત્ની રિચા 8 વર્ષથી તેમના દીર્ઘાયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરે છે. હું પત્નીને વ્રત માટે ફોર્સ કદાપિ નથી કરતો પણ સહકાર જરૂર આપું છું. પત્નીની તબિયત ઠીક નહીં હોય તો ઉપવાસ નહીં કરવો જોઈએ એવું હું માનું છું. પત્ની વ્રત કરે છે ત્યારે તેને ભાવતું ફ્રૂટ મળી રહે તે માટે અરેજમેન્ટ કરું છું.’’

ખુશીથી વ્રત કરે કોઈ ફોર્સ નથી: કૃણાલ ચૌધરી
વ્યવસાયે પ્રોફેસર 34 વર્ષના કૃણાલ ચૌધરીએ કહ્યું કે, ‘‘મારી પત્ની રિચા એની ખુશીથી વ્રત કરે છે હું એને વ્રત માટે ફોર્સ નથી કરતો. ધાર્મિક માન્યતાનો વિષય છે. મારા પરિવારની પરંપરાને મારી પત્ની જાળવી રાખવા માંગે છે. અમારા મેરેજને ત્રણ વર્ષ થયાં છે. 3 વર્ષથી મારી પત્ની રિચા આ વ્રત કરી રહી છે.’’ જો એની તબિયત ખરાબ હોય તો હું તેને સામેથી જ ઉપવાસ કરવા માટે ના પાડી દઉં છંુ.

વ્રત કરવું જોઈએ, આસ્થાનો વિષય છે: જિજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ
53 વર્ષીય જિજ્ઞેશભાઈ યાર્ન અને લુમ્સમાં સર્વિસ કરે છે. તેઓ કહે છે કે, ‘‘હું માનું છું કે વ્રત કરવું જોઈએ. આ શ્રદ્ધાનો વિષય છે, ધાર્મિક આસ્થાનો વિષય છે. અમારા સમાજની મહિલાઓ આ વ્રત ભક્તિભાવપૂર્વક કરે છે. સમાજનું અનુસરણ મારી 49 વર્ષીય પત્ની નીતા કરે છે. હું પત્નીને સપોર્ટ કરું છું. તેને ભાવતા ફ્રૂટની વ્યવસ્થા કરું છું. એને આ દિવસે મનગમતાં ડ્રેસ-કપડાંની ભેટ આપું છું. મારી પત્ની નીતા 29 વર્ષથી આ વ્રત કરે છે.’’

ગયા વર્ષે પત્ની બીમાર પડી હતી એટલે આ વર્ષે વ્રત કરવાની ના પાડી: દર્શન પટેલ
ઓલપાડમાં રહેતા 29 વર્ષીય દર્શન પટેલ કહે છે કે, ગત વર્ષે પત્ની ભાવિકાએ વ્રત રાખ્યું હતું. પણ તે બીમાર પડી ગઇ હતી. એટલે આ વર્ષે મેં સામેથી મારી પત્નીને ના પાડી દીધી છે. સ્વાસ્થ્ય વધારે મહત્ત્વનું છે. દેખાદેખી કરવાની જરૂરત નથી. તેમના લગ્નને હજી બે વર્ષ પૂરા થયા છે. પત્નીને પહેલાં જ વ્રતમાં ચક્કર આવ્યા લાગ્યા હતા. તેની કથળતી તબિયત જોઇને મને એવું લાગ્યું મારા માટે પત્ની વધારે મહત્ત્વની છે. તો હવે એને સાચચવી એ મારી પહેલી ફરજ છે. એટલે તબિયત ઠીક રહેશે તો હવે પછીના વર્ષોમાં તે અા વ્રત તેની મરજી હશે તો કરશે.

સમય ભલે બદલાયો છે. લોકો આધુનિકતા તરફ વળી રહ્યા છે. વિચારસરણી બદલાઈ છે. અમુક પરંપરાઓને વિસારે પાડી દેવામાં આવી છે પણ આજની આધુનિક બનેલી નારીમાંથી મોટાભાગની સ્ત્રીઓ પતિના આયુષ્યની આવરદા વધે તે માટે વ્રત શ્રદ્ધા સાથે કરે છે અને પતિ પણ માને છે કે વ્રત કરવામાં કોઈ વાંધો નથી. આ એક ધાર્મિક માન્યતા છે તેને વળગી રહેવામાં કોઈ વાંધો નથી પણ સ્વાસ્થ્ય ઉપવાસ કરવાથી કથળતું હોય તો ઉપવાસ નહીં કરવા જોઈએ. મોટા ભાગના પતિઓ તો માને છે કે પત્નીએ વ્રત કરવું જોઇએ.પણ જયારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ પત્ની માટે વ્રત ઉપવાસ કરશે તો તેમનો જવાબ એવો જ હતો કે તેમનાથી વ્રત નહીં થાય.

Most Popular

To Top