Top News

More Posts

   The Latest

Most Popular

સુરત: સુરતમાં મેટ્રો રેલ માટે હાલમાં જીઓ ટેકનિકલ ઈન્વેસ્ટિગેશનની કામગીરી ચાલી રહી છે. સાથે સાથે મેટ્રો રેલના ટ્રેક અને સ્ટેશન માટેની ડિઝાઈનો પણ તૈયાર કરવામાં આવી રહી છે. જેવું જીઓ ટેકનિકલ ઈન્વેસ્ટિગેશન પુરૂં થશે કે તુરંત આ ડિઝાઈનને આખરી ઓપ આપી દેવામાં આવશે. ડિઝાઈન એટલા માટે તૈયાર કરવામાં આવી રહી છે કે જેથી મેટ્રો રેલની કામગીરી ઝડપી બની શકે.

છેલ્લાં 20 વર્ષથી જેની રાહ જોવાતી હતી તેવા સુરત માટે અતિ મહત્ત્વના અને ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલ માટે પ્રથમ ફેઝ એટલે કે સરથાણાથી ડ્રીમ સિટીના 21.61 કિ.મી.ના રૂટ પૈકી કાદરશાની નાળથી ડ્રીમ સિટી સુધીના 11.6 કિ.મી.ના રૂટ તેમજ સરથાણાથી મક્કાઇ પુલ સુધીના 10 કિ.મી.ના રૂટ (અંડરગ્રાઉન્ડ 6 કિ.મી. સહિત) માટે ટેન્ડરો મંજૂર થઇ ચૂક્યાં છે અને વડાપ્રધાન દ્વારા આ ડ્રીમ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરી દેવાયું છે.

વડાપ્રધાનના હસ્તે મેટ્રોનું ખાતમુર્હુત થતા જ કામનું શ્રીગણેશ પણ કરી દેવાયું છે. અંડરગ્રાઉન્ડ મેટ્રો માટે જીઓ ટેકનિકલ ઈન્વેસ્ટિગેશનની કામગીરી ચાલી રહી છે. જેની સાથે સાથે અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન માટેની ડિઝાઈન પણ તૈયાર થઈ રહી છે. 40 દિવસમાં સર્વે પુર્ણ થતા જ ડિઝાઈન પણ તૈયાર થઈ જશે.

મેટ્રો રેલ માટે ઇજારો મેળવનાર એજન્સી જે કુમાર ઇન્ફ્રાના સબલેટ ‘ઝેડ જિઓટેકનિક્સ એન્ડ કન્સ્ટ્રક્શન’દ્વારા સુરત રેલ્વે સ્ટેશન અને ચોક બજાર રેમ્પ વચ્ચેના 3.56 કિ.મી.ની અન્ડરગ્રાઉન્ડ પેકેજ માટે સોઈલ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ અંડરગ્રાઉન્ડ લાઈનની ભૌગોલિક ટેકનિકલ તપાસ પૂર્ણ થવા માટે હજી લગભગ 40 દિવસનો સમય લાગશે.

અને ત્યારબાદ તુરંત જ અંડરગ્રાઉન્ડ સ્ટેશન માટેની ડિઝાઈનોને પણ ફાઈનલ કરી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે કુમાર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) દ્વારા રૂા. 941 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ મેટ્રો માટેની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં ચોકબજાર, મસ્કતિ હોસ્પિટલ અને સુરત રેલ્વે સ્ટેશનના અંડરગ્રાઉન્ડ સ્ટેશન બનશે.

To Top