Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી : કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે આંદોલનકારી ખેડૂતોની લાગણીઓને માન આપવા સરકાર નવા ત્રણ કૃષિ કાયદાઓ સુધારવા તૈયાર છે જયારે તેમણે વિપક્ષો પર પ્રહાર કરતા કહ્યું હતું કે તેઓ દેશના કૃષિ અર્થતંત્રના ભોગે અને ખેડૂતોના હિતને નુકસાન પહોંચાડીને આ મુદ્દે રાજકારણ રમી રહ્યા છે.

અહીં એગ્રિવિઝનના પાંચમા રાષ્ટ્રીય અધિવેશનને સંબોધન કરતા કેન્દ્રીય કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે સરકારે ખેડૂતો સાથે મંત્રણાના 11 રાઉન્ડ યોજ્યા છે અને આ કાયદાઓ સુધારવાની દરખાસ્ત પણ કરી છે. તોમરે હાલના ખેડૂત આંદોલન બાબતે બોલતા આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે આ આંદોલન કઇ રીતે ખેડૂતોને લાભ કરી શકે તેમ છે? આ આંદોલન કઇ રીતે ખેડૂતોના હિતમાં છે તે બાબતે કોઇ વાત કરવા તૈયાર નથી એમ મંત્રીએ કહ્યું હતું. તોમરે એ બાબતે ખેદ વ્યક્ત કર્યો હતો કે ખેડૂતો યુનિયનો અને વિરોધ પક્ષો પણ આ કાયદાઓની જોગવાઇઓમાં ખામીઓ દર્શાવવામાં નિષ્ફળ ગયા છે.

દરમ્યાન, દિલ્હીની સરહદો પર ખેડૂતોના ધરણાઓને 100 દિવસ પુરા થયા તે પ્રસંગે આજે ખેડૂતોએ ફરીથી પોતાની એ માગણી પર મક્કમતા વ્યક્ત કરી હતી કે સરકાર આ ત્રણેય નવા ખેત કાયદાઓ નાબૂદ કરે. એક વરિષ્ઠ ખેડૂત નેતાએ આજે જણાવ્યું હતું કે ખેડૂતોએ સરકાર સાથે મંત્રણાનો ક્યારેય ઇન્કાર કર્યો નથી. આંદોલનની શરૂઆતથી આ ત્રણેય નવા કાયદા રદ કરવાની અમારી માગણી યથાવત રહી છે અને મંત્રણા કોઇ પણ જાતની પૂર્વશરત વગર થવી જોઇએ એમ તેમણે કહ્યું હતું.

To Top