World

પાકિસ્તાનના જજનો બળજબરીથી ઈસ્લામ કબૂલ કરનાર હિંદુ સગીરાને તેનાં માતા-પિતા સાથે મોકલવાનો ઇનકાર

કરાચી: પાકિસ્તાનના (Pakistan) સિંધ પ્રાંતમાં કથિત રીતે અપહરણ (Kidnapping) કરાયેલી, બળજબરીથી ઈસ્લામમાં (Islam) ધર્મપરિવર્તન કરીને એક મુસ્લિમ પુરુષ સાથે લગ્ન (Marriage) કરનારી 14 વર્ષની એક હિંદુ છોકરી એક જિલ્લા અદાલતમાં હાજર થઈ હતી ત્યારે જજે તેણીની ઇચ્છા હોવા છતાં તેણીને તેનાં માતાપિતા સાથે મોકલવાનો ઇનકાર કર્યો હતો. 14 વર્ષીય સોહાના શર્મા કુમારીનું 2 જૂને દક્ષિણ સિંધ પ્રાંતના બેનઝીરાબાદ જિલ્લામાં તેના ઘરેથી તેના શિક્ષક અને તેના સાથીઓએ તેની માતાની નજર સામે જ કથિત રીતે બંદૂકના નાળચે અપહરણ કર્યું હતું.

સગીરાના પિતા દિલીપ કુમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેની પુત્રી સોહાનાનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં, સોહાના એક વીડિયોમાં દેખાઈ હતી, જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે તેણે ઈસ્લામ કબૂલ કર્યો છે અને એક મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કર્યાં છે. જોકે, સોહાનાનાં માતા-પિતાએ આગ્રહ કર્યો હતો કે તે સગીર છે.

સોશિયલ મીડિયા પર ભારે હોબાળો બાદ બાળકીનું અપહરણ થયાના પાંચ દિવસ બાદ જિલ્લાના એક ઘરમાંથી પોલીસે બાળકીને શોધી કાઢી હતી. સોહાનાને શુક્રવારે લરકાનાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં લાવવામાં આવી હતી જ્યાં તેણે તેના નિવેદનમાં ન્યાયાધીશને જણાવ્યું હતું કે, તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બળજબરીથી ઈસ્લામ કબૂલ કરાવવામાં આવ્યો હતો અને તે તેનાં માતાપિતા સાથે જવા માંગે છે. જોકે, ન્યાયાધીશે સુનાવણી 12 જૂન સુધી મુલતવી રાખી હતી અને કહ્યું હતું કે, તેણી નિવેદન આપતી વખતે દબાણમાં હોવાનું જણાયું હતું અને તેણીને મહિલાઓ માટેના આશ્રય ગૃહમાં મોકલી આપી હતી.

સોહાનાની માતા જમના શર્માએ કોર્ટમાં મીડિયાને જણાવ્યું હતું કે, તેની પુત્રી ઘરે ટ્યુશન લેતી હતી અને થોડા દિવસો પહેલાં શિક્ષકે તેને કહ્યું હતું કે તેને 100,000 રૂપિયાની લોનની જરૂર છે. જમનાએ કહ્યું કે, “જ્યારે મારી પુત્રીએ મને આ વિશે કહ્યું ત્યારે મેં શિક્ષકને કહ્યું કે તેણે સોહાના સાથે આવી બાબતોની ચર્ચા ન કરવી જોઈએ અને તે ચાલ્યો ગયો, પરંતુ તે એક દિવસ પછી કેટલાક લોકો સાથે પાછો ફર્યો અને તેને બળજબરીથી બંદૂકના નાળચે જબરજસ્તી સોહાનાને ઉઠાવી ગયો હતો. મેં તેને વિનંતી કરી કે પૈસા અને દાગીના લઈ લો પણ મારી દીકરીને છોડી દો, પણ તેઓએ સાંભળ્યું નહીં.”

સગીરાના પિતાએ મીડિયાને જણાવ્યું હતું કે, ”મારી પુત્રીએ ઈસ્લામ અંગીકાર કર્યો છે અને પોતાની મરજીથી મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કર્યાં છે તે સાબિત કરવા માટે આરોપીએ રજૂ કરેલા તમામ દસ્તાવેજો નકલી છે.” સિંધના અંતરિયાળ વિસ્તારોમાં યુવાન હિંદુ છોકરીઓનું અપહરણ અને બળજબરીથી ધર્મ પરિવર્તન હિંદુ પરિવારો માટે ખતરો બની ગયો છે.

Most Popular

To Top